બોમ્બે હાઇકોર્ટે EDને ફટકાર્યો 1 લાખનો દંડ, કહ્યું - 'કેન્દ્રીય એજન્સી નાગરિકોનું શોષણ બંધ કરે...'
Bombay High Court's 'Strong Message' To ED: કડક વલણ અપનાવતા બોમ્બે હાઇકોર્ટે મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે રિયલ્ટી ડેવલપર સામે મની લોન્ડરિંગની તપાસ શરુ કરવા માટે આ પગલું લીધું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીએ કાયદાના દાયરામાં રહીને કામ કરવું જોઈએ.
નાગરિકોનું શોષણ બંધ કરો - કોર્ટ
દંડ ફટકારતી વખતે, જસ્ટિસ મિલિંદ જાધવની સિંગલ બેન્ચે કહ્યું કે, 'નાગરિકોનું શોષણ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓને મજબૂત સંદેશ મોકલવાની જરૂર છે. હવે સમય આવી ગયો છે કે ED જેવી કેન્દ્રીય એજન્સીઓ કાયદો પોતાના હાથમાં લેવાનું અને નાગરિકોનું શોષણ કરવાનું બંધ કરે.'
આ સાથે, કોર્ટે EDની ફરિયાદને પગલે સ્પેશિયલ કોર્ટ દ્વારા મુંબઈના રિયલ એસ્ટેટ ડેવલપર રાકેશ જૈનને જારી કરાયેલા તમામ સમન્સ અને નોટિસને રદ કરી દીધી હતી. તેમજ બેન્ચે EDને ચાર સપ્તાહની અંદર હાઇકોર્ટની લાઇબ્રેરીમાં 1 લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કેસના મૂળ ફરિયાદીને પણ કોર્ટે રૂ. એક લાખનો દંડ ફટકાર્યો હતો, જે રકમ મુંબઈની કીર્તિકર લૉ લાઇબ્રેરીને આપવા જણાવ્યું હતું. આ દંડ ફટકારવા પાછળ કોર્ટે ફરિયાદના ઈરાદા મલિન હોવાનું અવલોકન કર્યું હતું.
શું છે સમગ્ર મામલો?
પ્રોપર્ટી ખરીદનાર રાકેશ જૈન નામના રિયલ એસ્ટેટ ડેવલપર વિરુદ્ધ નિયમોના ઉલ્લંઘન અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેના આધારે ઈડીએ રાકેશ જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ શરુ કરી હતી. આ મામલો ઑગસ્ટ 2014નો છે. વિશેષ અદાલતે ઑગસ્ટ 2014માં ED દ્વારા દાખલ કરાયેલી કાર્યવાહી પર નોટિસ જારી કરી હતી. હવે મંગળવારે (21 જાન્યુઆરી) હાઇકોર્ટે આ કેસમાં રાકેશ જૈન વિરુદ્ધ વિશેષ અદાલત દ્વારા જારી કરાયેલી નોટિસને રદ કરી દીધી છે.
વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં એક પ્રોપર્ટી ખરીદનાર દ્વારા રિયલ એસ્ટેટ ડેવલપર રાકેશ જૈન વિરુદ્ધ કરારના ભંગ અને છેતરપિંડીના આરોપમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ EDએ મની લોન્ડરિંગની તપાસ શરુ કરી હતી.