રાજ્યસભામાં ભાજપની તાકાત ઘટી એનડીએને બહુમતીમાં ચાર મતની ઘટ
- ઇન્ડિયા બ્લોકના સભ્યોની કુલ સંખ્યા 87, કોંગ્રેસ 26
- ચાર સભ્યોનો કાર્યકાળ પૂરો થતાં ભાજપની સંખ્યા પહેલી વખત 90 પરથી ઘટીને 86 પર પહોંચી
નવી દિલ્હી : ભાજપનું રાજ્યસભામાં સંખ્યાબળ ઘટીને પહેલી વખત ૯૦થી નીચે ઉતરી ૮૬ થઈ ગયુ છે. જ્યારે એનડીએનું સંખ્યાબળ બહુમત ૧૦૫થી ચાર આંકડા નીચે ઉતરી ગયું છે. આમ તેણે રાજ્યસભામાં બિલો પાસ કરાવવા ટેકણલાકડી લેવી પડશે. ભાજપના ચાર નીમાયેલા સભ્યો રાકેશ સિંહા, રામ શાકાલ, સોનલ માનસિંહ અને મહેશ જેઠમલાણીએ તેમની ટર્મ પૂરી કરતાં તે નિવૃત્ત થતાં આ સ્થિતિ સર્જાઈ છે.
તેના લીધે ભાજપનું સંખ્યાબળ ઘટીને ૮૬ થઈ ગયું છે અને એનડીઅનું સંખ્યાબળ ઘટીને ૧૦૧ થઈ ગયું છે. રાજ્યસભાના ૨૪૫ સભ્યોના ગૃહમાં બહુમતી માટે ૧૧૩ સભ્યો હોવા જરુરી છે.જો કે એનડીએ પાસે સાત બાકીના નીમાયેલા સાંસદો અને એક સ્વતંત્ર સાંસદનું સમર્થન છે. હાલમાં રાજ્યસભાના સાંસદોની સંખ્યા ૨૨૫ છે.
કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા બ્લોકનું સંખ્યાબળ ૮૭નું છે. તેમા કોંગ્રેસની ૨૬ છે. તૃણમૂલ કોંગ્રેસની ૧૩, આમ આદમી પાર્ટી અને ડીએમકેની દસ-દસ છે. ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાયેલા ન હોય તેવા પક્ષ એક્સ તેલંગણા સીએમ કે ચંદ્રશેખર રાવનો બીઆરએસ છે અને અપક્ષો છે.
આનો સીધો અર્થ એમ થાય કે સરકાર રાજ્યસભામાં એનડીએ સિવાયના પક્ષો પર આધારિત હશે. તેમા તમિલનાડુમાં ભૂતપૂર્વ સહયોગી એઆઇએડીએમકે અને આંધ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે.આ ઉપરાંત અન્ય નીમેલા સાંસદોનો સમાવેશ થાય છે. ભાજપ અહીં ચાર નોમિનેટેડ સીટો ભરી શકે છે. જ્યારે ૧૧ ખાલી બેઠકો આ વર્ષે ચૂંટણીથી ભરાશે. ભાજપને તેમાથી કમસેકમ આઠ બેઠકો જીતવાનો વિશ્વાસ છે.
હાલમાં ભાજપને ૧૫ વોટ માટે એનડીએ પાર્ટીની જરુર પડે છે અને એનડીએને બિલ પાસ કરાવવા બીજા ૧૨ મતની જરુર પડે છે. આ બારમાંથી સાત મત તો બાકીના નીમાયેલા સાંસદોમાંથી મળે છે. જ્યારે આઠ અપક્ષ સભ્યોમાંથી મળી શકે છે. આમ શાસક પક્ષ ૧૧૩ની બહુમતીના મેજિક ફિગરથી ચાર આંગળા છેટે રહે છે.
આ માટે ૧૧ બેઠક કે મત ધરાવતા વાયએસઆરસીપી ભાજપ માટે બે સ્વાભાવિક વિકલ્પોમાં એક છે. રેડ્ડી ભૂતકાળમાં ભાજપને મુદ્દા આધારિત સમર્થન આપતા રહ્યા હોવાથી મોદીના પક્ષ માટે આ વોટ નિશ્ચિત મનાય છે. ઓડિશાના ભૂતપૂર્વ સીએમ બીજુ પટનાયક અગાઉ ભાજપના સમર્થનમાં હતા, પરંતુ હવે વિરોધમાં છે. તેમના નવ સભ્યો છે. હાલમાં રાજ્યસભામાં ૨૦ બઠક ખાલી છે. તેમા ૧૧ પર આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાશે.