બોક્સ ઓફિસને બખ્ખાં : ભારતીય સિનેમાને 2024માં 11,833 કરોડની આવક થઈ
- બોલિવૂડની આવકમાં 2023ની તુલનાએ ઘટાડો નોંધાયો
- હોલિવૂડના નબળો દેખાવ, દાયકામાં પહેલી વખત કલેકશન હજાર કરોડથી ઓછું, સળંગ બીજા વર્ષે 200 કરોડથી વધુ આવકવાળી એકપણ ફિલ્મ નહીં
નવી દિલ્હી : ભારતીય બોક્સ ઓફિસનું કલેકશન ૨૦૨૪માં છલકાઈ ઉઠયુ હતુ. ભારતીય બોક્સ ઓફિસે ૨૦૨૪માં રુ. ૧૧,૮૩૩ કરોડની જંગી આવક કરી હતી. જો કે આ આવક પણ ૨૦૨૩ની ઓલટાઇમ હાઈ રુ.૧૨,૨૨૬ કરોડ કરતાં ઓછી છે, છતાં પણ તેને બીજા નંબરની ઓલટાઇમ હાઇ ઇન્કમ કહી શકાય, એમ ઓર્મેક્સ મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું. આ જબરદસ્ત સિદ્ધિ છતાં ભારતમાં વિવિધ ફિલ્મ ઉદ્યોગમાં જાતજાતના ટ્રેન્ડ જોવા મળ્યા હતા અને જુદા-જુદા પ્રકારના વલણો પણ જોવા મળ્યા હતા.
બોક્સ ઓફિસ છલકાવવા છતાં પણ હિન્દી સિનેમા એટલે કે બોલિવૂડે ૨૦૨૪માં તેની આવકમાં ૨૦૨૩ની તુલનાએ ઘટાડો જોયો હતો. બોલિવૂડની આવક ૨૦૨૪માં રુ. ૪,૬૭૯ કરોડ રુપિયા થઈ હતી, જે ૨૦૨૩માં રુ. ૪,૬૭૯ કરોડ હતી. ફિલ્મોની આવકમાં બોક્સ ઓફિસનો હિસ્સો ચાર ટકા ઘટી ૪૦ ટકા થઈ ગયો છે. તેમા પણ ૩૧ ટકા આવક તો ડબ થયેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મોથી આવે છે. હવે જો બોલિવૂડની આવકમાં સાઉથની ફિલ્મોના હિન્દી ડબ વર્ઝનની આવકને બાકાત રાખવામાં આવે તો હિન્દી સિનેમા બોક્સ ઓફિસની આવકમાં ૩૭ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.
હિન્દી ફિલ્મો માટેના ફૂટફોલ ૧૬ ટકા ઘટી ૨૩ કરોડ થયા છે. આ સ્તર રોગચાળા પૂર્વેના સ્તર કરતાં પણ ઓછું છે. પુષ્પા-ટુ ધ રુલ હિન્દી) અને સ્ત્રી-ટુએ એમ બે ફિલ્મોએ જ બોલિવૂડના કુલ કલેકશનમાં લગભગ રુ. ૧,૬૦૦ કરોડનો ફાળો આપ્યો છે. આ બતાવે છે કે બિગ બજેટ ફિલ્મો પરનો ભાર વધી રહ્યો છે. ૨૦૨૪માં મલયાલમ સિનેમા જબરદસ્ત પર્ફોર્મ રહ્યુ હતું. તેનો બોક્સ ઓફિસ શેર ૨૦૨૩ના પાંચ ટકાથી બમણો થઈ દસ ટકા થયો હતો અને તેની આવક રુ. ૧,૦૦૦ કરોડને વટાવી ગઈ હતી. આવું પહેલી વખત જ થયું છે.
મલયાલમ ફિલ્મ ઉદ્યોગે ફૂટફોલ્સમાં ૮૮ ટકાનો નોંધપાત્ર વધારો જોયો છે. તેની આ સફળતાનું કારણ બે હિટ ફિલ્મ મંજુમ્મેલ બોય્સ અને આવેશમ નામની બે ફિલ્મ છે. તેમા પણ મંજુમ્મેલ બોય્સ સૌથી વધુ કમાણી કરતી મલયાલમ ફિલ્મ બની છે અન તેણે બોક્સ ઓફિસ પર રુ. ૧૫૦ કરોડ કરતાં વધુ આવક નોંધાવી હતી. જ્યારે ૨૬ મલયાલમ ફિલ્મોએ દસ કરોડથી વધુ આવક મેળવવામાં સફળતા મેળવી હતી, આ આંકડો ૨૦૨૩થી બમણો છે.
તમિલ સિનેમાએ મજબૂત કામગીરી જારી રાખતા સળંગ ત્રીજા વર્ષે ૧,૫૦૦ કરોડનો બોક્સ ઓફિસ કલેકશનનો આંકડો વટાવ્યો હતો.૨૦૨૩ની તુલનાએ સાત ટકાના ઘટાડા છતાં પણ તમિલ સિનેમા રુ. ૧,૫૦૦ કલેકશનનો બોક્સ ઓફિસ આંક વટાવવામાં સફળ રહી હતી. તેના ફૂટફોલમાં ઘટાડો નોંધાયો છે અને તે રોગચાળા પૂર્વેના સ્તરથી પણ નીચે ઉતર્યા છે. ૨૦૨૪માં ફક્ત ત્રણ તમિલ ફિલ્મો જ બોક્સ ઓફિસ કલેકશનમાં રુ. ૧૦૦ કરોડન આંકડો વટાવી શકી હતી. જો કે અહીં ઉદ્યોગે ટોપ-૧૦ પરનું અવલંબન ઘટાડયુ છે અને મિડ રેન્જની ફિલ્મોએ સારી કામગીરી બજાવી છે તે તેની વિશેષતા છે.
તેલુગુ સિનેમા માટે ૨૦૨૪નું વર્ષ પણ જબરદસ્ત રહ્યું હતું. તેણે સળંગ ત્રીજા વર્ષે ૨,૦૦૦ કરોડ રુપિયાથી વધુનું બોક્સ ઓફિસ કલેકશન મેળવ્યું હતું. જો કે તેની આ વૃદ્ધિ ઊંચા ટિકિટ ભાવને આભારી હતી, તેના લીધે ફૂટફોલ્સમાં ૧૨ ટકા ઘટાડા છતાં તે સારી આવક નોંધાવી શકી હતી. પુષ્પા-ટુઃ ધ રુલ અને કલ્કી ૨૮૯૮ એડી ટોચની ત્રણ સૌથી વધુ કમાણી કરનારી તેલુગુ ફિલ્મોમાં સ્થાન પામી છે. જો કે પુષ્પા-ટુ આરઆરઆરએ સર્જેલા રેકોર્ડ કરતાં પાછળ રહી ગઈ છે.
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ૨૦૨૪નું વર્ષ જબરદસ્ત નીવડયું છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલેકશનમાં ૬૬ ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળતાં તે રુ. ૮૦ કરોડ થયું છે. આ કલેકશન સફળ ગુજરાતી ફિલ્મ ઝમકુડીને આભારી છે. તેણે ૨૦ કરોડ રુપિયાથી પણ વધુ કલેકશન નોંધાવ્યું છે. આ ઉપરાંત ફૂટફોલ્સમાં પણ ૫૭ ટકા વધારો નોંધાયો છે. આમ ૨૦૨૪નું વર્ષ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે જબરદસ્ત નીવડયું છે.
કન્નડ સિનેમા માટે ૨૦૨૪નું વર્ષ પડકારજનક નીવડયું હતું તેનું કલેકશન ૨૦૨૩ની તુલનાએ ૧૩ ટકા ઘટયું હતું. જ્યારે ફૂટફોલ્સ ઘટીને ત્રણ કરોડની નીચે ઉતરી ગયા હતા. આવું દાયકામાં પહેલી વખત થયું છે. ૨૦૨૪માં ફક્ત ત્રણ કન્નડ ફિલ્મ જ રુ. ૨૫ કરોડનો બોક્સ ઓફિસ કલેકશન આંકડો વટાવી શકી હતી. આમ કોઈ ફિલ્મને મોટી સફળતા મળી ન હતી.
આવી જ સ્થિતિ પંજાબી ફિલ્મોની પણ હતી. તેના કલેકશનમાં ૧૪ ટકા અને ફૂટફોલ્સમાં ૨૦ ટકા ઘટાડો નોંધાયો હતો. તેનું કુલ વાર્ષિક ફૂટફોલ બે કરોડથી પણ ઓછું થયું હતું. જાટ એન્ડ જુલિયટ-૩ જ ટોપ પર્ફોર્મર હતી. તેણે ઉદ્યોગના કુલ કલેકશનમાં ૨૨ ટકા ફાળો આપ્યો હતો.
આ જ રીતે મરાઠી ફિલ્મોએ પણ કુલ કલકશનમાં ૧૨ ટકા ઘટાડો નોંધાવ્યો છે. તેની કુલ આવક ઘટીને રુ. ૨૦૦ કરોડથી પણ નીચે ઉતરી ગઈ છે. જ્યારે ફૂટફોલ્સમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. પાંચ મરાઠી ફિલ્મોએ દસ કરોડ રુપિયાથી વધારે કમાણી કરી હોવા છતાં પણ આ સ્થિતિ છે.
બંગાળી ફિલ્મ ઉદ્યોગ માટે ૨૦૨૪નું વર્ષ સામાન્ય રહ્યું હતું, નહીં નફો કે નહીં નુકસાન જેવી સ્થિતિ હતી. બ્લોકબસ્ટર ફિલ્મ ખદાન અને બહુરુપીએ રુ. ૧૫ કરોડની આવક કરી હતી, પરંતુ કુલ ફૂટફોલ્સ ૬૦ લાખ પર સ્થિર રહ્યા હતા.
હોલિવૂડની ફિલ્મોને ૨૦૨૪માં ભારતમાંથી અપેક્ષાકૃત આવક થઈ ન હતી. તેના બોક્સ ઓફિસ કલેકશનમાં ઘટાડો થતાં તેની આવક ૧૭ ટકા ઘટી ૨૦૧૫ પછી પહેલી વખત રુ. ૧,૦૦૦ કરોડથી નીચે ઉતરી ગઈ છે. તેના ફૂટફોલ્સ ૩.૮ કરોડ પર સ્થિર રહ્યા હતા. સળંગ બીજા વર્ષે હોલિવૂડની કોઈપણ ફિલ્મ રુ. ૨૦૦ કરોડની આવક નોંધાવી શકી ન હતી.