ગણેશોત્સવ અને ઈદ પર વાગતા લાઉડસ્પીકર અંગે હાઇકોર્ટની મહત્ત્વની ટિપ્પણી, જાણો શું કહ્યું

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
ગણેશોત્સવ અને ઈદ પર વાગતા લાઉડસ્પીકર અંગે હાઇકોર્ટની મહત્ત્વની ટિપ્પણી, જાણો શું કહ્યું 1 - image


Bombay High Court on Noise Pollution : બોમ્બે હાઇકોર્ટે બુધવારે કહ્યું હતું કે, જો ગણેશોત્સવ દરમિયાન એક હદથી વધારે તેજ અવાજમાં લાઉડસ્પીકર વગાડવું હાનિકારક છે, તો ઈદમાં પણ તેની અસર થાય છે. કોર્ટે કહ્યું કે, ગણેશોત્સવની જેમ ઈદ-મિલાદ-ઉન-નબીના જુલુસમાં પણ તીવ્ર અવાજથી લાઉડસ્પીકર વગાડવું ખોટું છે. મુખ્ય ન્યાયાધીશ ડી. કે. ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ અમિત બોરકરની ખંડપીઠે ઈદ-મિલાદ-ઉન-નબીના જુલુસ દરમિયાન 'ડીજે', 'લેઝર લાઇટ' વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો અનુરોધ કરતી જનહિતની અરજી (પીઆઇએલ) પર સુનાવણી કરતાં આ ટિપ્પણી કરી હતી.

લાઉડસ્પીકરના પ્રતિંબંધ પર જોર આપ્યું

જનહિતની અરજીમાં દાવો કરવામાં આવ્યો કે, ન તો કુરાન અને ન હદીસ(ધાર્મિક પુસ્તકો)માં ડીજે સિસ્ટમ અને લેઝર લાઇટનો ઉલ્લેખ નથી. ત્યારે પીઠે ગણેશોત્સવની ઠીક પહેલાં, ગત મહિને પાસ કરેલા ઑર્ડરનો હવાલો આપતા કહ્યું કે, તહેવાર દરમિયાન ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) અધિનિયમ, 2000 હેઠળ નક્કી કરેલી સીમાથી વધારે અવાજ કરનાર ધ્વનિ પ્રણાલીઓ અને લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા પર જોર આપવામાં આવ્યું છે. 

ઈદના દિવસે પણ લાઉડસ્પીકર હાનિકારકઃ હાઇકોર્ટ

અરજીકર્તાના વકીલ ઓવૈસ પેચકરે કોર્ટને પોતાના પહેલાંના આદેશમાં ઈદને પણ જોડવાની અપીલ કરી, જેના પર ખંડપીઠે કહ્યું કે, તેની જરૂરત નથી. કારણ કે, આદેશમાં 'સાર્વજનિક તહેવાર'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્ટે અરજીની પતાવટ કરતાં કહ્યું કે, 'જો આ વાત ગણેશ ચતુર્થીના દિવસે હાનિકારક છે તો ઈદના દિવસે પણ હાનિકારક છે.' 

કોર્ટે માંગ્યા વૈજ્ઞાનિક પુરાવા

આ સિવાય લેઝર લાઇટના ઉપયોગ પર સવાલ કરતી અરજી પર કોર્ટે અરજીકર્તાને કહ્યું કે, 'માણસ પર આવી લાઇટોથી થતાં હાનિકારક પ્રભાવના વૈજ્ઞાનિક પુરાવાઓ બતાવો. અરજી કરતાં પહેલાં યોગ્ય શોધ કરવી જોઈએ. તમે રિસર્ચ નથી કરી? જ્યાં સુધી વૈજ્ઞાનિકરૂપે સાબિત નહીં થાય કે તેનાથી માણસોને નુકસાન થાય છે, ત્યાં સુધી અમે આવા મુદ્દા પર નિર્ણય કેવી રીતે લઈ શકીએ? આ જ મુશ્કેલી છે, જનહિતની અરજી કરતાં પહેલા યોગ્ય રિસર્ચ કરવી જોઈએ. તમારે પ્રભાવી નિર્દેશ આપવા માટે કોર્ટની મદદ કરવી જોઈએ. અમે નિષ્ણાંત નથી. અમને લેઝરનો 'એલ' પણ નથી ખબર.'


Google NewsGoogle News