Get The App

યોગીને હટાવી ભાજપના આ નેતાને યુપીના CM બનવાની ઈચ્છા, અખિલેશના દાવાથી રાજકારણ ગરમાયું

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
યોગીને હટાવી ભાજપના આ નેતાને યુપીના CM બનવાની ઈચ્છા, અખિલેશના દાવાથી રાજકારણ ગરમાયું 1 - image



Political News: હાથરસ દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. સમગ્ર દેશ આ દુર્ઘટનાથી શોકગ્રસ્ત છે. ત્યારે આ મુદ્દે રાજકારણીઓ સક્રિય થયા છે અને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. સપાના પ્રમુખ અખિલેશ યાદવે આ અંગે યૂપી સરકારને ઘેર્યું હતું. અખિલેશ યાદવે સ્વાસ્થ્ય મંત્રી બ્રજેશ પાઠક પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, સ્વાસ્થ્ય મંત્રીને પ્રજાથી કોઇ લેવા-દેવા નથી. તેમને ફક્ત પોતાના રાજકિય સ્વાસ્થ્યની ચિંતા છે. આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, સ્વાસ્થ્ય મંત્રી બ્રજેશ પાઠક ઇચ્છે છે કે, યૂપીના સીએમને તેમના પદ પરથી હટાવી તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે. અખિલેશ યાદવના આ દાવાથી ઉત્તરપ્રદેશનું રાજકારણ ગરમાયું છે.

સરકાર પર લગાવ્યો આરોપ

અખિલેશ યાદવે ગુરુવારે સપાના મુખ્ય કાર્યાલય પર મોટા પાયે નેતાઓના સપા પર જોડાવવા દરમિયાન આ દાવો કર્યો હતો. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, દુઃખ છે કે હાથરસમાં આટલા બધા લોકોના મોત થયા. આ હોનારતની સંપૂર્ણ જવાબદારી વહિવટી તંત્ર અને સરકારની છે. કોઇ પર આરોપ લગાવવાથી કઇ નહી થાય. હમણા ભાજપ અડધી હારી છે. હવે પછી ભાજપ સંપૂર્ણ રીતે હારશે. તેમણે કહ્યું કે, સરકાર પોતાની જવાબદારીથી ભાગી શકતી નથી. સ્વાસ્થ્ય મંત્રીને આજે તેમના વિભાગની ચિંતા નથી તેઓ ઇચ્છે છે કે, CM હટી જાય અને તેઓ મુખ્યમંત્રી બની જાય.

સરકારે બેદરકારી દાખવી

અગાઉ અખિલેશ યાદવે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, હાથરસમાં લોકોના જીવ બચાવી શકાતા હતા, પરંતુ સરકારે એમ્બ્યુલન્સ અને ગાડીઓની વ્યવસ્થા ન કરી હતી. જે ઘાયલ લોકો સારવાર માટે હોસ્પિટલ ગયા હતા તેમને યોગ્ય સારવાર આપવામાં ન આવી હતી. તેમને દવાઓ તેમજ ઓક્સિજન ન  આપવામાં આવ્યો હતો. લોકોના જીવ બચાવવા માટે કોઇ વ્યવસ્થા ન હતી. આ તમામ માટે સરકાર જવાબદાર છે. સરકાર અને વહિવટી તંત્રને ખબર હતી કે આ પ્રકારના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. સરકાર પાસે આ અંગે જાણકારી હતી, તેમ છતાં તેમણે યોગ્ય વ્યવસ્થા ન કરી હતી. બેદરકારીના કારણે જે લોકોએ જીવ ગુમાવ્યા છે એની જવાબદાર સરકાર છે.

6 આરોપીની ધરપકડ કરાઈ

હાથરસ કેસને લઈને પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી હતી કે, સત્સંગમાં નાસભાગ બાદ અનેક લોકોના મોત થયા હતા. ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ પૂછપરછમાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલાં આરોપી આયોજન સમિતિના મેમ્બર છે.


Google NewsGoogle News