મુરતિયો નહી કન્યા લઇને આવે છે જાન, દુલ્હાના પરિવારે આપવું પડે છે દહેજ
શહેરી અને ગ્રામીણ સમાજથી સાવ અલગ પહાડોમાં વસવાટ કરે છે.
સમુદાયના લોકો એકઠા થઇને દુલ્હાએ આપવું પડતું દહેજ નકકી કરે છે
સોમવાર ભોપાલ,૫ ફેબુ્આરી,૨૦૨૪,સોમવાર
ભારતીય ઉપખંડ માં કોઈ પણ લગ્ન પ્રસંગમાં પરણનાર છોકરાના ઘરથી છોકરીના ઘરે જતા લોકોના સમુહને જાન કહેવામાં આવે છે. આ સમયે મોટે ભાગે પરણનાર વરરાજા ઘોડા કે ઘોડી પર બેસીને વરઘોડો કાઢીને પોતાનાં કુટુંબીજનો તથા મિત્રો સાથે, બેન્ડ-વાજા સાથે નાચતાં નાચતાં જાન લઈ કન્યાના ઘરે અથવા વિવાહના સ્થળ પર જાય છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે એક એવો પણ સમુદાય છે જયાં દુલ્હન દુલ્હાના ઘરે જાન લઇને જાય છે.
દહેજ કન્યાના માતા પિતાએ નહી પરંતુ મુરતિયાના માતા પિતાએ આપવું પડે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આદિજાતિ સમુદાયની વધુ વસ્તી ધરાવતા છતિસગઢ રાજયના નારાયણપુરમાં આ પ્રથા જોવા મળે છે. નારાયણપુર જિલ્લાના અબુઝમાડમાં વસવાટ ધરાવતી મડિયા જનજાતિમાં આ અનોખી પરંપરા જોવા મળે છે. આ જનજાતિમાં યુવતીઓ પોતાની જાતે પણ મુરતિયો પસંદ કરી શકે છે. સમુદાયના લોકો એકઠા થઇને દુલ્હાએ આપવું પડતું દહેજ નકકી થાય છે.
આ પ્રક્રિયા લગ્ન પહેલા જ શરુ થઇ જાય છે. કયારેક બે થી ત્રણ વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલે છે. દહેજ માટે રોકડા નાણા જ નહી ઘરવખરી પણ આપવામાં આવે છે. દુલ્હનની જાન આવવાની પ્રથા સદીઓથી જોવા મળે છે તેમાં તેઓ કોઇ જ પરિવર્તન ઇચ્છતા નથી. નવી પેઢી પણ લગ્ન કરે ત્યારે આ રિવાજનું પાલન કરે છે. અબૂઝમાડિયા જનજાતિનું નિવાસ ક્ષેત્ર છત્તીસગઢ રાજયના નારાયણપુર જિલ્લાના અબુઝમાડા વિસ્તાર હોવાથી આ સમુદાયને અબૂઝમાડા સમુદાય કહેવામાં આવે છે.
અબૂઝમાડિયા શહેરી અને ગ્રામીણ સમાજથી સાવ અલગ પહાડોમાં વસવાટ કરે છે. સંપૂર્ણ પણે સાવ સાદું અને કુદરતી જીવન જીવે છે. આદિમજાતિ અનુસંધાન અને પ્રશિક્ષણ સંસ્થાન રાયપુરના જણાવ્યા અનુસાર ૨૩૦૦૦ જેટલી વસ્તી ધરાવતા સમુદાયને મેટા ભૂમિ એટલે કે પર્વતિય વિસ્તારના રહેવાસી કહેવામાં આવે છે. અબૂઝમાડિયા જનજાતિના કુલ ૪૭૮૬ જેટલા પરિવાર છે.આ સમુદાયમાં સાક્ષરતા દર ૨૯ ટકા જેટલો છે.