ભારતમાં કોલ્ડપ્લેના શોનું બુકિંગ શરૂ થતાં જ Book My Show ની વેબસાઇટ થઈ ક્રેશ, યુઝર્સ રોષે ભરાયા
Bookmyshow Crashed : બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેના ભારતના પરફોર્મન્સનું બુકિંગ રાત્રે 12 વાગ્યે શરૂ થયું હતું. પરંતુ, બુકિંગ શરૂ થતાની સાથે જ BookMyShow ની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પણ ક્રેશ થઈ ગઈ હતી. જેના કારણે કોલ્ડપ્લે બેન્ડના ચાહકો રોષે ભરાયા હતાં. આ કોન્સર્ટ આવતા વર્ષે 18 અને 19 જાન્યુઆરીએ નવી મુંબઈના ડી.વાય પાટીલ સ્ટેડિયમમાં યોજાવાનો છે. નવ વર્ષ બાદ કોલ્ડપ્લે ભારતમાં પરફોર્મ કરવાનું છે, આ પહેલાં 2016માં પરફોર્મ કર્યું હતું.
યુઝર્સ થયાં નારાજ
કોલ્ડપ્લે બેન્ડના ચાહકો લાંબા સમયથી આ કોન્સર્ટની રાહ જોઈ રહ્યા હતાં. જોકે, બુકિંગ શરૂ થતાંની સાથે જ વેબસાઇટ ક્રેશ થતાં લોકો ખૂબ જ ગુસ્સે થયાં હતાં. એક યુઝરે BookMyShow પર નારાજગી વ્યક્ત કરતાં લખ્યું કે, 'ડીઅર, @bookmyshow, જો તમને કોન્સર્ટ વેચવા માટે વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે, તો તેના માટે તમારે તૈયાર રહેવું જોઈએ.' અન્ય એક યુઝરે લખ્યું કે, 'મને નથી લાગતું કે, ભારતમાં કોઈને પણ કોલ્ડપ્લેની ટિકિટ મળી હશે... બુક માય શો તમે પ્રયાસ કર્યો, પરંતુ હવે આ ટિકિટ ક્યારે મળી શકશે?
કોલ્ડપ્લેના શોની કિંમત
કોલ્ડપ્લેના શોનું બુકિંગ શરૂ થાય તે પહેલાં જ BookMyShow એ જાહેરાત કરી હતી કે, દરેક વ્યક્તિ ફક્ત ચાર ટિકિટ જ બુક કરાવી શકશે. જોકે, આ પહેલાં તેની મર્યાદા આઠ હતી. નોંધનીય છે કે, હાલ વેબસાઇટ ફરી શરૂ થઈ ગઈ છે અને યુઝર્સ ફરી પોતાના મનપસંદ શોનું બુકિંગ કરાવી શકે છે.