સોનિયા ગાંધી પર ભાજપ આક્રમક, રાષ્ટ્રપતિ પર ટિપ્પણીને લઈને સંસદમાં રજૂ કર્યો 'વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ'
Sonia Gandhi Statement Controversy: કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અંગેના એક નિવેદનને લઇને વિવાદ થયો છે. ત્યારે હવે ભાજપના સાંસદોએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને લઈને આપવામાં આવેલા કથિત નિવેદન પર નારાજગી વ્યક્ત કરતાં તેમના વિરૂદ્ધ સંસદમાં વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ રજૂ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ભાજપે સોનિયા ગાંધી પર પદની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો અને તેમના નિવેદનને અપમાનજનક ગણાવ્યું. ભાજપના 40 સાંસદોએ સોમવારે રાજ્યસભા અધ્યક્ષ સાથે મુલાકાત કરી છે.
શું બોલ્યા હતા સોનિયા ગાંધી?
સોનિયા ગાંધી વિરૂદ્ધ આ કાર્યવાહી 31 જાન્યુઆરીએ બજેટ સત્રના પહેલા દિવસ તેમના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને કરાઈ છે. બજેટસત્ર પૂર્ણ થવા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંને ગૃહોમાં સંબોધન કર્યું હતું. જે અંગે ટિપ્પણી કરતા સોનિયા ગાંધીએ મીડિયા સાથે વાત કરતા અંગ્રેજીમાં કહ્યું હતું કે, 'પુઅર લેડી બિચારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ભાષણના અંતે થાકી ગયા હતા, તેઓ માંડ બોલી શકતા હતા.' જોકે ભાજપે આ નિવેદનને લઇને કોંગ્રેસને ઘેરી હતી સાથે આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું, આદિવાસીનું અપમાન કર્યું છે તેઓ માફી માગે. વિવાદ બાદ પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાત કરીને માતા સોનિયા ગાંધીનો બચાવ કર્યો હતો.
શું છે વિશેષાધિકારનો ભંગ?
સાંસદોને કેટલાક સંસદીય વિશેષાધિકારો હોય છે અને સંસદનું દરેક ગૃહ તેના વિશેષાધિકારોનું પોતાનું રક્ષક હોય છે. સામાન્ય રીતે, સંસદના ગૃહ અથવા તેની સમિતિઓ અથવા સભ્યો પર અસ્પષ્ટતા દર્શાવતું ભાષણ, સ્પીકરની તેમની ફરજો નિભાવવામાં નિષ્પક્ષતા અથવા ચારિત્ર્ય અંગે પ્રશ્નો ઉઠાવવા, ગૃહમાં સભ્યોના વર્તનની ટીકા કરવી વગેરેને વિશેષાધિકારનો ઉલ્લંઘન ગણવામાં આવે છે.
વિશેષાધિકાર સમિતિ કરે છે તપાસ
હવે જ્યારે સજાની વાત આવે છે તો તેના માટે પણ લોકસભા અધ્યક્ષે સંસદીય પ્રક્રિયાનું પાલન કરવું પડે છે. જો વિશેષાધિકારના ભંગ અથવા તિરસ્કારનો કેસ સીધો જ જોવા મળે છે, તો લોકસભાના અધ્યક્ષ આ બાબતને વિશેષાધિકાર સમિતિને તપાસ માટે મોકલે છે. આ કમિટી મામલાની તપાસ કરે છે અને તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ અને સ્પષ્ટતા માંગ્યા બાદ તેના નિષ્કર્ષ પર પહોંચે છે અને પછી જે યોગ્ય છે તેની ભલામણ કરે છે.
આ પણ વાંચો: કોંગ્રેસના શાહી પરિવારે રાષ્ટ્રપતિનું અપમાન કર્યું: PM મોદીનો સોનિયા ગાંધીને જવાબ
એક સમયે ઈન્દિરા ગાંધીને દોષિત ઠેરવાયા હતા
ભારતીય સંસદીય કાર્યવાહીમાં વિશેષાધિકારના ભંગનો પણ પોતાનો ઇતિહાસ છે. પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીને વિશેષાધિકાર સહિત અન્ય ઘણા કેસમાં જેલમાં જવું પડ્યું હતું. આ તે સમયગાળો હતો જ્યારે દેશમાં કટોકટીનો અંત આવ્યો હતો અને તત્કાલીન ગૃહ પ્રધાન ચૌધરી ચરણ સિંહે ઈન્દિરા ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવ્યા હતા. ચૌધરી ચરણસિંહ ઈન્દિરા ગાંધી પર કામમાં અવરોધ, અધિકારીઓને ધમકાવવા અને ખોટા કેસમાં ફસાવીને તેમનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં ઈન્દિરા ગાંધીને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.