મુંબઈના ધારાવીમાં તંગદિલી, મસ્જિદ સામે તંત્રની કાર્યવાહી પર લોકો ભડક્યાં, તોડફોડ મચાવી
Mumbai Dharavi Mosque Demolition News: મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે તંગદિલી ફેલાઈ હતી. બીએમસીની એક ટીમ આ ગેરકાયદે હિસ્સો તોડવા પહોંચી હતી પરંતુ લોકોની ભીડે હોબાળો મચાવ્યો અને રસ્તા પર ઊતરી આંદોલન કરવા લાગ્યા હતા. કાર્યવાહી કરવા આવેલી નગરપાલિકાની ગાડીઓમાં લોકોની ભીડે તોડફોડ મચાવી હોવાના અહેવાલ છે. ઘટનાસ્થળે હાલ તો ભારે પોલીસ ટુકડી ખડકી દેવામાં આવી છે.
જાણો શું બની ઘટના?
ખરેખર મુંબઈના ધારાવીના 90 ફૂટ રોડ પર 25 વર્ષ જૂની સુભાનિયા મસ્જિદને બીએમસીએ ગેરકાયદે ગણાવી હતી અને તેને આજે તોડી પાડવાની હતી. બીએમસીના અધિકારીઓની કાર્યવાહી પહેલા જ મુસ્લિમ સમાજના લોકો ગઇકાલ રાતથી જ માર્ગો પર ઊતરી આવ્યા હતા અને ચક્કાજામ જેવી સ્થિતિ સર્જી હતી. મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ વર્ષો જૂની છે.
આ પણ વાંચો: મણિપુરમાં મ્યાનમારથી 900 આતંકવાદી ઘૂસ્યાં, ગુપ્તચર અહેવાલથી સરકારનું ટેન્શન વધ્યું
મુંબઈ નોર્થ સેન્ટ્રલના સાંસદ પ્રો.વર્ષા ગાયકવાડે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે અમે મુલાકાત કરી હતી અને તેમને ધારાવીની આ મસ્જિદને બીએમસી દ્વારા મળેલી ડિમોલિશનની નોટિસની જાણકારી આપી હતી. મુખ્યમંત્રીએ અમને સકારાત્મક જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું છે કે લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખી તે અધિકારીઓ સાથે વાતચીત કરશે અને મસ્જિદને તોડી પાડવાની કાર્યવાહી પણ રોક લગાવાશે.