પ્રશાંત કિશોરે 5 સ્ટાર હોટેલ જેવું બેડ, હાઈટેક સુવિધા ધરાવતી વેનિટી વેન સાથે ધરણા કરતા વિવાદ
BPSC Protest: BPSC ની 70મી પરીક્ષા રદ કરવાની માગણી કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં પટનાના ગાંધી મેદાનમાં ત્રણ દિવસથી ઉપવાસ પર બેઠેલા જન સૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. તેમજ આમરણાંત ઉપવાસના સ્થળે પાર્ક કરેલી કરોડોની કિંમતની ફાઇવ સ્ટાર સુવિધાઓથી સજ્જ એક વેનિટી વેન પણ ખૂબ જ ચર્ચાઓમાં છે.
વેનિટી વેન 5 સ્ટાર હોટેલ જેવી સુવિધાઓથી સજ્જ
આ વેનમાં દરેક હાઇટેક સુવિધાઓ છે. બહારથી ચમકતી અને અંદરથી પણ લક્ઝરી સુવિધાઓથી સજ્જ આ વેનિટી વેનની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. આ વેનમાં લક્ઝુરિયસ બેડ, કુશન સોફા, એસી, પંખો, આધુનિક વોશરૂમ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. વેનિટી વેનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ટીકાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકો તેને બિનજરૂરી ઠાઠમાઠ કહે છે તો કેટલાકનું કહેવું છે કે પ્રશાંત કિશોર આ વેનિટી વેનમાં ફ્રેશ થાય છે, કપડાં બદલે છે, વચ્ચે આરામ કરે છે અને મોડી રાત્રે આ વેનમાં સૂઈ જાય છે.
જન સૂરજ પાર્ટીએ કરી સ્પષ્ટતા
બીજી તરફ જન સૂરજ અભિયાનનું કહેવું છે કે આ વેનિટી વેનનો ઉપયોગ પ્રશાંત કિશોરના કામ અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે કરવામાં આવી રહ્યો છે. જન સૂરજ પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે, 'વેનિટી વેનનો મુદ્દો ઉઠાવવો એ માત્ર ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. આ આંદોલન રાજ્યના યુવાનો અને તેમના ભવિષ્ય માટે છે. કેટલાક લોકો પ્રશાંત કિશોરને બદનામ કરવા માટે આ પ્રકારના મુદ્દા ઉઠાવી રહ્યા છે. આ વેનિટી વેન અમારા અભિયાનનું માત્ર એક સાધન છે. અસલી મુદ્દો બિહારનો છે. તેમજ યુવા અને બેરોજગારી, જેના પર ધ્યાન આપવાની જરૂર છે.'