ભાજપની 72 ઉમેદવારોની બીજી યાદી ગડકરી, ખટ્ટર અને ગોયલનો સમાવેશ
- દિલ્હીમાં હંસરાજ હંસ, ગૌતમ ગંભીરની બાદબાકી
- મૈસુરથી રાજપરિવારના યદુવિર, બીડથી પંકડા મુંડે, બેંગ્લુરુ દક્ષિણથી સુર્યા અને ગ્રામીણ બેઠક પર ગૌડાના જમાઇને ટિકિટ
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં કુલ ૭૨ નામ જાહેર કરાયા છે. જેમાં ગુજરાતની સાત બેઠકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અગાઉ યાદીમાં સામેલ નહોતા તેવા નામ પણ સામે આવ્યા છે. બીજી યાદીમાં નિતિન ગડકરી, પિયુષ ગોયલ, હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપનારા મનોહરલાલ ખટ્ટર, અનુરાગ ઠાકુર વગેરેનો સમાવેશ કરાયો છે. બીજી યાદીમાં ખટ્ટર ઉપરાંત અન્ય બે પૂર્વ મુખ્યમંત્રી ઉત્તરાખંડના ત્રિવેંદ્રસિંહ રાવત, કર્ણાટકના બસવરાજ બોમ્મઇનો પણ સમાવેશ કરાયો છે.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કર્નાલથી, નિતિન ગડકરી નાગપુરથી, ચૌધરી ધર્મેન્દ્રસિંહ ભિવાનીથી, રાવ ઇન્દ્રજિતસિંહ યાદવ ગુડગાંવથી, અનુરાગ ઠાકુર હમીરપુરથી, પ્રહલાદ જોશી ધારવાડ, બસાવરાજ બોમઇ હાવેરીથી, તેજસ્વી સુર્યા બેંગ્લુરુ દક્ષિણથી, પંકજા મુંડે બીડથી, પિયુષ ગોયલ ઉત્તર મુંબઇ બેઠક પરથી ચૂંટણી લડશે. પ્રથમ યાદીમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીનો સમાવેશ કરાયો હતો જોકે નિતિન ગડકરીના નામની જાહેરાત નહોતી કરવામાં આવી. જેને કારણે અનેક અટકળો ચાલી રહી હતી. જ્યારે મનોહરલાલ ખટ્ટર પાસેથી તાજેતરમાં જ હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ લઇ લેવાયું હતું. તેને લઇને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે બીજી યાદીમાં આ બન્ને નેતાઓનો સમાવેશ કરી લેવાયો છે.
દિલ્હીની પૂર્વ બેઠક પર ક્રિકેટર ગૌતમ ગંભીર સાંસદ છે, જોકે તેણે રાજકારણમાંથી નિવૃત થવાની જાહેરાત કરી હતી, તેથી આ બેઠક પરથી ભાજપે હર્ષ મલ્હોત્રાને ટિકિટ આપી છે. બીડ બેઠક પર પ્રિતમ મુંડે પ્રતિનિધિત્વ કરતા હતા, હવે તેમના સ્થાને પંકડા મુંડેને ટિકિટ આપવામાં આવી છે. સંસદમાં પ્રદર્શનકારીઓને પ્રવેશવામાં મદદ કરનારા સાંસદ પ્રતાપ સિમ્હાની ભાજપે બાદબાકી કરી નાખી છે, તેમના સ્થાને મૈસુર બેઠક પરથી રોયલ પરિવારમાંથી આવતા યદુવીર વાડિયારને ટિકિટ આપવામાં આવી છે.
૭૨ ઉમેદવારોની યાદીમાં સૌથી વધુ ૨૦ મહારાષ્ટ્રના છે. જ્યારે ગુજરાતની સાત બેઠકો માટે પણ નામો જાહેર કરાયા છે. મધ્ય પ્રદેશમાં પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટકમાં દેશના પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવે ગૌડાના જમાઇ જાણિતા સર્જન ડો. સી એન મંજુનાથને પણ ટિકિટ આપવામાં આવી છે. દિલ્હીમાં તમામ બેઠકો પર મનોજ તિવારીને છોડીને નવા ચેહરા ઉતારવામાં આવ્યા છે. ગૌતમ ગંભીરની સાથે હંસરાજ હંસની પણ ટિકિટ કપાઇ છે. અગાઉ ભાજપે ૧૯૫ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જ્યારે હવે ૭૨ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. લોકસભાની ટિકિટ મળતા પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કર્નાલના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે, તેમના સ્થાને હવે મુખ્યમંત્રી નાયબ સૈની આ બેઠકનું પ્રતિનિધિત્વ કરશે.