5 કરોડ રૂપિયાના ખર્ચે બનતો વધુ એક બ્રિજ નદીમાં સમાયો, નીતિશ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખુલી
Bihar Katihar Bridge Collapsed | બિહારમાં પુલ ધસી જવાની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. ચાલુ વર્ષે વરસાદે નીતિશ સરકારમાં રાજ્યમાં ધમધમતાં ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી હતી. અહીં પુલ બનાવવા માટે જરૂરી ગાઈડલાઈનનું પાલન જ નથી કરાતું. આ જ કારણ છે કે બિહારમાં મોટાભાગના પુલ ધરાશાયી થઇ રહ્યા છે.
પુલનો એક સ્લેબ ગંગા નદીમાં સમાયો...
તાજેતરનો મામલો કટિહારના બરારી વિસ્તારનો છે. અહીં બકિયા સુખા પંચાયતને બકિયા ઘાટ સાથે જોડતો નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. આ બ્રિજ એટલો કમજોર હતો કે ગંગા નદીના તેજ વહેણને સહન જ ના કરી શક્યો. હવે આખા પુલનું અસ્તિત્વ જોખમમાં છે.
5 કરોડ ગયા પાણીમાં!
ગ્રામીણ કાર્ય વિભાગે મુખ્યમંત્રી રોડ કનેક્ટિવિટી યોજના હેઠળ એક વર્ષ પહેલા જ બકિયા સુખાય ગામથી બકિયા ગંગા નદીના ઘાટ સુધી પ્રસ્તાવિત રોડ બનાવવા માટે બે આરસીસીના પુલ બનાવડાવ્યાં હતા. તેને બનાવવા પાછળ 5 કરોડ ખર્ચાયા હતા. જોકે છેલ્લા એક સપ્તાહથી માટીનું ધોવાણ થતાં પુલના પિલ્લર નીચેથી માટી ધસી ગઈ અને પુલનો પાયો કમજોર હોવાને લીધે બ્રિજનો એક હિસ્સો ગંગા નદીમાં સમાઈ ગયો.
સ્થાનિકોએ શું કહ્યું?
સ્થાનિકો કહે છે કે ગંગા નદીમાં પાણીના તેજ વહેણને લીધે આ બ્રિજનો એક હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો અને તે નદીમાં જ સમાઈ ગયો હતો. હાલ ગંગા નદીના જળસ્તરમાં વધારો થતાં બ્રિજ ચારેકોરથી પાણી વચ્ચે ઘેરાઈ ગયો છે.