'સહમતિ છતાં સગીર પત્ની સાથે શારીરિક સંબંધ દુષ્કર્મ ગણાય', બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
Bombay High Court Decision: બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, 'જો પત્નીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય અને તેમની સહમતિથી શારીરિક સંબંધ બાંધનાર સામે દુષ્કર્મનો ગુનો નોંધી શકાય છે.' દોષિતની દલીલ એવી હતી કે પીડિતા સાથેના શારીરિક સંબંધો સહમતિથી હતા. આવી સ્થિતિમાં તેને દુષ્કર્મ ન કહી શકાય. જસ્ટિસ ગોવિંદ સનપની બેન્ચ આ કેસની સુનાવણી હાથ ધરી હતી.
બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
અહેવાલ અનુસાર, 12મી નવેમ્બરે જસ્ટિસ ગોવિંદ સનપની બેન્ચ આ કેસની સુનાવણીમાં કહ્યું, 'સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કાયદાને ધ્યાનમાં રાખીને, તે સ્વીકારી શકાય નહીં કે અરજદારના પીડિત પત્ની સાથે સહમતિથી શારીરિક સંબંધ બાંધવો એ દુષ્કર્મ સમાન નથી. 18 વર્ષથી ઓછી ઉંમરની સગીર સાથે શારીરિક સંબંધ બાંધવા એ દુષ્કર્મ છે, પછી ભલે તે પરિણીત હોય કે ન હોય.'
જાણો શું છે સમગ્ર મામલો
નવમી સપ્ટેમ્બર 2021માં વર્ધા જિલ્લાની ટ્રાયલ કોર્ટે યુવકને પોક્સો એક્ટ હેઠળ દોષિત જાહેર કર્યો હતો. તેણે આ આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. સગીર યુવતીની ફરિયાદ બાદ 25મી મે 2019ના રોજ અપીલકર્તાની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે તે સમયે યુવતી 31 અઠવાડિયાની ગર્ભવતી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે, 'બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને અરજદારે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને લગ્નનું ખોટું વચન આપીને તેણે આ કૃત્ય આચર્યું હતું.'
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, શરદ પવારે સ્વીકાર્યું - હાં, અદાણીના ઘરે અમિત શાહને મળ્યો હતો
ગર્ભવતી થયા બાદ પીડિતાએ અરજદાર તેની સાથે લગ્ન કરવા કહ્યું હતું. જોકો બાદમાં તેમણે એક ઘર ભાડે લીધું અને પડોશીઓની હાજરીમાં એક બીજાને હાર પહેરાવીને પતિ-પત્ની બન્યા હતા. જો કે, બાદમાં અરજદારે પીડિતાને ગર્ભપાત કરાવવાનું કહ્યું હતું. પરંતુ પીડિતાએ આ વાતને નકારી કાઢી છે અને તેને ખબર પડી કે અરજદારે લગ્ન કરવાનો ડોળ કરીને તેમનું શોષણ કર્યું હતું.
ટ્રાયલ કોર્ટમાં ક્રોસ એક્ઝામિનેશન દરમિયાન, પીડિતાએ સ્વીકાર્યું કે તેણે બાળ કલ્યાણ સમિતિને ફરિયાદ કરી હતી. ઉપરાંત, તસવીરોને ટાંકીને તેણીએ અધિકારીઓને કહ્યું હતું કે અરજદાર તેના પતિ છે. હવે તેના આધારે અરજદારે દાવો કર્યો હતો કે, બંને વચ્ચે શારીરિક સંબંધો સહમતિથી હતા.