ઘરની સફાઈ થઈ ગયાનો વીડિયો નણંદને બતાવવાની ફરજ પાડવી એ ક્રૂરતા છે: બોમ્બે હાઈકોર્ટ
Bombay High Court: બોમ્બે હાઈ કોર્ટે ચેમ્બુરના રહેવાસી, તેના પિતા અને ત્રણ પરિણીત બહેનો સામે કરાયેલા ભારતીય દંડ સંહિતાની કલમ 498(એ) હેઠળ ક્રૂરતા બદલ કરાયેલી ફોજદારી કાર્યવાહી અને એફઆઈઆરને રદ કરવાનો ઈનકાર કર્યો હતો.
વ્હોટસએપ વીડિયો કોલ કરીને ઘરની સફાઈ દેખાડવી પડતી
ફરિયાદી પુત્રવધૂએ પોતે ઘરની સફાઈ કરી દીધી છે તેવું વ્હોટસએપ વીડિયો કોલ દ્વારા નણંદને દેખાડવું પડતું હતું. આ પ્રકારે ફરજ પાડવી એ અજબ અને પરપીડન કરનારો દુર્વ્યવહાર છે. એમ ન્યાયધીશ ગડકરી અને ન્યાયધીશ ગોખલેની બેન્ચે 22 જુલાઈના આદેશમાં નોંધ્યું હતું. તિલકનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ અનુસાર દંપતીનાં લગ્ન ડિસેમ્બર 2021માં થયાં હતાં.
ફરિયાદીએ પોતાની સાથે થતા વર્તન અંગે જણાવ્યું
ફરિયાદીએ જણાવ્યું હતું કે, મારી પરિણીત નણંદો તેમના ભાઈના ઘરમાં દખલ કરે છે. ઘરનોકરને છૂટા કરીને મારી પાસે કામ કરાવે છે. મેં કરેલી ઘરની સફાઈ વીડિયો કોલ પર તેમને દેખાડવી પડે છે. નાસ્તામાં, બપોરે અને રાત્રે ભોજનમાં શું બનાવ્યું એ જાણવા મેસેજ કરે છે. અરજદારોએ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે અને નણંદો મારી ટીકા કરે છે અને તેમના ભાઈને ફરિયાદો કરે છે. આથી પતિ મારી સાથે ઝઘડો કરે છે અને મારા ચરિત્ર પર પણ શંકા કરે છે અને પતિ-પત્ની તરીકે રહેવાનો પણ ઈનકાર કરે છે.'
કોર્ટે ચુકાદામાં નોંધ કરી હતી કે એફઆઈઆર પરથી જણાય છે કે નવવધૂ સામે પાંચ અરજદારોએ નજીવી બાબતોને લઈને સતામણી કરી છે. તેમનો ઈરાદો તેના પીયરેથી પૈસા પડાવવાનો છે.