ઉત્તરપ્રદેશ : વારાણસીમાં હોડીમાં મુસાફરોને બેસાડવા મુદ્દે બબાલ, બે જૂથોનો સામસામે પત્થરમારો
Boatmen Fight in Varanasi : ઉત્તરપ્રદેશના વારાણસીમાં નાવડી ચાલકો વચ્ચે આજે બોલાચાલી થયા બાદ પત્થરમારો થવાની ઘટના સામે આવી છે. ગંગા કિનારે મુસાફરોને હોડીમાં બેસાડવા મુદ્દે બે જૂથો વચ્ચે ભારે પત્થરમારો થયા બાદ સ્થિતિ તંગ બની છે. હાલ તહેવારો ચાલી રહ્યા હોવાથી અનેક મુસાફરો ગંગા ઘાટ પર આવતા રહે છે, ત્યારે આ ઘટના બન્યા બાદ ગંગા કિનારે ભારે નાસભાગ મચી છે.
હોડીમાં અન્ય મુસાફરોને બેસાડવા મુદ્દે બબાલ
મળતા અહેવાલો મુજબહ આજે વારાણસીના ગંગા કિનારે અન્ય મુસાફરોને હોડીમાં બેસાડવા મુદ્દે કેટલાક નાવડી ચાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બોલાચાલી ઉગ્ર બન્યા બાદ બે જૂથો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર હુમલો અને પત્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું, જેમાં એક 16 વર્ષની યુવતી ઈજાગ્રસ્ત થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે.
ઘટનાસ્થળે પોલીસનો કાફલો ખડકાયો
ઘટનાની જાણ થયા બાદ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા સ્થિત પર કાબુ મેળવી લેવાયો અને સ્થળ પર બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઈજાગ્રસ્ત જ્યોતિ સાહનીએ આદમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : બિહારમાં મોટી દુર્ઘટના, ગંગા નદીમાં બોટ પલટી ખાઈ જતાં સાતથી વધુ બાળકો ડૂબી જવાની આશંકા
અન્ય વિસ્તારના નાવડી ચાલકોએ મુસાફરોને બેસાડવા મામલો બિચક્યો
વાસ્તવમાં ગંગા નદીના કિનારે તેલિયાના ઘાટ પાસેની નદીમાં નાવડી ચલાવતા નાવિકો મુસાફરોને બેસાડતા હોય છે. જોકે અહીં અન્ય સ્થળેથી કેટલાક લોકો નાવડીઓ લઈને આવ્યા હતા અને મુસાફરોને બેસાડતા હતા. જે મામલે તેલિયાઘાટના નાવડી ચાલકોએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ બોલાચાલી થયા બાદ બંને પક્ષોએ સામસામે પત્થરમારો કરવાનો શરૂ કરી દીધો હતો. વાયરલ વીડિયોના આધારે પોલીસ આરોપીઓની શોધ કરી રહી છે અને તેમની ધરપકડ કર્યા બાદ તેમની સામે જલ્દી જ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.