લક્ષદ્વીપમાં ટૂરિસ્ટ વધે તો પણ માલદીવ્સને નુકસાન નહીં, ફાયદો થશે', ભારત સાથે વિવાદ વચ્ચે ચોંકાવનારો દાવો
માલદીવ્સ અને લક્ષદ્વીપ બંનેની સુંદરતા બાબતે સોશિયલ મીડિયા પર સરખામણી થઇ રહી છે
તેમજ હાલમાં ભારતના ઘણા લોકોએ માલદીવ્સનો પ્રવાસ રદ કર્યો છે, તેમજ બોયકોટમાલદીવ્સ પણ ટ્રેન્ડમાં છે
BoycottMaldives: માલદીવ્સ સરકારને હાથનું કર્યું હૈયે વાગી રહ્યું હોય તેમ આર્થિક સંકટ અને ભારતીયો તરફથી માલદીવ્સના બહિષ્કારનો ડર સતાવા લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને માલદીવ્સના નેતાઓ દ્વારા અપમાનજનક નિવેદનો કરવા બદલ ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ચોતરફી ટીકાઓને પગલે મંત્રી મરિયમ શિઉના, માલશા શરીફ અને મહમૂદ મજીદને સસ્પેન્ડ કરી દેવાની ફરજ પડી હતી. પીએમ મોદી દ્વારા લક્ષદ્વીપની સુંદર તસવીરો શેર કર્યા બાદ તેની તુલના માલદીવ્સ સાથે થઇ રહી છે અને લોકો એવો દાવો પણ કરી રહ્યા છે કે લક્ષદ્વીપમાં પ્રવાસનને વેગ મળવાથી માલદીવ્સને નુકસાન થશે. જો કે આ વિવાદ વચ્ચે માલદીવ્સ એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ (MATATO)એ તેનાથી વિપરીત દાવો કર્યો છે.
વિવાદ કેવી રીતે શરૂ થયો?
તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાની પ્લાનિંગ કરવા અપીલ કરી હતી. જે બાદ માલદીવની યુવા સશક્તિકરણની ઉપમંત્રી મરિયમ શિઉનાએ પીએમ મોદીની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જો કે, તેમની ટ્વિટની ટીકા થતાં જ તેમણે પોસ્ટ ડીલીટ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર #BoycottMaldives ટ્રેન્ડ કરી રહ્યું છે. જેમાં ઘણા સિલેબ્સ અને યુઝરે દાવો કર્યો છે કે તેમણે તેમનો માલદીવ્સનો પ્રવાસ રદ કર્યો છે.
બંને ક્ષેત્રોનો વિકાસ થશે- MATATO
આ દરમ્યાન MATATO એ વિવાદાસ્પદ નિવેદનો કરનારા નેતાઓની ટીકા કરી હતી. આ બાબતે MATATO એ જણાવ્યું હતું કે, લક્ષદ્વીપ ટાપુઓના પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાથી માલદીવ્સના પ્રવાસન પર કોઈ જ નકારાત્મક અસર નહિ પડે. આ પ્રકારનો વિકાસ માલદીવ્સના પ્રવાસન માટે પૂરક સાબિત થશે, જેનાથી બંને પ્રવાસન સ્થળનો વિકાસ થશે અને નવી તકો ઉભી થશે. MATATOએ દક્ષિણ એશિયાના પડોશીઓ દેશો સાથે સકારાત્મક સંબંધોને પ્રોત્સાહન આપવાના મહત્વ પર પણ ભાર મુકતા કહ્યું હતું કે દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો, વેપાર અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સુનિશ્ચિત કરવા માટે સહયોગી પ્રયાસો અને સંચાર જરૂરી છે.