Get The App

દિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ મતદાર યાદીમાં છેડછાડ : કેજરીવાલ

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ મતદાર યાદીમાં છેડછાડ : કેજરીવાલ 1 - image


- સીએમપદનો ચેહરો ના હોવાથી ભાજપના જીતવા હવાતિયા : આપ વડા

- મારા મત વિસ્તારમાં જ પાંચ હજાર મતદારોને હટાવી ૭૫૦૦ને ઉમેરવાનો ભાજપનો કારસો ઃ કેજરીવાલનો દાવો

- મતદાર યાદીમાં અંતિમ સમય સુધી ફેરફાર થતા હોય છે, સંપૂર્ણ યાદી છ જાન્યુઆરીએ જાહેર કરાશે ઃ ચૂંટણી પંચ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર ઓપરેશન લોટસનો આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે દાવો કર્યો હતો કે હું નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યો છું ત્યાં ભાજપે ૧૫ ડિસેમ્બરથી ઓપરેશન લોટસ શરૂ કર્યું છે, ભાજપે મતદાર યાદીમાં છેડછાડ કરીને પાંચ હજાર લોકોને યાદીમાંથી હટાવવા જ્યારે ૭૫૦૦ લોકોને જોડવાનો પ્રયાસ કર્યો છે.  

કેજરીવાલે સવાલ ઉઠાવ્યો હતો કે જો વિધાનસભા મત વિસ્તારમાં ૧૨ ટકા મતદારો સાથે છેડછાડ કરાઇ રહી હોય તો પછી ચૂંટણી યોજવાની જ શું જરૂર છે. આ બીજુ કઇ નહીં પરંતુ ચૂંટણીના નામે એક રમત છે. ભાજપ કોઇ પણ ભોગે ચૂંટણી જીતવા માગે છે, પરંતુ દિલ્હીની જનતા આવુ નહીં થવા દે. 

અગાઉ ભાજપે ઓપરેશન લોટસ હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચલાવ્યું હવે તે જ પદ્ધતિ દિલ્હીમાં અપનાવી રહી છે. ભાજપ અગાઉથી જ આ ચૂંટણી હારી ગઇ છે. તેની પાસે રાજ્યના મુખ્યમંત્રીના પદ માટે કોઇ જ ચેહરો નથી, ઉમેદવારો પણ નથી તેથી કોઇ પણ ભોગે મતદાર યાદીમાં છેડછાડ કરીને ચૂંટણી જીતવા માગે છે. 

પૂર્વ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે ભાજપે મારા મત વિસ્તારમાં મતદારોની બાદબાકી કરવા માટે ૧૧,૦૦૦ અરજીઓ કરી છે. 

જોકે અમે ભાજપના આ ઇરાદાને સાકાર નથી થવા દીધા, ચૂંટણી કમિશનરે ફેરફારોને નથી થવા દીધા.  બીજી તરફ ભાજપ પર મતદાર યાદીમાં છેડછાડના કેજરીવાલના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે છ જાન્યુઆરી સુધીમાં વોટર લિસ્ટ જારી કરવામાં આવશે, મતદાર યાદીમાં ફેરફારો થતા રહેતા હોય છે અને હાલ પણ થઇ રહ્યા છે. વોટર લિસ્ટનો ડ્રાફ્ટ ૨૯મી ઓક્ટોબરના રોજ જારી કરવામાં આવ્યો હતો, મળેલી અરજીઓનો નિકાલ ૨૪ ડિસેમ્બર સુધીમાં કરવામાં આવ્યો, ૧ જાન્યુઆરી સુધી જે પણ અરજીઓ આવશે તેને સામેલ કરવામાં આવશે અને અંતિમ મતદાર યાદી છ જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.  


Google NewsGoogle News