દિલ્હી-નોઈડાની 7 મોટી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ગૃહ મંત્રાલયે અફવા ગણાવી
Delhi Bomb Threat: દિલ્હી અને નોઈડાની ઘણી સ્કૂલોમાં ધમકીભર્યા ઇમેઇલ મોકલવામાં આવ્યા છે, જેમાં આ સ્કૂલોમાં બોમ્બ મૂકવાના સમાચારે હડકંપ મચાવી દીધો છે. જેમાં નોઈડાની ડીપીએસ સિવાય દ્વારકાની ડીપીએસ, મયુર વિહારની મધર મેરી સ્કૂલ અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ જેવી હાઈપ્રોફાઈલ સ્કૂલોનો સમાવેશ થાય છે. જો કે થોડી વાર પછી ગૃહ મંત્રાલયે આ ધમકીને અફવા ગણાવી હતી.
દેવાની ધમકી પછી અગમચેતી રૂપે સ્કૂલો બંધ
આ દરમિયાન રાજધાનીની ઘણી સ્કૂલોને ધમકીભર્યા મેલ મળ્યા છે, જેમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. દિલ્હીના દ્વારકામાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. આ ઉપરાંત પૂર્વ દિલ્હીના મયુર વિહારમાં આવેલી મધર મેરી સ્કૂલ તેમજ તેની સાથે જ સંસ્કૃતિ સ્કૂલને પણ આવો જ મેલ મળ્યો હતો. પુષ્પ વિહાર સ્થિત અમેઠીની સ્કૂલમાં બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેઈલ મળ્યો હતો. આ ધમકીઓ મળ્યા પછી તમામ સ્કૂલો અગમચેતી રૂપે બંધ કરી દેવાઈ હતી.
ધમકીના મેલ અફવાથી વિશેષ કશું નથી
દિલ્હી પોલીસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે બુધવારે સવારે દિલ્હીની ઘણી સ્કૂલોમાં બોમ્બની ધમકીભર્યા ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા. ઇમેઇલના આઈપી એડ્રેસ પરથી એવું લાગે છે કે આ ઇમેઇલ દેશની બહારથી મોકલવામાં આવ્યો છે, જેની પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે આ અફવા છે.
અગાઉ પણ ઈમેઈલ દ્વારા ધમકી અપાઈ હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે મંગળવારથી ઘણી જગ્યાએથી ઇમેઇલ આવ્યા છે. આ ઇમેઇલમાં કોઈ ડેટલાઈન નથી. એક જ ઇમેઇલ અનેક જગ્યાએ મોકલવામાં આવ્યો છે. નોંધનીય છે કે કે દિલ્હીની સ્કૂલોને આ પ્રકારના ધમકીભર્યા ઇમેઇલ વારંવાર મોકલવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં, દિલ્હીના આરકેપુરમ સ્થિત ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલને તેમજ સાકેતની એમિટી સ્કૂલને પણ આવો જ ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો. આ ઇમેઇલમાં સ્કૂલો પાસેથી પૈસાની પણ માંગણી કરવામાં આવી હતી.