મુંબઈમાં મોટી દુર્ઘટના: નેવીની બોટની ટક્કર થતા પેસેન્જર બોટ પલટી, 13ના મોત, 101 લોકોને બચાવાયા
Gate Way Of India Boat Accident: મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટને અકસ્માત નડ્યો હતો. જેમાં ત્રણ નૌસૈનિકો સહિત 13 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યાં છે. બોટમાં 100થી વધુ મુસાફરો સવાર હતા. મળતી માહિતી મુજબ, નેવીની સ્પીડ બોટ એક પેસેન્જર બોટ સાથે અથડાઈ હતી. જેના કારણે પેસેન્જર બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું અને તે ડૂબી ગઈ. જેના કારણે સમગ્ર દુર્ઘટના બની હતી.
ઘટનામાં 13 લોકોના મોત: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ બોટ અકસ્માત અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'નેવીની એક બોટ 'નીલકમલ' નામના પેસેન્જર જહાજ સાથે બપોરે 3.55 વાગ્યે અથડાઈ હતી. જે ઘટનામાં 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 13 લોકોના મોત થયા છે.'
કેવી રીતે બની દુર્ઘટના?
ભારતીય નેવીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુંબઈના દરિયાકાંઠે ફેરી દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોતની આશંકા છે. આ ઘટના ત્યારે બની જ્યારે દરિયામાં ટ્રાયલ ચાલી રહેલ નેવીનું સ્પીડ-ક્રાફ્ટ નિયંત્રણ બહાર ગયું અને ફેરી સાથે અથડાયું. નેવીની બોટનું એન્જિન તાજેતરમાં બદલવામાં આવ્યું હતું અને નવા એન્જિનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. એન્જીન ફુલ થ્રોટલમાં ફસાઈ ગયું અને બોટ કાબૂ બહાર જઈને નીલકમલ ફેરી સાથે અથડાઈ. નેવીની બોટમાં 6 વ્યક્તિઓ સવાર હતા જેમાં 2 નેવીના કર્મચારીઓ અને એન્જિન સપ્લાય કરતી પેઢીના 4 સભ્યો હતા. ફેરીમાં પાંચ ક્રૂ સભ્યો સાથે 80 પુખ્ત મુસાફરો હતા. ફેરી પર હાજર બાળકોની સંખ્યા જાણવામાં આવી રહી છે કારણ કે તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. સર્ચ ઓપરેશન ચાલુ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે
કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસની બચાવ કામગીરી
કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસના સંકલનથી નૌકાદળ તરફથી બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. નૌકાદળની 11 બોટ, મરીન પોલીસની 3 બોટ અને કોસ્ટ ગાર્ડની 1 બોટ તેમજ 4 હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં જોડાતાં 77 લોકોને બચાવી લેવાયા હતા. હજુ પણ બચાવ અને શોધખોળની કામગીરી ચાલી રહી છે.
અકસ્માત બાદ શરુ થઈ બચાવ કામગીરી
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બોટ મુંબઈ નજીક 'એલિફન્ટા' ટાપુ તરફ જઈ રહી હતી, પરંતુ તે ઉરણ નજીક પલટી ગઈ. બોટ દુર્ઘટના બાદ નૌકાદળ, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ, યલોગેટ પોલીસ સ્ટેશન અને સ્થાનિક ફિશિંગ બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જે બોટ સાથે અકસ્માત સર્જાયો તેનું નામ નીલકમલ હતું.
દેવેન્દ્ર ફડણવીસે આપી માહિતી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર આ ઘટના વિશે માહિતી આપતા લખ્યું કે, 'સૂચના મળી કે, એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. તાત્કાલિક ધોરણે સહાય માટે નૌકાદળ, કોસ્ટ ગાર્ડ, પોર્ટ અને પોલીસની ટીમની બોટ મદદ માટે મોકલવામાં આવી છે. અમે જિલ્લા અને પોલીસ તંત્રના સતત સંપર્કમાં છીએ, સદનસીબે મોટાભાગના નાગરિકોનો આબાદ બચાવ થયો છે. જો કે બચાવ કાર્ય હજુ ચાલુ છે. જિલ્લા વહીવટીતંત્રને બચાવ કામગીરી માટે જરૂરી હોય તે તમામ સિસ્ટમને તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.'