પેપર લીકનો વિરોધ કરતાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, રાહુલ ગાંધીના નીતિશ સરકાર અને NDA પર પ્રહાર
BPSC Paper Leak Update : બિહાર જાહેર સેવા આયોગ(BPSC)ની પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક થયા બાદ ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. આ ઘટનાના કારણે વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે તણાવ વધી ગયો છે. 13 ડિસેમ્બરે યોજાનાર પ્રારંભિક પરીક્ષા વખતે પેપર લીકના અહેવાલો બાદ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરવા મજબૂર થયા છે. પરીક્ષાર્થીઓ પરીક્ષા રદ કરવાની અને ફરી પરીક્ષા યોજવાની માંગ કરી રહ્યા છે. ગઈકાલે (25 ડિસેમ્બર) પટણામાં પોલીસે BPSC ઉમેદવારો પર લાઠીચાર્જ કર્યો હતો. હવે આ મામલાને રાહુલ ગાંધીએ ગંભીરતાથી લીધો છે અને તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
પોલીસે વિદ્યાર્થીઓ પર કર્યો હતો લાઠીચાર્જ
વાસ્તવમાં પેપર લીક થવા મામલે વિદ્યાર્થીઓએ બીપીએસસી ઑફિસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાના અનેક વીડિયો વાયરલ થયા છે. પોલીસે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં મહિલા દેખાવકારો પર પણ કડકાઈથી કાર્યવાહી કરી હતી. દેખાવકારોએ આક્ષેપ કર્યો છે કે, તેમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરાયો. અમે અમારી માંગણીઓ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. પોલીસ કોઈપણ માહિતી વગર આવી અને અમારા પર લાઠીચાર્જ કર્યો છે.
લાઠીચાર્જ મુદ્દે રાહુલ ભડક્યા, નીતિશ સરકાર પર સાધ્યું નિશાન
બિહારમાં પેપર લીક બાદ આંદોલન અને લાઠીચાર્જની ઘટનાથી રાજકારણ ગરમાયું છે. વિપક્ષને નીતિશ સરકાર પર આક્ષેપો કરવાની તક મળી ગઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં સંસદમાં કહ્યું હતું કે, જે રીતે એકલવ્યનો અંગૂઠો કાપવામાં આવ્યો હતો, તેવી રીતે પેપર લીક કરાવી યુવાઓનો અંગૂઠો કાપવામાં આવી રહ્યો છે. તેમણે નીતિશ સરકાર પર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનો આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો : પટણામાં BPSC ઉમેદવારો પર લાઠીચાર્જ, યુવકોએ હોબાળો કર્યાનો પોલીસનો દાવો
પેપર લીકનો મામલો શું છે?
13 ડિસેમ્બરે યોજાયેલી પ્રારંભિક પરીક્ષામાં અનેક ગોટાળાના આક્ષેપ લાગ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમને મોડા પ્રશ્નપત્રો આપવામાં આવ્યા અને અનેક જગ્યાએ પ્રશ્નપત્રો ફાટેલા હતા. જેના કારણે પેપર લીક થયું હોવાની પ્રબળ આશંકા થઈ. બીજી તરફ બીપીએસસીના ચેરમેન પરમાર રવિ મનુભાઈએ પરીક્ષા રદ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે માત્ર પટણાના બાબુ પરીક્ષા કેન્દ્રમાં ચાર જાન્યુઆરી-2025ના રોજ ફરી પરીક્ષા યોજવાની જાહેરાત કરી.