Get The App

ભારત-ચીન બંને સરહદ પર 2020 પૂર્વેની સ્થિતિએ પરત ફરવા માટે સંમત

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
ભારત-ચીન બંને સરહદ પર 2020 પૂર્વેની સ્થિતિએ પરત ફરવા માટે સંમત 1 - image


- બાવન મહિના પછી પૂર્વી લડાખ સરહદ પરની તનાવગ્રસ્ત સ્થિતિનો અંત આવ્યો

- લદ્દાખમાં દેપચાંગ અને ડેમચોક પોઇન્ટ પર બંનેના લશ્કર પરત ફરવાનું શરૂ કરશે : બંને દેશોના લશ્કર સરહદ પર પેટ્રોલિંગ કરવા માટે સંમત

- મોદી-જિનપિંગના બ્રિક્સ પ્રવાસ પૂર્વે સફળતા મળી, બંને બ્રિક્સમાં મળી શકે

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે પૂર્વી લડાખની સરહદે ચાલતા વિવાદને લઈને મહત્ત્વની સફળતાની જાહેરાત કરી છે. ભારતના કહેવા મુજબ બંને દેશ વાસ્તવિક અંકુશરેખાએ પેટ્રોલિંગ માટે કરાર કરવા સંમત થઈ ગયા છે. આ વિવાદ બંને દેશ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ચાલતી શ્રેણીબદ્ધ મંત્રણાઓ પછી આવ્યો છે. આનો સીધો અર્થ એમ થાય કે બંને દેશ ૨૦૨૦ પૂર્વેની સ્થિતિ પર પરત ફરવા સંમત થઈ ગયા છે.વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નિર્દેશ આપ્યો હતો કે આ કરાર પછીની સ્થિતિ હવે પછીના તબક્કામાં બંને દેશોના લશ્કરો દેપસાંગ અને ડેમચોકથી પરત ફરશે અને વાસ્તવિક અંકુશરેખા પર પેટ્રોલિંગ કરશે.  આ બાબતને ભારતની કૂટનીતિક સફળતા માનવામાં આવે છે. 

તેમણે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચે પેટ્રોલિંગની વ્યવસ્થાને લઈને બનેલી સમજૂતી ૨૦૨૦માં પૂર્વી લડાખમાં સર્જાયેલા તનાવનું સમાધાન છે. આ મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ ૨૨ અને ૨૩ ઓક્ટોબરે ૧૬મા બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસ પહેલા આવ્યો છે. 

વિદેશ સચિવે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય અઠવાડિયાઓથી ભારત અને ચીન વચ્ચે રાજકીય અને લશ્કરી મંત્રણા ચાલી રહી છે. ચીનની સાથે વાસ્તવિક અંકુશરેખાના મુદ્દા પર અમારી સમજૂતી થઈ છે. સૈનિકોને પરત મોકલવા અને સ્થિતિના સમાધાન માટે પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 

બંને દેશના અધિકારીઓ વચ્ચે તાજેતરની વાતચીત પછી ભારત અને ચીન પૂર્વી લડાખમાં પેટ્રોલિંગ માટે એક સમજૂતી પર પહોંચ્યા છે. પેટ્રોલિંગ માટેની સંમતિ પછી સરહદ પર તનાવ ઘટવાની આશા છે. વાસ્તવિક અકુશ રેખા પરના બાકીના મુદ્દાને ઉકેલવા માટે ભારત અને ચીનના મંત્રણાકાર છેલ્લા કેટલાક સપ્તાહથી સંપર્કમાં છે. 

ઉલ્લેખનીય છે કે પૂર્વી લદ્દાખ ખીણમાં ૨૦૨૦માં ૧૫ અને ૧૬ જૂનના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો હતો. તેમા ભારતના ૨૦ અને ચીનના પચાસેક સૈનિકોના મોત થયા હતા. તેના પછી બંને દેશ વચ્ચેના સંબંધ તનાવપૂર્ણ છે. ભારત ભારપૂર્વક જણાવતું રહ્યું છે કે ચીન સાથે સરહદે સાંથિ સ્થપાય નહીં ત્યાં સુધી બંને દેશ વચ્ચેના સંબંધો સામાન્ય રહી શકશે નહીં. 

આ દરમિયાન ચીનના વિદેશ મંત્રાલયને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે બ્રિક્સ સમિટ દરમિયાન ભારતીય વડાપ્રધાન અને ચાઇનીઝ પ્રીમિયર મળશે તો તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે આ અંગે જે પણ અપડેટ હશે તે અમે કરીશું. બંને આગેવાનો મંગળવારથી શરુ થનારા બ્રિક્સ સંમેલનમાં હાજરી આપવાના છે. આમ બાવન મહિના એટલે કે સવા ચાર વર્ષ પછી બંને દેશ વચ્ચે સરહદ પરની તનાવગ્રસ્ત પરિસ્થિતિનો અંત આવ્યો છે. લશ્કરી સંઘર્ષ અને તનાવના લીધે પેટ્રોલિંગ ક્યાં સુધી થાય તેને લઈને બંને પક્ષો વચ્ચે અસંમતિ અને ગાઢ મતભેદ હતા. ભારતની જમીન પર સતત પોતાનો કબ્જો વધારવામાં લાગેલા ચીનના ઇરાદાને લઈને પણ અનેક સવાલ હતા. આ સમયે ભારતે ચીનના લશ્કરી પેંતરાઓને તેની જ ભાષામાં જવાબ આપવાની સાથે ચીનને સમાધાનના ટેબલ પર લાવવામાં સફળતા મેળવી હતી. 

એલએસી પર ચીનની સાથે સૈનિકોના પરત ફરવાને લગતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવાનું અમે કહી શકીએ છીએ. આના લીધે અમે તે સ્થળો પર પેટ્રોલિંગ કરવા સક્ષમ હોઈશું જ્યાં અમે ૨૦૨૦ પહેલા પેટ્રોલિંગ કરતા હતા. મને લાગે છે કે આ એક સારો વિકાસ છે. 

વિદેશપ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ચીનની સાથે ધીરજ રાખવાની નીતિના ફળ મળ્યા છે. અમે આ મંત્રણા સપ્ટેમ્બર ૨૦૨૦થી કરી રહ્યા હતા. તે સમયે મોસ્કોમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે મુલાકાત પછી મને લાગ્યું હતું કે અમે શાંતિ અને ૨૦૨૦ પૂર્વેની સ્થિતિમાં પરત ફરી શકીશું. આ મંત્રણા અત્યંત જટિલ પ્રક્રિયા રહી છે અને મને આશા છે કે અમે શાંતિ તરફ આગળ વધી રહ્યા છીએ. 

તેમણે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચેની સ્થિતિ ઘણી પોઝિટિવ છે. બંને ૨૦૨૦ પહેલાના ગલવાનની સ્થિતિમાં નજરે પડે છે. હવે તે જોવું યોગ્ય હશે કે આ સહમતિની આગળ કેવી થાય છે. આ પહેલા તેમણે ૧૨ સપ્ટેમ્બરના રોજ જિનિવામાં એક સમિટમાં જણાવ્યું હતું કે ચીન સાથેના વિવાદમાં ૭૫ ટકા ઉકેલ મળી ગયા છે. તેની સાથે તેમણે ચીન દ્વારા સરહદે પર વધારવામાં આવતા સૈન્યીકરણને લઈને ગંભીર ચિંતા પણ વ્યક્ત કરી હતી. આના પગલે દેપસાંગ અને ડેમચોક પર ઝડપથી મિલિટરી ડિસએન્ગેજમેન્ટ શરુ થશે. તેમણે જણાવ્યું હતું કે ૨૧મી સદી એશિયાની છે.


Google NewsGoogle News