Get The App

હરિયાણામાં ભાજપની 'હરિયાળી' : જમ્મુ-કાશ્મીરમાં ઓમરના 'ઓવારણાં'

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
હરિયાણામાં ભાજપની 'હરિયાળી' : જમ્મુ-કાશ્મીરમાં ઓમરના 'ઓવારણાં' 1 - image


- રાજકીય કુનેહબાજીથી હરિયાણામાં ભાજપે હારની બાજી જીતમાં ફેરવી

- હરિયાણામાં  ઓબીસી નેતા નાયબસિંહ સૈની મુખ્યમંત્રીપદ જાળવી રાખશે, પીએમ મોદીએ જીતને 'ગ્રાન્ડ વિક્ટરી' ગણાવી : હરિયાણાની જનતાએ પ્રથમ વાર સતત ત્રીજી વખત એક જ પક્ષને વિજેતા બનાવ્યો

- હું ફરી પાછો આવીશ : મુખ્યમંત્રી બનવા જઇ રહેલા ઓમર અબ્દુલ્લાહની 2014ની ટ્વીટ વાયરલ 

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. મંગળવારે જાહેર થયેલા પરિણામો મુજબ હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત ચૂંટણી જીતીને સરકાર બનાવવા જઇ રહ્યો છે. જ્યારે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં ૧૦ વર્ષ બાદ ફારુક અબ્દુલ્લાહ અને ઓમર અબ્દુલ્લાહનો પક્ષ નેશનલ કોન્ફરંસ સરકાર બનાવવા જઇ રહ્યો છે. હરિયાણામાં કોંગ્રેસની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું અને કારમી હારનો સામનો કરવો પડયો હતો. હરિયાણાની ૯૦ બેઠકોમાંથી ભાજપે ૪૮ પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને ૩૭ બેઠકો મળી હતી. 

હરિયાણામાં વર્ષ ૧૯૬૭ બાદ પ્રથમ વખત એવુ બન્યું છે કે જનતાએ સતત ત્રીજી વખત એક જ પક્ષને વિજય બનાવ્યો છે. ૨૦૧૪ પછી ૨૦૧૯ અને હવે ૨૦૨૪માં ભાજપે ત્રીજી વખત સત્તા પર કબજો જાળવી રાખ્યો છે. 

હરિયાણામાં છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોના મુદ્દા સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. આ દરમિયાન બે મોટા ખેડૂત આંદોલનો પણ જોવા મળ્યા હતા. તાજેતરના ખેડૂત આંદોલન બાદ ભાજપે મુખ્યમંત્રીપદેથી મનોહરલાલ ખટ્ટરને હટાવીને ઓબીસી નેતા નાયબસિંહ સૈનીને કમાન સોંપી હતી. જેમણે ચૂંટણી પરિણામો બાદ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હરિયાણાની જીતને ગ્રાન્ડ વિક્ટ્રી ગણાવી હતી અને કહ્યું હતું કે વિકાસ અને સુશાસનના રાજકારણની જીત થઇ છે. મોદીએ બાદમાં દિલ્હીમાં પક્ષના હેડક્વાર્ટર પર ભાજપના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. ચૂંટણી પરિણામો બાદ ચિત્ર સ્પષ્ટ થતા નાયબસિંહ સૈની હરિયાણાના જ્યારે ઓમર અબ્દુલ્લાહ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બનશે.   બીજી બાજુ ૩૭૦ની કલમ હટાવવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી જેના પરિણામો હરિયાણાની સાથે જાહેર કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લાહ અને ઓમર અબ્દુલ્લાહના પક્ષ નેશનલ કોન્ફરંસે બાજી મારી છે. 

કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડનારા નેશનલ કોન્ફરંસે જમ્મુ કાશ્મીરમાં ૪૯ બેઠકો જીતી લીધી છે જ્યારે ભાજપે પણ ૨૯ બેઠકો મેળવી છે. ૯૦ બેઠકો ધરાવતી જમ્મુ કાશ્મીર વિધાનસભામાં સરકાર બનાવવા માટે ૪૬ બેઠકો જરૂરી છે. તેથી નેશનલ કોન્ફરંસ અને કોંગ્રેસ અથવા પીડીપી સાથે મળીને સરકાર બનાવશે. નેશનલ કોન્ફરંસના ઓમર અબ્દુલ્લાહ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત તેમના પિતા ફારુક અબ્દુલ્લાહે કરી હતી. 

છ વર્ષથી જમ્મુ કાશ્મીરમાં કોઇ ચૂંટાયેલી સરકાર નહોતી, સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર સુધી ચૂંટણી યોજવા આદેશ આપ્યો હતો. તેથી અંતે ચૂંટણી યોજવામાં આવી હતી. ૩૭૦ હટાવવામાં આવી તે પહેલા પીડીપી અને ભાજપની ગઠબંધનવાળી સરકાર હતી જે વર્ષ ૨૦૧૪માં ચૂંટાઇ હતી. 

તે સમયે સત્તા ગુમાવનારા ઓમર અબ્દુલ્લાહે ત્યારે કહ્યું હતું કે હું ફરી પાછો જીત મેળવીશ. ૧૦ વર્ષ બાદ તેમનું આ ટ્વીટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે કેમ કે તેઓ ફરી સત્તામાં આવી ગયા છે. ફારૂક અબ્દુલ્લાહે સોમવારે કહ્યું હતું કે જો જરૂર પડી તો મેહબુબા મુફ્તીના પક્ષ પીડીપી સાથે મળીને સરકાર બનાવીશું. હાલ નેશનલ કોન્ફરંસ પાસે ૪૨ બેઠકો છે બહુમતના આંકડા ૪૬ સુધી પહોંચવા તેણે ચાર બેઠકોના ટેકાની જરૂર પડશે. નેશનલ કોન્ફરંસ પાસે કોંગ્રેસ અને પીડીપીનો વિકલ્પ ખુલ્લો છે.

જમ્મુ કાશ્મીરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈનાની હાર થઇ હતી, જોકે પક્ષનો વોટશેર ૨૦૧૪માં ૨૩ ટકા હતો તે હવે ૧૦ વર્ષે વધીને ૨૫.૬૪ ટકા થયો છે. 

મેહબૂબા મુફ્તીનો પક્ષ પીડીપી ૨૦૧૪ની ચૂંટણીમાં ૨૮ મેળવી સત્તા પર આવ્યો હતો તેને આ વખતની ચૂંટણીમાં જનતાએ નકારી દીધો છે અને માત્ર ત્રણ જ બેઠકો આપી છે. ખુદ મેહબૂબા મુફ્તીના પુત્રી ચૂંટણી હારી ગયા હતા. જ્યારે કોંગ્રેસને અગાઉ ૧૨ બેઠકો મળી હતી જેમાં છનો ઘટાડો થતા માત્ર છથી જ સંતોષ માનવો પડયો છે. વોટશેર પણ ૧૮ ટકાથી ઘટીને ૧૨ ટકાએ પહોંચી ગયો છે.

એક્ઝિટ પોલ મતદારોનો મિજાજ જાણવામાં નિષ્ફળ

લોકસભા ચૂંટણીની જેમ ફરી એક વખત એક્ઝિટ પોલ ખોટા પડયા

- મોટા ભાગના એક્ઝિટ પોલે હરિયાણામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિ મળવાનો દાવો કર્યો હતો

હરિયાણામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી અને જમ્મુ-કાશ્મંીરમાં ત્રિશંકુ વિધાનસભાની ભવિષ્યવાણી કરનારા મોટા ભાગના એક્ઝિટ પોલ મતદારોનો મિજાજ સમજવામાં નિષ્ફળ રહ્યાં છે. 

વાસ્તવિક પરિણામ દર્શાવી રહ્યાં છે કે હરિયાણામાં ભાજપ વિક્રમજનક ત્રીજી વખત સરકારની રચના કરવા જઇ રહી છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઢબંધન સરળતાથી સત્તામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે મોટા ભાગના એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસને ૫૦થી વધુ અને ભાજપને ૩૦ની આસપાસ બેઠકો મળવાની ભવિષ્યવાણી કરી હતી.

સી-વોટર ઇન્ડિયા ટુડે એક્ઝિટ પોલમાં કોંગ્રેસને ૫૦ થી ૫૮ અને ભાજપને ૨૦ થી ૨૮ બેઠકો મળવાનો દાવો કરવામાં આવ્યો હતો. રિપબ્લિક ભારત- મેટ્રીઝે કોંગ્રેસને ૫૫ થી ૬૨ અને ભાજપને ૧૮ થી ૨૪ બેઠકો મળવાનો દાવો કર્યો હતો.

જો કે વાસ્તવિક પરિણામમાં હરિયાણામાં ભાજપને ૪૮ બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને ૩૭ બેઠકો મળી છે. 

રિપબ્લિક-ગુલિસ્તાન પોલે નેશનલ કોન્ફરન્સને ૨૮ થી ૩૦, કોંગ્રેસને ૩ થી ૬ અને ભાજપને ૨૮ થી ૩૦ બેઠકો મળવાની શક્યતા દર્શાવી હતી. 

જો કે વાસ્તવિક પરિણામમાં જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સને ૪૨, કોંગ્રેસને ૬ અને ભાજપને ૨૯ બેઠકો મળી છે. 

આ અગાઉ લોકસભા ચૂંટણી વખતે પણ મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપને ૩૫૦થી વધુ બેઠકો મળવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. જો કે વાસ્તવમાં ભાજપને ૨૪૦ બેઠકો મળી હતી.

કાશ્મીરીઓએ અલગતાવાદીઓને જાકારો આપ્યો, અનેકની ડિપોઝિટ જપ્ત

જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરાયા છે. જેમાં અલગતાવાદીઓની કારમી હાર થઇ છે. કાશ્મીરની જનતાએ એન્જિનિયર રશીદ સહિતના અલગતાવાદીઓને જાકારો આપ્યો છે. રશીદના પક્ષ અવામી ઇત્તેહાદ પાર્ટી (એઆઇપી) અને જમાત-એ-ઇસ્લામી જેવા પક્ષોની કોઇ ખાસ અસર નહોતી જોવા મળી. આ બન્ને પક્ષોના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઇ ગઇ છે. 

જોકે લંગેટ બેઠક પરથી એન્જિનિયર રશીદના ભાઇ ખુર્શીદ અહમદ શેખની જીત થઇ હતી. જ્યારે કુલગામથી જમાત-એ-ઇસ્લામીના સમર્થક ઉમેદવાર અયાર અહમદ જીત્યા હતા. સોપોરથી અફઝલ ગુરુના ભાઇ એઝાઝ અહમદ ગુરુની હાર થઇ હતી. તેમને માત્ર ૧૨૯ મત જ મળ્યા હતા. તેમના કરતા નોટાને વધુ એટલે કે ૩૪૧ મત મળ્યા હતા. 

એન્જિનિયર રશીદના પક્ષે ૪૪ ઉમેદવાર ઉતાર્યા હતા જેમાં મોટાભાગનાએ ડિપોઝિટ ગુમાવી દીધી છે. તેમના એક ઉમેદવાર શેખ આશિકને ૯૬૩ મત મળ્યા, જેની સામે નોટાને ૧૭૧૩ મત પડયા. જમાત-એ-ઇસ્લામીના ચારમાંથી એક ઉમેદવાર હાર્યા હતા. જમ્મુ કાશ્મીરની જનતાએ અલગતાવાદના રાજકારણને નકારી દીધું હતું. 

બન્ને રાજ્યોના ચૂંટણી પરિણામો

હરિયાણા (કુલ ૯૦ બેઠક)

પક્ષ

બેઠકો

ભાજપ

૪૮

કોંગ્રેસ

૩૭

અન્ય

૦૫


* ભાજપનો વોટશેર વધીને 39.89 ટકા, કોંગ્રેસનો વધીને 39.09 ટકા

જમ્મુ કાશ્મીર (કુલ ૯૦ બેઠક)

પક્ષ

બેઠકો

એનસી

૪૨

ભાજપ

૨૯

કોંગ્રેસ

૦૬

અન્ય

૧૩


Google NewsGoogle News