અયોધ્યામાં (ફૈઝાબાદ) જ રામ મંદિરનો મુદ્દો ભાજપને ન ફળ્યો! ભાજપના લલ્લુસિંહની હાર, સપાના અવધેશ પ્રસાદની જીત

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
અયોધ્યામાં (ફૈઝાબાદ) જ રામ મંદિરનો મુદ્દો ભાજપને ન ફળ્યો! ભાજપના લલ્લુસિંહની હાર, સપાના અવધેશ પ્રસાદની જીત 1 - image


Lok Sabha Election Result 2024: દેશની મહત્ત્વની લોકસભા બેઠકો પૈકીની એક અયોધ્યા એટલે કે ફૈઝાબાદમાં ભાજપ શરૂઆતમાં પાછળ હતું. જો કે બાદમાં ભાજપના લલ્લુ સિંહ થોડા મતોથી આગળ ચાલી રહ્યા હતા. છેવટે આ બેઠક પર સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદે લલ્લુ સિંહને 50 હજારથી વધુ મતથી હરાવી દીધા. અયોધ્યામાં 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન પૂર્ણ થયું હતું. કુલ 13 ઉમેદવારો મેદાનમાં હતા, જેમના ભાવિનો આજે ફેંસલો થઈ ગયો.

અયોધ્યા લોકસભા ચૂંટણી 2019નું પરિણામ

2019ની ચૂંટણીમાં ફૈઝાબાદ લોકસભા બેઠક પર 13 ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપે ફરીથી તત્કાલીન સાંસદ લલ્લુ સિંહને ટિકિટ આપી હતી. સપા અને બસપા ગઠબંધન વતી સપાના આનંદ સેન હતા અને કોંગ્રેસ તરફથી નિર્મલ ખત્રી ચૂંટણી મેદાનમાં હતા. ફૈઝાબાદ લોકસભા બેઠક પર 61.02% મતદાન નોંધાયું હતું. 2019ની ચૂંટણીમાં બીજેપીના લલ્લુ સિંહે પોતાની જીત જાળવી રાખી અને સપાના આનંદ સેન યાદવને હરાવ્યા હતા.

અયોધ્યા લોકસભા ચૂંટણી 2014માં જનાદેશ

2014ની લોકસભા ચૂંટણીમાં લલ્લુ સિંહ ભાજપની ટિકિટ પર જીતીને સંસદમાં પહોંચવામાં સફળ રહ્યા હતા. લલ્લુ સિંહે સપાના મિત્રસેન યાદવને 2 લાખ 82 હજાર 775 મતોથી હરાવ્યા.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો મુદ્દો ભાજપને ન ફળ્યો 

જો કે આ વખતે લોકસભા ચૂંટણીના પરિણામોએ ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. આમ કહીએ તો કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર રચાય તેમ લાગી રહ્યું છે, પરંતુ આ વખતે પરિણામો નબળી બહુમતી તરફ ઈશારો કરી રહ્યા છે. ચૂંટણીમાં જ્યાં 400 બેઠક પાર કરવાનો નારો લગાવવામાં આવ્યો હતો. હાલ એનડીએ 300 બેઠક સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આ ચૂંટણીમાં ભાજપે રામ મંદિરનો મુદ્દાનો પણ લાભ લીધો હતો. રામના નામ પર હિંદુ મતદારોને જીતવા માટે પાર્ટી તરફથી સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

મોટી વાત એ હતી કે આ વર્ષે જાન્યુઆરીમાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પણ થયો હતો. આ સ્થિતિમાં ભાજપને પૂરો વિશ્વાસ હતો કે તે ઉત્તર પ્રદેશમાં આસાનીથી વિપક્ષોનો સફાયો કરશે અને તેમને સ્થાનિકોનો સંપૂર્ણ ટેકો મળશે. એટલે જે ભાજપ દ્વારા 80એ 80 બેઠકો જીતવાનો દાવો કરાયો હતો. જો કે પરિણામો તેનાથી વિપરિત જ આવ્યા હતા. સમાજવાદી પાર્ટીએ યુપીમાં મોટાપાયે કમબેક કર્યું છે અને એ વિસ્તારોમાં જીતી છે, જ્યાં પાછલી ચૂંટણીમાં ભાજપ મોટા અંતરથી જીત્યો હતો. 


Google NewsGoogle News