Get The App

ભાજપની હેટ્રિકના સાઇલન્ટ હીરો, હરિયાણામાં સંભાળી હતી કમાન, મમતાને હરાવી હતી

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
ભાજપની હેટ્રિકના સાઇલન્ટ હીરો, હરિયાણામાં સંભાળી હતી કમાન, મમતાને હરાવી હતી 1 - image


Image: Facebook

Haryana Assembly Election Results 2024: હરિયાણામાં ભાજપની ઐતિહાસિક ત્રીજી જીતના ઘણા કારણ છે. આ જીતમાં ભાજપના દિગ્ગજ નેતાઓનું યોગદાન છે. પીએમ મોદીની લોકપ્રિયતાની સાથે-સાથે ભગવા પાર્ટીના મુખ્ય વ્યૂહનીતિકાર અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નજીકના સહયોગી ધર્મેન્દ્ર પ્રધાનની રણનીતિએ ભાજપની હેટ્રિકમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. તેમણે પડદા પાછળ રહીને વિરોધીને પછાડવા માટે વિભિન્ન મોર્ચે રણનીતિ બનાવી. અગાઉ તેઓ આવી કમાલ પોતાના ગૃહ રાજ્ય ઓડિશામાં કરી ચૂક્યા છે. 

હરિયાણા ચૂંટણી પહેલા તેમને 2017માં ઉત્તરાખંડ અને 2022માં ઉત્તર પ્રદેશ ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને પશ્ચિમ બંગાળમાં 2021ની ચૂંટણીનું પણ કાર્ય સોંપવામાં આવ્યું હતું. આમ તો બંગાળમાં ઘણા નેતાઓને કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ નંદીગ્રામની જવાબદારી ધર્મેન્દ્ર પ્રધાનની પાસે હતી. આ બેઠકથી મુખ્યમંત્રી મમતા બેનર્જી ચૂંટણી હારી ગયા હતા. 

ભાજપ સૂત્રોનું કહેવું છે કે આ કારણોથી હરિયાણામાં પણ પાર્ટીએ તેમને જવાબદારી સોંપી. હરિયાણામાં ભાજપ સત્તા વિરોધી લહેરથી ઝઝૂમી રહી હતી. આ સિવાય બાગીઓએ પણ પાર્ટીની ચિંતા વધારી દીધી હતી. ત્યાં ભાજપને જાટ, ખેડૂત, અગ્નિવીર યોજનાથી નાખુશ સેનાના ઉમેદવાર, કોંગ્રેસના જોરદાર પ્રચારથી પાર્ટી કાર્યકર્તા અને ટિકિટ વિતરણથી નાખુશ ભાજપની અંદરના વિદ્રોહીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્ર પ્રધાનની યોજના સ્થળ પર હાજર રહેવાથી શરુ થઈ. એક મહિનાથી વધુ સમય સુધી તેઓ હરિયાણાથી હટ્યા નહીં. તેમણે રોહતક, કુરુક્ષેત્ર અને પંચકૂલામાં શિબિર યોજી. જમીની સ્તર પર કામ કર્યું. પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓની વાત સાંભળી અને તેમના તરફથી કેન્દ્રીય નેતૃત્વને સંપર્ક કર્યો. કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભર્યો, ભાજપના પ્રચાર અભિયાનને રહસ્યપૂર્ણ બનાવ્યું અને ઉમેદવારોની પસંદગીમાં મદદ કરી. 

ભાજપના એક નેતાના જણાવ્યા અનુસાર, 'ધર્મેન્દ્ર પ્રધાન જમીની સ્તર પર જઈને નાની-નાની બેઠકો કરતાં હતાં. કાર્યકર્તાઓ પાસેથી વાસ્તવિક સમય પર ફીડબેક લેતા હતા અને નેતૃત્વને સૂચિત કરીને ખામીઓને તાત્કાલિક દૂર કરતા હતા. તેમણે હરિયાણામાં નારાજ લોકોને શાંત કર્યા, કમજોર બૂથોની ઓળખ કરી અને અન્ય દળોના મજબૂત કાર્યકર્તાઓને અપનાવ્યા. તેમણે ઉમેદવારોની યાદી તૈયાર થયા બાદ પેદા થયેલા તણાવને પણ ઓછો કર્યો.'

ભાજપ સૂત્રોએ જણાવ્યું કે 'નામાંકન વાપસીના સમય સુધી પાર્ટીએ લગભગ 25 બાગીઓમાંથી માત્ર ત્રણનો સામનો કરવો પડ્યો. ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત બાદ એક સમય એવો આવ્યો જ્યારે લાગ્યું કે ભાજપના બાગી ઉમેદવાર ખેલ બગાડી દેશે. બે ડઝનથી વધુ બાગી નેતાઓનો ચૂંટણી લડવાનો ઇરાદો હતો પરંતુ આ ધર્મેન્દ્ર પ્રધાન અને તેમની ટીમની સફળતા હતી કે ઉમેદવારી પત્ર પાછું લેવાની તારીખ નજીક આવતાં માત્ર ત્રણ બાગી જ બચ્યા. તેમના પ્રયત્નોનું પરિણામ સારું નીકળ્યું.' ભાજપે હરિયાણામાં સતત ત્રીજી વખત જીત નોંધાવી છે અને રાજ્યની 90 વિધાનસભા બેઠકોમાંથી 48 પર જીત નોંધાવી છે. કોંગ્રેસે 37 બેઠકો જીતી છે.


Google NewsGoogle News