પટણામાં પ્રદર્શનને લઇને પોલીસનો વિદ્યાર્થીઓ પર ફરી લાઠીચાર્જ, પ્રશાંત કિશોર સહિત 21 લોકો વિરૂદ્ધ કેસ નોંધાયો
BPSC Protest : બિહારની રાજધાની પટણામાં BPSC વિરુદ્ધ વિદ્યાર્થીઓનું પ્રદર્શન છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહ્યું છે. આ દરમિયાન રવિવારે (29 ડિસેમ્બર) પટણાના ગાંધી મેદાનમાં વિદ્યાર્થી સંસદનું આયોજન કરાયું હતું. જેમાં જનસુરાજના સ્થાપક પ્રશાંત કિશોરે પણ ભાગ લીધો હતો. જે બાદ વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી. આ પદયાત્રા ગાંધી મેદાનથી મુખ્યમંત્રી નિવાસસ્થાન સુધી નિકળવાની હતી. જોકે, પોલીસે વિદ્યાર્થીઓને અટકાવી લાઠીચાર્જ કર્યો હતો અને વોટર કેનનનો ઉપયોગ પણ કર્યો હતો. હવે પોલીસે આ મામલે પ્રશાંત કિશોર સહિત 21 લોકોના નામ સાથે અને 600 અજાણ્યા વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.
શું છે સમગ્ર ઘટના?
નોંધનીય છે કે, વિદ્યાર્થીઓ હાલમાં જ લેવાયેલી BPSC પરીક્ષાને રદ કરવાની સાથે સાથે નોર્મલાઇઝેશનની માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ ઇચ્છે છે કે જે પરીક્ષા ફરીથી લેવામાં આવે, આ મામલે વિદ્યાર્થીઓએ પટણાના ગાંધી મેદાનમાં વિદ્યાર્થી સંસદનું આયોજન કર્યું હતું. જે બાદ તેમણે મુખ્યમંત્રી નિવાસસ્થાન સુધી રેલી પણ કાઢી હતી, પરંતુ પોલીસે જેપી ગોલંબર પાસે વિદ્યાર્થીઓને અટકાવ્યા હતા. જેના કારણે વિદ્યાર્થીઓએ રસ્તા પર જ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસે ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓ સીએમ આવાસ જવા પર અડગ હતા. આ દરમિયાન લાંબો ટ્રાફિક જામ થયો હતો. જે બાદ પોલીસે વિદ્યાર્થીઓને હટાવવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને વોટર કેનનનો ઉપયોગ કર્યો, જેમાં અનેક વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી છે. પોલીસે અનેક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી છે.
પ્રશાંત કિશોર ફરિયાદ નોંધાઇ
બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) ના ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનના સંબંધમાં પ્રશાંત કિશોર અને તેમની પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રશાંત કિશોર પર ઉમેદવારોને ઉશ્કેરવાનો અને તેમને રસ્તા પર લાવીને હંગામો મચાવવાનો આરોપ છે. આ કારણે તેની સામે અનેક ગંભીર કલમો લગાવવામાં આવી છે. આ કેસમાં પ્રશાંત કિશોર સહિત 21 લોકોના નામ સહિત અને 600થી વધુ અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ વૈષ્ણોદેવીમાં રોપ-વેનો વિરોધ: 120 કલાકથી રેસ્ટોરન્ટ-દુકાનો ઠપ, ભક્તો પરેશાન
પ્રશાંત કિશોરની આગેવાનીમાં નીકળી હતી રેલી
વાસ્તવમાં, ઉમેદવારોનું કહેવું છે કે, પ્રશાંત કિશોરના નેતૃત્વમાં, તેઓએ સચિવાલય તરફ કૂચ કરવાનો નિર્ણય કર્યો. સરકાર સાથે વાત કરવા માટે તેઓ ગાંધી મેદાનથી નીકળ્યા હતા. તેમને રોકવા માટે બિહાર પોલીસે અનેક સ્તરોમાં બેરિકેડ પણ લગાવ્યા હતા. પરંતુ ઉમેદવારો તેને તોડીને આગળ વધતાં બિહાર પોલીસ તેમને રોકવા પહોંચી હતી.
પ્રશાંત કિશોરે શું કહ્યું?
ગાંધી મેદાન ખાતે ઉમેદવારોને સંબોધતા પ્રશાંત કિશોરે કહ્યું કે, 'એક દિવસ માટે નારા લગાવવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. બિહારમાં વિદ્યાર્થીઓનું જીવન ઘણા વર્ષોથી બરબાદ થઈ ગયું છે. આ લડાઈ લાંબા સમય સુધી ચલાવવી પડશે અને સમસ્યાનો મૂળથી અંત લાવવો પડશે. ખેડૂતો વર્ષોથી દિલ્હીમાં પડાવ નાખતા હતા, તે પછી જ તેમને કંઈક હાંસલ થયું. જો બિહારમાં ડોમિસાઈલ પોલિસીમાં ફેરફાર, પેપર લીક અને નોકરીઓમાં ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખાડી નાખવો હોય તો બિહારના વિદ્યાર્થીઓએ પણ ખેડૂતોની જેમ એક થઈને તેમની લડાઈ લડવી પડશે.'
આ પણ વાંચોઃ કુંભ મેળામાં આકાશથી માંડી પાણીમાં પણ ચુસ્ત સુરક્ષા, 2700 સીસીટીવી કેમેરા લગાવાશે
મુખ્ય સચિવે વિદ્યાર્થીઓને મળવા બોલાવ્યા
વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે બિહારના મુખ્ય સચિવે પાંચ વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળને મળવા બોલાવ્યા હતા. જોકે, વિદ્યાર્થીઓનું કહેવું છે કે, 'તેઓ મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા માંગે છે અને તેમની સમક્ષ માગણીઓ રજૂ કરવા માગે છે. જોકે, નીતિશ કુમાર હાલ દિલ્હીમાં હોવાથી મુખ્ય સચિવે વિદ્યાર્થીઓને મળવા બોલાવ્યા હતા.
અગાઉ પણ લાઠીચાર્જ કરાયો હતો
તમને જણાવી દઈએ કે, BPSC ઉમેદવારો સતત વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનો આરોપ છે કે બિહાર પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિ કરવામાં આવી છે, તેથી તે પરીક્ષા રદ થવી જોઈએ. આ મામલે 25 ડિસેમ્બરે પણ વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. તે સમયે પણ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જમાં અનેક વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પણ થઈ હતી.