કિડની રેકેટની હકીકત: 5 લાખમાં ખરીદી, 25 લાખમાં વેચી... ક્યાંથી આવે છે ડોનર્સ, કેવી રીતે ચાલે છે ખેલ
Delhi Kidney Racket Case: દિલ્હીમાં કિડની રેકેટ કેસમાં મોટી ધરપકડ થઈ છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉજાગર કરવામાં આવેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટના મામલે અપોલો હોસ્પિટલની સિનિયર મહિલા ડોક્ટર સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રેકેટમાં સામેલ લોકોના સંબંધ બાંગ્લાદેશ સાથે હતા, જે બાંગ્લાદેશથી જ ડોનર લાવતાં હતાં અને રિસીવર પણ બાંગ્લાદેશના જ હતાં. આરોપી વર્ષ 2019થી રેકેટ ચલાવી રહ્યાં હતાં અને 2021થી 2023ની વચ્ચે તેમણે લગભગ 15 ટ્રાન્સપ્લાન્ટ કર્યાં હતાં, પરંતુ ક્રાઈમ બ્રાન્ચને રેકેટની જાણ થઈ ગઈ અને પછી તપાસ શરૂ થઈ, જેમાં હવે સફળતા મળી.
નકલી ડોક્યુમેન્ટ પર ભારત આવતાં હતાં
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોપી મહિલા ડોક્ટરની ઓળખ 50 વર્ષીય ડો વિજયા કુમારી તરીકે થઈ, જે સસ્પેન્ડ છે. ગેંગમાં એકમાત્ર આ જ ડોક્ટર હતાં, જે નોઈડામાં બનેલા એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરતી હતી. દિલ્હીમાં કિડની રેકેટની જાણ થયાં બાદ પોલીસે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરીને પૂછપરછ કરી તો ડોક્ટર અને તેના સાથીઓ વિશે ક્રાઈમ બ્રાન્ચને જાણ થઈ.
પકડાયેલા બાંગ્લાદેશી નાગરિકો પાસેથી ત્યાંથી અહીંયા લાવવા માટે ઉપયોગ કરવામાં આવેલા નકલી ડોક્યુમેન્ટ મળ્યા, જેની ધરપકડ કરવામાં આવી. વિજય કુમારી છેલ્લા 15 વર્ષથી જુનિયર ડોક્ટર તરીકે ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ સાથે કનેક્ટેડ હતી. તે વિજિટિંગ સલાહકાર હતી અને પોતે દર્દી લાવીને તેમનું ટ્રાન્સપ્લાન્ટ કરતી હતી પરંતુ કિડની રેકેટનો ખુલાસો થયા બાદ હોસ્પિટલે તેને સસ્પેન્ડ કરી દીધી. સાથે જ ક્રાઈમ બ્રાન્ચને સહયોગ કરવાનું આશ્વાસન પણ આપ્યું.
આ રીતે ખરીદ-વેચાણ થતું હતું
પોલીસ સૂત્રો અનુસાર ગેંગમાં સામેલ લોકો બાંગ્લાદેશના જરૂરિયાતમંદ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમને કિડની વેચવા માટે મનાવતાં હતાં. પછી અલ શિફા નામના મેડિકલ ટુરિઝ્મ કંપની દ્વારા નકલી ડોક્યુમેન્ટ પર દિલ્હી બોલાવતાં હતાં. તેમને 4થી 5 લાખ રૂપિયા આપીને કિડની લેવામાં આવતી હતી, જે 25 થી 30 લાખ રૂપિયામાં વેચી દેવામાં આવતી હતી.
જેમને કિડની વેચવામાં આવતી હતી, તે પણ બાંગ્લાદેશના જ નાગરિક હતા. એક પીડિતે નિવેદન નોંધાવીને ક્રાઈમ બ્રાન્ચને આ જાણકારી આપી. ગેંગમાં રસેલ, મોહમ્મદ સુમન મિયાં, ઈફ્તી, રતીશ પાલ નામના વ્યક્તિ હતાં. જેમાંથી ઈફ્તી સિવાય અન્ય લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.