મહાકુંભમાં 30 કરોડ કમાયો કહીને ફસાયો, નાવિકને ઈન્કમ ટેક્સે 12.8 કરોડની ફટકારી નોટિસ
Boatman Faces Income Tax Notice For 30 Crores Income: પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં એક નાવિક પરિવાર બોટ ચલાવી 45 દિવસમાં 30 કરોડની કમાણી કરતાં ચર્ચામાં આવી ગયો છે. આ ચર્ચિત નાવિક પિન્ટુ મહરાના પરિવારને હવે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નોટિસ મોકલી છે. ઈન્કમ ટેક્સ વિભાગે પિન્ટુને રૂ. 12.8 કરોડની ટેક્સ નોટિસ પાઠવી છે. આ નોટિસથી સોશિયલ મીડિયા પર વિવાદ છંછેડાયો છે. કેટલાક લોકોએ ટેક્સ જવાબદારીને નિભાવવાની સલાહ આપી છે, તો કેટલાક યુઝર્સે કમાણીનો મોટો હિસ્સો સરકારને આપી દેવા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ નાવિકનું ઉદાહરણ આપતાં મહાકુંભને સફળ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એક નાવિક પરિવારે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા મહાકુંભમાં 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. નાવિકે પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. જેને ધ્યાનમાં લેતાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નાવિક પિન્ટુ મહરાને રૂ. 12.8 કરોડની ટેક્સ નોટિસ પાઠવી છે. આ મામલો વન ટાઈમ હાઈ ઈન્કમ અને તેના પર લાગુ ટેક્સના નિયમ હેઠળ આવે છે અને એના માટે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નાવિક પરિવારને નોટિસ મોકલી હતી.
45 દિવસમાં કરોડપતિ બન્યો પરિવાર
પ્રયાગરાજના અરેલ ગામમાં રહેતા નાવિક પિન્ટુ મહરાનું નસીબ 45 દિવસમાં ચમકી ઉઠ્યું હતું. રોજિંદા રૂ. 500ની આવક કરતા પિન્ટુના પરિવારે મહાકુંભના 45 દિવસમાં રૂ. 30 કરોડ કમાયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાન સભામાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, 130 નાવિકના પરિવારે મહાકુંભમાં રૂ. 30 કરોડ કમાયા. એટલે કે રોજના રૂ. 50,000-52,000ની કમાણી. મહાકુંભમાં નાવિકોની આવક અનેકગણી વધી હતી. પિન્ટુનો પરિવાર એક નાવડી મારફત રૂ. 1000થી 2000 કમાતો હતો અને 45 દિવસમાં જ કરોડપતિ બની ગયો. પિન્ટુએ પોતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેના પરિવારે મહાકુંભ દરમિયાન 45 દિવસમાં રૂ. 30 કરોડની કમાણી કરી છે.
વિભાગે આ કલમ હેઠળ નોટિસ મોકલી
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 4 અને 68 હેઠળ પિન્ટુ મહરાને રૂ. 12.8 કરોડની ટેક્સ નોટિસ મોકલી છે. જો કે, રોજના રૂ. 500થી 1000ની કમાણી કરતા પિન્ટુ પર આટલો મોટો ટેક્સનો બોજો મુશ્કેલી સમાન બની શકે છે. કારણકે, તે ટેક્સ સ્લેબમાં આવતો ન હોવાથી તેણે કદાચ ક્યારેય આઈટીઆર ફાઈલ કર્યો નહીં હોય. તેણે હવે પ્રોફેશનલ ટેક્સ ચૂકવવો પડશે. આ ટેક્સની ચૂકવણી એક વર્ષની અંદર કરવાની રહેશે. આટલી મોટી રૂ. 30 કરોડની કમાણીમાં રૂ. 12.8 કરોડ ટેક્સ પેટે સરકારના ખાતામાં જમા કરાવવા આ નાવિક માટે પીડાદાયક રહેશે.
ઈન્ફોસિસના પૂર્વ સીએફઓએ આપ્યું હતું રિએક્શન
ઈન્ફોસિસના પૂર્વ સીએફઓએ નાવિકની 30 કરોડ રૂપિયાની કમાણીના સમાચાર પર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, આ નાવિકનો પરિવાર અન્ય પ્રોફેશનલની જેમ જ ઈન્કમ ટેક્સ ચૂકવશે. મને અપેક્ષા છે કે, તે ઈન્કમ ટેક્સ ઓફ ઈન્ડિયાને કમાણીના બદલામાં ટેક્સ ચૂકવશે. કારણકે, આ વાત સ્વંય મુખ્યમંત્રીએ જાહેર કરી છે.