‘સુધરી જાવ, નહીં તો...’ રાકેશ ટિકેતે સરકારને પડકાર ફેંક્યો, શંભુ બોર્ડરને પાકિસ્તાનની બોર્ડર ગણાવી

SKMએ તમામ જિલ્લા મથકો પર પ્રદર્શન સાથે આવેદન આપવાની જાહેરાત કર્યા બાદ રાકેશ ટિકૈત મેરઠ પહોંચ્યા

મેરઠ કલેક્ટર કચેરી પાસે ખેડૂતોનો હોબાળો, બેરિકેડ તોડી અંદર ઘૂસ્યા, આવતીકાલે 40 સંગઠનોની બેઠક યોજાશે

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
‘સુધરી જાવ, નહીં તો...’ રાકેશ ટિકેતે સરકારને પડકાર ફેંક્યો, શંભુ બોર્ડરને પાકિસ્તાનની બોર્ડર ગણાવી 1 - image


Farmers Protest : છેલ્લા નવ દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનના પગલે શંભુ બોર્ડર પર વણસેલી સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત (Rakesh Tikait) આજે મેરઠ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરતા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ‘સરકાર સુધરી જાય, નહીં તો જો અમે મેરઠ પહોંચી શકીએ છીએ, તો દિલ્હી પણ જઈ શકીએ છીએ.’ આ ઉપરાંત તેમણે શંભુ બોર્ડર (Shambhu Border)ને પાકિસ્તાન (Pakistan)ની બોર્ડર ગણાવી કહ્યું કે, ‘શંભુ બોર્ડર પર ખિલ્લા ધરબી અહીંની સ્થિતિ પણ ત્યાં જેવી કરી નાખી છે. ખેડૂતો ઘણી મુશ્કેલીમાં છે અને તેનું પણ નુકસાન ભોગવી રહ્યા છે.’

આવતીકાલે 40 સંગઠનોની બેઠક યોજાશે

તેમણે એમ પણ કહ્યું કે, ‘આંદોલન ચાલુ રહેશે. વાતચીતથી જ સમસ્યાનો નિકાલ લાવી શકાશે. આવતીકાલે સંયુક્ત કિસાન મોર્ચા (SKM)ની બેઠક યોજાશે અને આગામી સમયમાં શું કરવું તે અંગે ચર્ચા કરશે. 14 માર્ચે દિલ્હી જવાનો ઈશારો છે, પરંતુ અમે તે દિવસે ટ્રેક્ટરથી નહીં જઈએ. અમે 26 અને 27 ફેબ્રુઆરીએ હાઈવે પર ટ્રેક્ટરો ઉભા રાખી ચક્કાજામ કરવાનો પ્રસ્તાવ એસકેએમને મોકલ્યો હતો. આવતીકાલે 40 સંગઠનોની બેઠક યોજાશે અને તેમાં નિર્ણય લેવાશે કે, આગલ શું કરવું? પરંતુ આંદોલન મોટું થશે.’

મેરઠ કલેક્ટર કચેરીમાં હોબાળો, ખેડૂતો બેરિકેડ તોડી અંદર ઘૂસ્યા

ઉલ્લેખનિય છે કે, એસકેએમએ દેશના તમામ જિલ્લા મથકો પર આજે પ્રદર્શન કરી આવેદન આપવાની જાહેરાત કરી હતી. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારતીય કિસાન યુનિયનનો દબદબો હોવાથી ત્યાંની જવાબદારી ભારતીય કિસાન યુનિયનને સોંપાઈ હતી, જ્યારે રાકેશ ટિકૈત આજે મુઝફ્ફરનગરના બદલે મેરઠમાં આંદોલનની આગેવાની કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કલેક્ટર કચેરી પાસે ખેડૂતો અને પોલીસ વચ્ચે ધક્કા-મુક્કી પણ થઈ અને ખેડૂતો બેરિકેડ તોડી જબરદસ્તી અંદર ઘુસી ગયા હતા. રાકેશ ટિકૈત ટ્રેક્ટરમાં જ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.


Google NewsGoogle News