Get The App

રાહુલ ગાંધી જૂઠ્ઠું બોલે છે, PM મોદીની જાતિ CM બન્યાના બે વર્ષ પહેલાં OBCમાં નોંધાયેલી હતીઃ ભાજપ

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધી જૂઠ્ઠું બોલે છે, PM મોદીની જાતિ CM બન્યાના બે વર્ષ પહેલાં OBCમાં નોંધાયેલી હતીઃ ભાજપ 1 - image


નવી દિલ્હી,તા. 8 ફેબ્રુઆરી 2024,ગુરુવાર  

ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી જન્મ્યા ન હતા. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તેમણે તેમની જાતિ ઓબીસી તરીકે જાહેર કરી હતી.  હવે તેમના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપે કહ્યું કે, ‘રાહુલ ગાંધી જૂઠ્ઠું બોલી રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તેના બે વર્ષ પહેલા 27 ઓક્ટોબર, 1999ના રોજ તેમની જાતિને ઓબીસી તરીકે જાહેર કરાઈ હતી.’ 

ઓબીસીને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદી સંસદમાં કહે છે કે, ઓબીસી વર્ગને શા માટે ભાગીદારીની જરૂર છે? તેઓ કહે છે, હું ઓબીસી છું. મોદીજીનો જન્મ ગુજરાતમાં તેલી જાતિના પરિવારમાં થયો હતો. તેમની જાતિને ભાજપે વર્ષ 2000માં ઓબીસી જાહેર કરી. મોદી સામાન્ય વર્ગ કે જાતિમાં જન્મ્યા હતા. તે કોઇ ઓબીસીને ગળે મળતા નથી. આ સિવાય તે કોઇ ખેડૂતના હાથ પણ નથી પકડતાં.’ 

રાહુલ ગાંધી આટલેથી ના અટક્યા. તેમણે કહ્યું કે, ‘પીએમ મોદી જાતિ આધારિત ગણતરી કરવાના નથી. જાતિની વસ્તી ગણતરી માત્ર કોંગ્રેસ કરશે. તેઓ ક્યારેય પછાત લોકોના અધિકારો અને હિસ્સા સાથે ન્યાય નહીં કરી શકે. જ્યારે મોદીજી કહે છે કે દેશમાં માત્ર બે જ જાતિ છે. દેશ. ગરીબ અને અમીર તો પછી તે ઓબીસી કેવી રીતે થઇ ગયા?’ 

વડાપ્રધાનના પગાર અંગે નિવેદન

આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ‘પીએમ મોદીનો પગાર રૂ. એક લાખ, 60 હજાર છે. તેઓ દિવસ દરમિયાન બદલી બદલીને લાખોના સૂટ પહેરે છે. તેઓ રૂ. બે-ત્રણ લાખના સૂટ પહેરે છે. ત્યાર પછી સાંજે દુપટ્ટો અને શાલ પહેરે છે. રૂ. એક લાખ, 60 હજારનો પગાર ધરાવતા પીએમ મોદી મહિનામાં રૂ. બે-ત્રણ કરોડ સૂટ કેવી રીતે પહેરે છે?’ 

આ પહેલા, સાતમી ફેબ્રુઆરીએ રાજ્યસભામાં બોલતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. 

આ પણ વાંચો: PM મોદી ઓબીસી નહીં જનરલ કેટેગરીમાં જન્મ્યા છે, ભાજપ જૂઠ્ઠું બોલે છે : રાહુલ ગાંધીનો આરોપ



Google NewsGoogle News