Get The App

ખેડૂતોની દિલ્હી કૂચ પર 'બ્રેક': તંત્ર સાથે બેઠક બાદ રસ્તા કર્યા ખાલી, આંદોલન મુદ્દે લીધો આ નિર્ણય

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
ખેડૂતોની દિલ્હી કૂચ પર 'બ્રેક': તંત્ર સાથે બેઠક બાદ રસ્તા કર્યા ખાલી, આંદોલન મુદ્દે લીધો આ નિર્ણય 1 - image


Farmers' protest in Noida : ઉત્તર પ્રદેશના નોઈડામાં ખેડૂતોના પ્રદર્શન અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. નોઈડાના ખેડૂતોએ બપોરથી તેમની માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ખેડૂતોના વિરોધની ઘોષણા બાદ સવારથી જ નોઈડાથી લઈને દિલ્હી સુધી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી હતી. તો ખેડૂત આંદોલનને લઈને વહીવટી તંત્ર વિરોધીઓ સાથે સતત સંપર્કમાં હતું. આંદોલનકારી ખેડૂત સંગઠનના આગેવાનો સાથેની વાતચીતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આંદોલન હાલ પુરતું મોકુફ રાખવામાં આવશે. ખેડૂતોના પ્રતિનિધિ મંડળ અને રાજ્ય સરકાર સાથે વાતચીત થશે. ત્યાર બાદ આગળનો નિર્ણય કરવામાં આવશે. એટલે વિરોધ કરી રહેલા ખેડૂતો હવે રસ્તો ખાલી કરવા માટે સંમત થયા છે. જેનાથી ટ્રાફિક જામની સમસ્યા ખત્મ થઈ જશે. 

આ પણ વાંચો :‘અમે અડધી રોટલી ખાઈને રહીશું, પરંતુ...’ બાંગ્લાદેશની સ્થિતિ જોઈ મમતા ભડક્યા, ભાજપ કર્યો ગંભીર આક્ષેપ

ખેડૂત સંગઠને આપી માહિતી

ખેડૂતોના સંગઠન દ્વારા દિલ્હી કૂચ પર બ્રેક લગાવવાની માહિતી આપવામાં આવી છે. ખેડૂત સંગઠનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. જો યુપી સરકાર સાથે વાતચીત નિષ્ફળ જશે તો દિલ્હી કૂચ અંગે આગળનો નિર્ણય કરવામાં આવશે. ખેડૂત પ્રતિનિધિઓ હવે રાજ્ય સરકાર સાથે વાત કરશે.

વિરોધ- પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, હાલ દલિત પ્રેરણા સ્થળ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. હકીકતમાં યુનાઇટેડ કિસાન મોરચાના બેનર હેઠળ ખેડૂતોએ 64.7 ટકા વળતર ચૂકવવાની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું કે, નવા જમીન સંપાદન કાયદા પ્રમાણે બજાર દર કરતાં ચાર ગણું વળતર હોવું જોઈએ.

ખેડૂતોની દિલ્હી કૂચ પર 'બ્રેક': તંત્ર સાથે બેઠક બાદ રસ્તા કર્યા ખાલી, આંદોલન મુદ્દે લીધો આ નિર્ણય 2 - image

ખેડુતોની માંગણી 

કિસાન મોરચાએ 20 ટકા પ્લોટ આપવાની માંગ કરી હતી. તેમજ જમીનધારી અને જમીન વિહોણા ખેડૂતોના તમામ બાળકોને રોજગારી અને પુનર્વસનના તમામ લાભો આપવાની માંગ કરી છે. નવા કૃષિ કાયદા હેઠળ વળતર અને લાભો માટેની તેમની 5 મુખ્ય માંગણીઓ સાથે ખેડૂત સંગઠન દ્વારા પ્રશાસન અને સત્તામંડળ સમક્ષ ભાર મુકશે.

45 હજાર ખેડૂતો એકઠા થયા

દલિત પ્રેરણા સ્થળ પર લગભગ 45 હજાર ખેડૂતો એકઠા થયા હતા. વિવિધ ગામોના ખેડૂતો રસ્તા પર ઉતરી આવતાં શહેરમાં ચક્કાજામ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી. નોઈડાથી દિલ્હી સુધી આ પ્રદર્શનને લઈને ઉગ્ર આંદોલન થયું હતું. આશરે 4000 જેટલા પોલીસકર્મીઓને ઉતારવામાં આવ્યા હતા. જેના કારણે ખેડૂતોને આગળ વધતા રોકવામાં સફળતા મળી હતી.

ખેડૂતોની દિલ્હી કૂચ પર 'બ્રેક': તંત્ર સાથે બેઠક બાદ રસ્તા કર્યા ખાલી, આંદોલન મુદ્દે લીધો આ નિર્ણય 3 - image

વાતચીત પછી નિર્ણય

યુનાઈટેડ કિસાન મોરચાના આહ્વાન પર દિલ્હી તરફ કૂચ કરી રહેલા હજારો ખેડૂતો ત્રણેય સત્તાવાળાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કર્યા બાદ આંદોલનને સ્થગિત કરવાની સંમતિ આપી હતી. નોઇડા, ગ્રેટર નોઇડા અને યમુના ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય ખાતરી આપ્યા બાદ તેઓ પોતપોતાના વિરોધ સ્થળો પર પાછા ફર્યા. આ પછી રસ્તાઓ પર ટ્રાફિક હળવો થયો હતો. 


Google NewsGoogle News