વડાપ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ ભારતમાં ટ્રેન્ડ થયું #BoycottMaldives, જાણો શું છે કારણ
લક્ષદ્વીપની તુલના માલદીવ સાથે થતાં બંને દેશના લોકો સોશિયલ મીડિયામાં સામસામે
Lakshadweep Vs Maldives: વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસ પહેલા તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપના દરિયાકિનારાની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લક્ષદ્વીપ પ્રવાસના સુંદર વીડિયો અને તસવીરો શેર કર્યા હતા. તેમના આ પ્રવાસ બાદ માલદીવ સરકારનું ટેન્શન વધી ગયું છે કારણ કે સુંદરતામાં લક્ષદ્વીપ માલદીવને ટક્કર આપે તેવું છે. આ દરમિયાન અનેક ભારતીયોએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે માલદીવ જવા માટે લાખો રૂપિયા ખર્ચવા કરતાં લક્ષદ્વીપ જવું વધુ સારું છે. આ વાતથી માલદીવના સત્તાધારીઓને હજમ ના થઈ અને એક નેતાએ ભારતીયો વિશે સોશિયલ મીડિયામાં અપમાનજનક ટ્વિટ પણ કરી.
ભારતમાં #BoycottMaldives અભિયાન શરૂ
માલદીવની સત્તાધારી પક્ષ પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ (PPM)ના નેતા ઝાહિદ રમીઝે ભારતીયોની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ પોસ્ટ રિ-શેર કરીને ‘સારું પગલું છે. જો કે, અમારી સાથે સ્પર્ધા કરાવનો વિચાર જ ભ્રામક છે. તેઓ અમારા જેવી સર્વિસ કેવી રીતે આપી શકે? ભારતનો દરિયાકિનારો આટલો સ્વચ્છ કેવી રીતે હોઈ શકે? બીજી મોટી સમસ્યા હોટલ રૂમમાંથી ગંધ આવતી હશે.’ આ ઉપરાંત માલદીવની ટ્રોલ સેનાએ પણ ભારત વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ઘણું લખવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર પછી ભારતીયો અને માલદીવના લોકો સોશિયલ મીડિયામાં સામસામે આવી ગયા અને ભારતમાં #BoycottMaldives અભિયાન શરૂ થઈ ગયું. આ કારણસર ભારતીયો માલદીવનો વિરોધ કરી રહ્યા છે.
માલદીવના નેતાઓના આવા ઘૃણાસ્પદ ટ્વીટથી સ્પષ્ટ થઈ ગયું છે કે, વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકત બાદ માલદીવના પ્રવાસનને ઝટકો જરૂર લાગશે. ઝાહિદ રમીઝની આ ટ્વિટનો ભારતીય લોકો જોરદાર વિરોધ કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના દરિયામાં કર્યું સ્નોર્કલિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપના દરિયાકિનારાની મુલાકાત વખતે સ્નોર્કલિંગની મજા માણી હતી. તેમણે સ્નોર્કલિંગનો ફોટો શેર કરતા કહ્યું કે, ‘જે લોકો એડવેન્ચર કરવા માગે છે, તેમની યાદીમાં લક્ષદ્વીપ હોવું જોઈએ. મેં સ્નોર્કલિંગનો પ્રયાસ કર્યો. આ આનંદદાયક અનુભવ હતો.’