આજે પણ ભારતીય વિમાનોમાં બોમ્બની ધમકી: ક્યાંક મુસાફરોને ઉતારવા પડ્યા તો ક્યાંક ડાયવર્ટ થઈ ફ્લાઇટ
Image Source: Twitter
Bomb Threats: દેશભરની એરલાઈન્સ કંપનીઓના વિમાનોમાં બોમ્બની ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત ભારતીય વિમાનોને બોમ્બની ધમકી મળી છે. સોમવારે રાત્રે ઈન્ડિગો, વિસ્તારા અને એર ઈન્ડિયાની 30 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત 30 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ક્યાંક મુસાફરોને ઉતારવા પડ્યા તો ક્યાંક ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી. આ મામલા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, જેને બોમ્બની ધમકી મળી છે તેમાં ઈન્ડિગો, વિસ્તારા અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ સામેલ છે. છેલ્લા 8 દિવસમાં અત્યાર સુધીમાં 120થી વધુ વિમાનોને બોમ્બ હુમલાની ધમકી મળી ચૂકી છે.
વિસ્તારાના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે પુષ્ટિ કરીએ છીએ કે, 21 ઓક્ટોબર 2024ના રોજ ઓપરેટ થનારી વિસ્તારાની કેટલીક ફ્લાઈટ્સને સોશિયલ મીડિયા પર સુરક્ષા સબંધિત ધમકીઓ મળી છે. અમે તરત જ સંબંધિત અધિકારીઓને એલર્ટ કરી દીધા છે અને તેમના દ્વારા સૂચવવામાં આવેલી તમામ સલામતી પ્રક્રિયાઓનું પાલન કરી રહ્યા છીએ. વિસ્તારામાં અમારા પેસેન્જર્સ, ક્રૂ અને એરક્રાફ્ટની સલામતી સર્વોચ્ચ મહત્વની છે.
આ પણ વાંચો: અઠવાડિયામાં 70 વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જેમાંથી 46 તો એક જ એકાઉન્ટથી અપાઈ
ઈન્ડિગોની આ 10 ફ્લાઈટ્સને મળી ધમકી
6E-63 દિલ્હી-જેદ્દાહ
6E-12 ઈસ્તાંબુલ-દિલ્હી
6E-83 દિલ્હી દમદમ
6E-65 કોઝિકોડ જેદ્દાહ
6E-67 હૈદરાબાદ જેદ્દાહ
6E-77 બેંગલુરુ જેદ્દાહ
6E-18 ઈસ્તાંબુલ મુંબઈ
6E-164 મેંગલોર મુંબઈ
6E-118 લખનઉ પૂણે
6E-75 અમદાવાદ જેદ્દાહ
એર ઈન્ડિયાને પણ મળી ધમકી
બીજી તરફ એર ઈન્ડિયાના પ્રવક્તાએ પણ પુષ્ટિ કરી છે કે સોમવારે ઉડાન ભરનારી એર ઈન્ડિયાની કેટલીક ફ્લાઈટને ધમકીઓ મળી હતી. નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરતા સબંધિત અધિકારીઓને તાત્કાલિક એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નિયમનકારી અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓના માર્ગદર્શન મુજબ તમામ સુરક્ષા પ્રક્રિયાઓનું સખતપણે પાલન કરવામાં આવ્યું છે.