Get The App

'મારો અંતરાત્મા અત્યંત દુઃખી છે.....', જાણો શા માટે સંબિત પાત્રાએ મોડી રાત્રે માફી માંગવી પડી

Updated: May 21st, 2024


Google NewsGoogle News
'મારો અંતરાત્મા અત્યંત દુઃખી છે.....', જાણો શા માટે સંબિત પાત્રાએ મોડી રાત્રે માફી માંગવી પડી 1 - image


Sambit Patra Apologize: લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શક્યા નથી અને બેફામ નિવેદન આપી રહ્યાં છે. પછી પાછળથી વિવાદ ઉભો થતાં માફી માંગવી પડે છે. ત્યારે ઓડિશાની પુરી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાના નિવેદનથી પણ એક વિવાદ ઉભો થયો હતો. આ પછી તેમણે મોડી રાત્રે માફી માંગી હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.... 

ભાજપના ઉમેદવારને મોડી રાતે માફી માંગવી પડી

લોકસભા 2024ની ચૂંટણીમાં હવે ત્રણ તબક્કાનું જ મતદાન બાકી રહ્યું છે. અને ચોથી જૂને પરિણામ જાહેર થવાનું છે. લોકસભાની ચૂંટણી દરમિયાન અનેક નેતાઓની જીભ લપસી છે. ત્યારે હવે ઓડિશાની પૂરી બેઠક પરના ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાના નિવેદનથી હોબાળો મચી ગયો છે. જેના કારણે ભાજપના ઉમેદવારને મોડી રાતે માફી માંગવી પડી હતી. ભાજપના નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન જગન્નાથ વિશે કરેલી ટિપ્પણીએ વિવાદને વેગ આપ્યો છે. આની એક કથિત વિડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તે એક ચેનલ સાથે વાત કરતા સાંભળી શકાય છે, 'ભગવાન જગન્નાથ વડાપ્રધાન મોદીના ભક્ત છે.'

સંબિત પાત્રાએ માફીનો વીડિયો શેર કર્યો હતો

ભાજપ નેતા સંબિત પાત્રાએ રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ સોશિયલ મીડિયા X પર માફીનો વીડિયો શેર કર્યો અને લખ્યું હતું કે, 'મહાપ્રભુ શ્રી જગન્નાથજી વિશે મેં કરેલી ભૂલને લઈને આજે મારો અંતરાત્મા ખૂબ જ દુઃખી છે. હું મહાપ્રભુ શ્રી જગન્નાથજીના ચરણોમાં માથું નમાવી ક્ષમા ચાહું છું. હું પસ્તાવો કરવા અને મારી ભૂલ સુધારવા માટે આગામી 3 દિવસ ઉપવાસ કરીશ.

સંબિત પાત્રાએ શું કહ્યું?

જ્યારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સંબિત પાત્રાને તેમના નિવેદનને લઈને ઘેર્યા ત્યારે તેમણે કહ્યું હતું કે 'પુરીમાં વડાપ્રધાન મોદીના રોડ શોની સફળતા બાદ મેં ઘણી મીડિયા ચેનલોને નિવેદન આપ્યા હતા. આ સમય દરમિયાન, મેં દરેક જગ્યાએ કહ્યું કે પીએમ મોદી ભગવાન જગન્નાથના ભક્ત છે, પરંતુ એક જગ્યાએ મેં ભૂલથી ઉલટું નિવેદન આપી દીધું. તમે જાણો છો કે કેટલીકવાર જીભ લપસી જાય છે, તો એવામાં તેને સમસ્યા ન બનાવો.'

નવીન પટનાયકે આપી પ્રતિક્રિયા

સંબિત પાત્રાની વાયરલ વીડિયો ક્લિપ પર પ્રતિક્રિયા આપતા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું હતું કે, 'મહાપ્રભુ શ્રી જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને બીજા માનવીના ભક્ત કહેવા એ ભગવાનનું અપમાન છે. આનાથી ભાવનાઓને ઠેસ પહોંચી છે અને વિશ્વભરના કરોડો જગન્નાથ ભક્તો અને ઉડિયા લોકોની આસ્થાનું અપમાન થયું છે.'

'મારો અંતરાત્મા અત્યંત દુઃખી છે.....', જાણો શા માટે સંબિત પાત્રાએ મોડી રાત્રે માફી માંગવી પડી 2 - image


Google NewsGoogle News