બ્રેકઅપની સલાહ આપનારી ગર્લફ્રેન્ડની બહેનપણીનું બોયફ્રેન્ડે મર્ડર કર્યું
- બેરોજગાર આશિક સાથે ગર્લફ્રેન્ડને પૈસાના મુદ્દે ઝગડા થતાં હતાં
- બેંગલુરુના પીજીમાં થયેલા મર્ડરની ઘટના સીસીટીવીમાં કેદ થઈ : આરોપીને પોલીસે મધ્યપ્રદેશમાંથી ઝડપી લીધો
બેંગ્લુરુ : બેંગલુરુના પેઈંગ ગેસ્ટમાં ૨૪ વર્ષની યુવતી કૃતિનું એક યુવકે મર્ડર કરી નાખ્યું હતું. એ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મર્ડર કરીને ભાગી છૂટેલો આરોપી અભિષેક મધ્યપ્રદેશમાંથી ઝડપાયો હતો. એની પૂછપરછ પછી મર્ડરનો ભેદ ખુલ્યો હતો. એ જાણીને પોલીસને પણ આશ્વર્ય થયું હતું. બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડના ઝગડામાં પોતાની બહેનપણીને સલાહ આપનારી ફ્રેન્ડે જીવ ગુમાવવો પડયો હતો.
બેંગલુરુના પીજીમાં રહેતી કૃતિ કુમારી નામની ૨૪ વર્ષની યુવતીએ તેમની ફ્રેન્ડને બોયફ્રેન્ડ અભિષેક સાથે બ્રેકઅપ કરી લેવાની સલાહ આપી હતી. અભિષેક બેરોજગાર હતો અને તેની ગર્લફ્રેન્ડને પૈસાના મુદ્દે વારંવાર ઝગડા થતા હતા. બંનેના ઝગડામાં કૃતિ કુમારી ઘણી વખત મધ્યસ્થી કરતી હતી. વારંવાર એ બંનેના ઝગડામાં તેને ઈન્વોલ્વ થવું પડતું હતું. બોયફ્રેન્ડનું વર્તન જોયા બાદ કૃતિએ તેની બહેનપણીને સલાહ આપી હતી કે અભિષેક સાથે બ્રેકઅપ કરી લે. ગર્લફ્રેન્ડે તેની ખાસ બહેનપણી કૃતિની સલાહ માનીને બોયફ્રેન્ડ અભિષેકથી અંતર રાખવાનું શરૂ કર્યું હતું. બંને વચ્ચે અબોલા થયા હતા. તે એટલે સુધી કે કૃતિએ જ તેની ફ્રેન્ડને અન્ય પીજીમાં શિફ્ટ કરવામાં મદદ કરી હતી. ગર્લફ્રેન્ડ નવા પીજીમાં શિફ્ટ થઈ ગઈ હોવાથી બોયફ્રેન્ડ અભિષેક તેને મળી શકતો ન હતો.
પછી એ તેની ગર્લફ્રેન્ડના જૂના પીજીમાં આવતો હતો કે જ્યાં કૃતિ રહેતી હતી. તેને કૃતિ સાથે બોલાચાલી થતી હતી. એવા જ એક દિવસે એ આવ્યો અને તેણે કૃતિને માર મારવાનું શરૂ કર્યું હતું. કૃતિ મદદ માટે ચિસો પાડતી હતી, પરંતુ પીજીની બીજી એક પણ છોકરી તેને અભિષેકના ડરના કારણે બચાવવા આવી ન હતી. આરોપી અભિષેક તેને ખેંચીને રૂમમાંથી બહાર લાવે છે અને પછી છરીથી તેનું ગળું કાપી નાખે છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મૂળ બિહારની કૃતિ કુમારી બેંગલુરુમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. તેની હત્યાની ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી લેવાની કવાયત આદરી હતી. આરોપી ભોપાલથી ઝડપાયો હતો. તેની પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસને મર્ડર કેસમાં આ વિગતો મળી હતી.