VIDEO: ગોવામાં મુસાફરો ભરેલી બોટ પલટી, એકનું મોત, 20ને બચાવાયા
Boat Full Of Passengers Capsizes In Goa : ઉત્તર ગોવાના કેલાંગુટ બીચ પાસે અરબ સાગરમાં મુસાફરોથી ભરેલી બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક 54 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે 20 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બોટ દુર્ઘટના બાદ મુસાફરોને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બોટમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોમાંથી બે વ્યક્તિએ લાઈફ જેકેટ પહેર્યું ન હતું. બોટમાં છ વર્ષનું બાળક અને મહિલાઓ પણ હતી.
દરિયાઈ કિનારાથી 60 મીટરે પલટી બોટ
રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત જીવન રક્ષક એજન્સી દ્રષ્ટિ મરીનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'દરિયાઈ કિનારાથી આશરે 60 મીટર દૂર બોટ પલટી ગઈ હતી. બોટમાં મહારાષ્ટ્રના ખેડના 13 લોકોનું એક પરિવાર મુસાફરી કરી રહ્યું હતું. બોટને પલટતી જોતાની સાથે દ્રષ્ટિ મરીનનો એક કર્મચારી મદદ માટે પહોંચીને બેક-અપ માટે અન્ય ટીમ બોલાવી હતી. આ રેસ્ક્યુ ઓપરેશનમાં કુલ 18 લાઈફસેવર મુસાફરોની મદદ માટે આવીને લોકોને સુરક્ષિત કિનારે લઈ ગયા હતા.'
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર આપી હતી. જ્યારે ગંભીર લોકોને એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બોટમાં આશરે સાત વર્ષના બે બાળકો અને બે મહિલાઓ હતી.
ગેટવે ઓફ ઈન્ડિયા પાસે પણ સર્જાય હતી બોટ દુર્ઘટના
જ્યારે એક અઠવાડિયા પહેલા મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે એન્જિન ટેસ્ટિંગ દરમિયાન નૌકાદળની એક ઝડપી બોટે એક પેસેન્જર બોટ 'નીલ કમલ'ને ટક્કર મારી હતી, જેમાં 15 લોકોના મોત થયા હતા. 100 થી વધુ મુસાફરોને લઈને આ બોટ ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા આઈલેન્ડ તરફ જઈ રહી હતી.