શ્રીનગરમાં મોટી દુર્ઘટના: ઝેલમ નદીમાં બોટ પલટી જતાં ચારના મોત, સ્કૂલના બાળકો સહિત સાતનું રેસ્ક્યુ
Image Source: Twitter
Boat Capsized in Jhelum River: કાશ્મીરના શ્રીનગરમાં આજે મોટી દુર્ઘટના ઘટી હતી. શ્રીનગરની ઝેલમ નદીમાં બોટ પલટી ગઈ હતી. આ બોટમાં 11 લોકો સવાર હતા અને તેમાં 5 સ્કૂલના બાળકો પણ સામેલ હતા. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થઈ ગયા છે અને સાત લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
આ બોટ દરરોજ લોકોને લઈને ગાંદરબલથી બટવારા જાય છે. છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદને કારણે ઝેલમના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે આ બોટ પલટી ગઈ હતી અને આ દુર્ઘટના ઘટી હતી.
આ દુર્ઘટના બાદ સ્થાનિક ખલાસીઓએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી હતી. થોડા સમય બાદ પોલીસ અને SDRFની ટીમે પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. રેસ્ક્યુ કરવામાં આવેલ સાત લોકોમાંથી ત્રણ સારવાર હેઠળ છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શોક વ્યક્ત કર્યો
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શ્રીનગરમાં બોટ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. જારી કરાયેલા સંદેશમાં તેમણે કહ્યું છે કે, દુર્ઘટનામાં થયેલા લોકોના મોતથી હું ખૂબ જ દુઃખી છું. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમને આ અપાર ક્ષતિને સહન કરવાની શક્તિ આપે. એસડીઆરએફ, સેના અને અન્ય એજન્સીઓની ટીમ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. વહીવટીતંત્ર શોકગ્રસ્ત પરિવારોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ ઘાયલ થયા છે તેમને તબીબી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. મરીન કમાન્ડો (MARCOS) ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. હું સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું અને ટીમનું માર્ગદર્શન કરી રહ્યો છું.