'સાક્ષીએ સંન્યાસ લીધો, મેં પણ લઈ લીધો, વાત ખતમ', બૃજભૂષણ સિંહનું નિવેદન

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
'સાક્ષીએ સંન્યાસ લીધો, મેં પણ લઈ લીધો, વાત ખતમ', બૃજભૂષણ સિંહનું નિવેદન 1 - image

ભાજપ સાંસદ અને કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ સવાલોના જવાબ આપ્યા. કેન્દ્રીય રમત મંત્રાલયના નિર્ણય બાદ નવનિયુક્ત અધ્યક્ષ સંજય સિંહ પણ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. આ અંગે બૃજભૂષણ સિંહે કહ્યું કે, પહેલા દિવસથી જ આ મામલે રાજકારણ થઈ રહ્યું છે. સંજય સિંહ ભૂમિહાર છે અને હું રાજપૂત છું. અમે બંને લોકો એક સારા મિત્રો છીએ.

'સાક્ષીએ સંન્યાસ લીધો, મેં પણ લઈ લીધો'

યૌન શોષણના આરોપ પર બૃજભૂષણે કહ્યું કે, તેઓ 11 મહિનાથી એવું કહી રહ્યા છે કહેવા દો, મામલો કોર્ટમાં છે. આના પર અમે કંઈ નહીં બોલીએ. જેમાં સતત રાજકારણ થઈ રહ્યું છે. તેમાંથી કેટલાક કોંગ્રેસ અને ટુકડે-ટુકડે ગેંગમાં સામેલ હતા. અમે તો પોતાનું સંભાળી રહ્યા છીએ. સાક્ષીએ પણ સંન્યાસ લઈ લીધો, અમે પણ સંન્યાસ લઈ લીધો, વાત ખતમ... મારી પાસે ઘણું કામ છે. હું પોતાનું કામ કરીશ અને પોતાની ચૂંટણી જોઈશ.

ગોંડામાં કુશ્તી ચેમ્પિયનશિપ કરાવવાના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, 'તમામ ફેડરેશનના લોકોએ હાથ ઉંચા કરી દીધા છે કે અમે આને નહીં ચલાવી શકીએ. 15-20 વર્ષના બાળકોનું ભવિષ્ય ખરાબ ન થાય તે માટે આ ટુર્નામેન્ટને નંદનીનગરમાં કરાવવાનો નિર્ણય લેવાયો. ચાર દિવસની ટૂર્નામેન્ટ કરાવવાની હતી. દેશના 25એ 25 ફેડરેશનોએ હાથ ઉંચા કરી દીધા અને 31 ડિસેમ્બર સુધી આ ટુર્નામેન્ટ કરાવવાની હતી. અમારી પાસે નંદનીનગરમાં અમારું તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. તમામ ફેડરેશનોએ આ મુદ્દે સહમતિ દર્શાવી.'

ઉલ્લેખનીય છે કે, નવા રેસલિંગ ફેડરેશને હાલમાં જ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન ગોંડામાં કરવાની જાહેરાત કરી હતી. રમતગમત મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના બંધારણની જોગવાઈઓનું પાલન કર્યા વિના લેવામાં આવ્યો હતો. 

'12 વર્ષ કુશ્તી માટે કરેલું કામ મૂલ્યાંકનનો વિષય'

તેમણે કહ્યું કે, મેં 12 વર્ષમાં કેવું કામ કર્યું તેનું મૂલ્યાંકન મારું કામ કરશે. હું કુશ્તીમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છું. હવે આ પસંદ કરાયેલા લોકો પોતાનો નિર્ણય લેશે. મારે લોકસભા ચૂંટણી આવી રહી છે તેની તૈયારી કરવાની છે. હવે જે નવી ફેડરેશન આવશે તે નક્કી કરશે કે તેને કોર્ટ જવું છે કે સરકાર સાથે વાત કરવી છે.

હું હજુ પણ સરકારને આગ્રહ કરું છું કે, તેઓ આ ટુર્નામેન્ટને પોતાની દેખરેખમાં કરાવે. તેઓ અમારા નેતા છે અને અમે તેમને મળતા રહીશું પરંતુ આ મામલે કોઈ વાત નથી થઈ. મને લાગે છે કે, આ પોસ્ટરમાં અહંકારની ગંધ આવી રહી છે, એટલા માટે પોસ્ટરને હટાવી દેવાયું. ચૂંટણી આવવાની છે, હું ગમે ત્યારે ગમે તેને મળી શકું છું.

'સંજય સિંહ સાથે માત્ર સારી મિત્રતા'

મેં તમને જણાવી દીધું કે, 21 ડિસેમ્બરે જ કુશ્તી સાથે મારો સંબંધ તોડી ચૂક્યો છું. લોકતાંત્રિક રીતે જ સુપ્રીમ કોર્ટની દેખરેખ પર સરકારના આદેશથી નવી બોડીની પસંદગી થઈ છે. હવે શું કરવું છે, શું નહીં તે નવી બોડીને નક્કી કરવાનું છે. હું નવા પદાધિકારીઓ પાસેથી ઈચ્છીશ કે તેઓ પોતાની ઓફિસની ચૂંટણી કરાવી લે. સંજય સિંહ ભૂમિહાર છે અને હું ક્ષત્રિય છું. અમે માત્ર એક સારા મિત્ર છીએ.

'મારે કેસરગંજથી ચૂંટણી લડવી છે, બાકી પાર્ટી નક્કી કરશે'

ચૂંટણી લડવા અંગે બૃજભૂષણે કહ્યું કે, હું બલરામપુર, ગોંડા અને કૈસરગંજથી ચૂંટણી જીતી ચૂક્યો છું. કેસરગંજમાં મારું ઘર છે. બાકી મારી ઈચ્છા છે કે, હું પોતાના ઘરેથી ચૂંટણી લડવા ઈચ્છીશ. બાકી તો પક્ષ નક્કી કરશે. 

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહનો વિજય થયો હતો અને પૂર્વ રેસલર અનિતા શિયોરાનનો પરાજય થયો હતો. ત્યાર પછી મહિલા કુશ્તીબાજ સાક્ષી મલિકે રેસલિંગમાંથી નિવૃતિ લેવાની અને ઓલિમ્પિક પુરસ્કાર વિજેતા બજરંગ પુનિયાએ પદ્મશ્રી પુરસ્કારને પરત કરવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન રમતગમત મંત્રાલયે આજે મોટી કાર્યવાહી કરતા રેસલિંગ ફેડરેશન અને તેના નવનિયુક્ત અધ્યક્ષ સંજય સિંહને સસ્પેન્ડ કરી દીધા હતા.


Google NewsGoogle News