Get The App

400 પ્લસનું બોદું રણશિંગુ, આ કડવો ઘૂંટ ભાજપ નહીં ભૂલી શકે પણ દેશને મજબૂત વિપક્ષ મળશે

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
400 પ્લસનું બોદું રણશિંગુ, આ કડવો ઘૂંટ ભાજપ નહીં ભૂલી શકે પણ દેશને મજબૂત વિપક્ષ મળશે 1 - image


Lok Sabha Election 2024: જે રીતે ભાજપે 400 પ્લસ બેઠકો માટેનો પવન ઉભો કર્યો હતો, અને લોકોને ઉંધા રસ્તે દોર્યા હતા, તે પવનને રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે રોકી લીધો હતો. રાજકીય સમિક્ષકો, એકઝિટપોલના તારણો અને ભાજપના નેતાઓના આકલનને ખોટા પાડતા પરિણામોએ ભાજપના નેતાઓની અને તેમના સમર્થકોની ઉંઘ હરામ કરી નાખી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંધે તૈયાર કરેલા ભાજપના નેતાઓ એટલા અભિમાનમાં આવી ગયા હતા. ભાજપના પ્રમુખ જે.પી.નડ્ડાએ એકવાર કહ્યું હતું કે ‘અમે સંઘ પર નિર્ભર નથી, અમે સ્વતંત્ર છીએ.’ એવું કહેવાય છે કે, નડ્ડાના આ નિવેદને સંઘના કાર્યકરોને નારાજ કર્યા હતા. ઉત્તર પ્રદેશમાં ઓછા મતદાન પાછળ આ નારાજગી હોવાનું અનુમાન  છે.

400થી વધુ બેઠકો લાવવાનું એનડીએએ ફૂંકેલું રણશિંગુ બોદું નીકળ્યું હતું. 400થી વધુ બેઠકો લાવવાના બણગાં 290 બેઠક સુધી પહોંચતા હાંફવા લાગ્યું હતું. ભાજપ જે રીતે ભોંય પર પટકાયું છે. તે જોતાં એમ લાગે છે કે ભાજપના નેતાઓએ અહમ છોડયો હોત તો પરિણામ થોડું સારું હોત. ભાજપની મતદારો બાબતની અનેક માન્યતાઓ ભ્રામક પુરવાર થઇ હતી. આપણે કહી તે મતદારોને ગમશે તે વાત સાવ ફાલતુ પુરવાર થઈ હતી. મતદારોને શું ગમશે તે ભૂલાઈ ગયું હતું. કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે, પરંતુ પ્રજાએ પીવડાવેલો સુદર્શન ચૂરણનો કડવો ઘૂંટ ભાજપ ક્યારેય ભૂલી શકે એમ નથી. આ ઘૂંટ એટલો કડવો છે કે ભવિષ્યમાં ભાજપે આમૂલ પરિવર્તન લાવવું પડશે અને પ્રજાને સાથે રાખીને તેમના લાભાર્થે કામ કરવું પડશે.

દેશને હવે એક મજબૂત વિરોધપક્ષ મળશે

સૌથી મોટી રાહત એ થઈ છે કે, દેશને હવે એક મજબૂત વિપક્ષ મળશે, જે ભાજપનો મનમાની કરતા અટકાવશે. જે રીતે ભાજપે 400 પ્લસ બેઠકો માટેનો પવન ઊભો કર્યો હતો અને લોકોને ઉંધા રસ્તે દોર્યા હતા તે પવનને રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે રોકી લીધો. રાજકીય સમીક્ષકો, એક્ઝિટ પોલના તારણો અને ભાજપના નેતાઓના આકલનને ખોટા પાડતા પરિણામોએ ભાજપના નેતાઓની અને તેમના સમર્થકોની ઉંઘ હરામ કરી નાખી છે. 

આ રીતે ભાજપ ક્ષમતા કરતાં ઉંચા સપનાં જોવાની સજા પણ ભોગવી રહ્યું છે. ભાજપ પાસે એડવાન્સ આયોજન કરનારી આખી ટીમ હતી. આમ છતાં, તેના નેતાઓ પ્રજાની જરૂરિયાતને સમજી ન શક્યા. મોદી સરકાર દેશના અર્થતંત્રને પાંચમા ક્રમે પહોંચાડી શકયું હતું, પણ વિપક્ષ પાયાની આર્થિક સ્થિતિ લોકો સમક્ષ પહોંચાડવામાં સફળ થયું, જેમાં મોંધવારી, બેરોજગારી વગેરે મુખ્ય હતા.

વિપક્ષો સંયુક્ત બનીને લડતા હતા 

મોદી સરકારને ઉથલાવવા વિપક્ષો એક થઇને લડતા હતા. અનેક મતભેદો વચ્ચે પણ તેમનો એકજ મુદ્દો હતો કે મોદીને હરાવો. મમતા બેનરજીએ ભલે કોંગ્રેસને એક પણ બેઠક ના આપીને બંડ પોકાર્યું હોય, પરંતુ તેનાથી ગઠબંધનમાં કોઈ વિવાદ નહોતો સર્જાર્યો. બિહારમાં નીતિશકુમારે ગઠબંધન છોડીને ભાજપ સાથે હાથ મિલાવ્યા, પરંતુ ગઠબંધન નિરાશ નહોતું થયું. આ દરમિયાન દરેકે ખાસ કરીને કોંગ્રેસ પ્રચાર ઝુંબેશ ચાલુ રાખી હતી અને ઉત્તર પ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 

રાહુલ રાહુ ગાંધીએ મહિલાઓને એક લાખ રૂપિયા આપવાનું લાક્ષણિક અદામાં કહ્યું હતું કે, ‘દરેકના ખાતામાં ખટાખટ-ખટાખટ એક લાખ રૂપિયા આવી જશે.’ રાજકીય નિષ્ણાતોના મતે, ભાજપના રામ મંદિર કરતા એક લાખનો મુદ્દો બહુ મોટો સાબિત થયો. દેશને ત્રીજા નંબરની ઈકોનોમી બનાવી રહ્યા છે, તે વાત સાથે ઉત્તર પ્રદેશના લોકોને કોઈ નિસબત નહોતી. દરેકને રોટી અને રોજગારીમાં રસ હતો. આર્થિક તંત્રનાં ઉછાળામાં સૌથી વધુ રસ પૈસાદાર અને મધ્યમ વર્ગને હોય છે, પરંતુ મતદાન કરવામાં આ વર્ગ બહુ નીરસ પુરવાર થયો.

પાયામાં પૈસો પણ રહેલો છે

પાયાની જરૂરિયાત અને મફતમાં મળતી રકમમાં લોકોને રસ હતો. જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી એમ કહેતા કે, ‘મહિલાઓના ખાતામાં એક લાખ જમા થશે.’ ત્યારે ભાજપના નેતાઓ તેવી કોઈ જાહેરાતના બદલે રાહુલ ગાંધી બકવાસ કરે છે એમ કહેતા. હકીકત એ હતી કે ભાજપના નેતાઓને પાયાના લોકોમાં રહેલી રોકડની જરૂરિયાતનું ભાન નહોતું.

બંધારણ બદલવાનો પ્રચાર રોકી ના શકાયો

કોંગ્રેસ અને તેના સાથી પક્ષો જાહેરમાં કહેતા હતા કે ભાજપ બંધારણ બદલવા જઈ રહ્યું છે માટે તેમને મત ના આપતા. વડાપ્રધાન મોદીએ આ વાતનું ખંડન કર્યું હતું પરંતુ પ્રજાને ગળે તે વાત ઉતરી નહોતી. રાહુલ ગાંધી અને એખિલેશ એમ બંને સતત કહેતા હતા કે, બંધારણ બદલાશે અને લઘુમતી કોમ માટે મોદી મુસીબત ઉભી કરશે, પરંતુ આ બંનેને છોકરડાં ગણવાનું ભાજપને ભારે પડ્યું.

કોંગ્રેસ પરિવારની પાછળ પડવાની સજા

કોંગ્રેસના ગાંધી પરિવારે કરેલી ભૂલોને વારંવાર દોહરાવાની સજા ભાજપને મળી છે. કોંગ્રેસના પરિવારે દેશ માટે બલિદાન આપ્યું છે અને તેમના સંતાનો પિતા વગરના છે અને મોદી તેમની પાછળ પડેલા છે, જેવી સંવેદના ઉત્તર પ્રદેશના લોકોમાં ઘર કરી ગઈ હતી. આ પરિવાર માટે મોદીના ચાબખાં ભૂલ ભરેલાં હતા. મોદીએ જવાહરલાલ નહેરૂથી માંડીને ગાંધી પરિવારના દરેકને ચૂંટણી મુદ્દા બનાવ્યા હતો.

જ્યાં રામ મંદિર છે ત્યાં પણ ફાંફા

રામમંદિર ભાજપનો મહત્ત્વનો મુદ્દો હતો તે મત ખેંચી લાવે તેમ હતો, પરંતુ તેનો લાભ વધુ પડતા આત્મવિશ્વાસમાં ઉઠાવાયો નહીં. રામમંદિર જ્યાં આવ્યું છે તે અયોધ્યામાં (ફૈઝાબાદ મતવિસ્તાર) પણ ભાજપની હાર થઈ. આ વિસ્તારમાં મંદિરના કારણે રોજગારી વધી છે, તેવા કારણો પણ પોકળ સાબિત થયા.

ભ્રષ્ટાચારમાં કોઈને રસ નથી

ભાજપે ભ્રષ્ટાચાર હટાવવાની બહુ મોટી વાતો કરી હતી પરંતુ ભારતમાંથી તેને દૂર કરવો શક્ય નથી કેમ કે દરેક વત્તે ઓછે અંશે તે ભોગ બનતા આવ્યા છે. એટલે મોદી વારંવાર જાહેર સભામાં કહેતા હતા કે, હું કોઈ ભષ્ટાચારીને નહીં છોડું પરંતુ તેની કોઇ મતદારો પર અસર નહોતી થતી. તેનું કારણ એ હતું કે, પોલીસ કે વહીવટી તંત્રમાં લોકોને દરેક કામ માટે ધક્કા ખાઈ પૈસા આપવા પડે છે. મોદી ઉપલા સ્તરે કે સરકારમાં ભ્રષ્ટાચાર ઓછો કરી શક્યા હશે, પરંતુ પાયાના સ્તરે સરકારમાં ક્યાય કામ થતું નથી તે હકીકત લોકો જાણે છે.

સંઘ સાથે મતભેદો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તૈયાર કરેલા ભાજપના નેતાઓ એટલા અભિમાનમાં આવી ગયા હતા. ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ એકવાર કહ્યું હતું કે ‘અમે સંઘ પર નિર્ભર નથી, અમે સ્વતંત્ર છીએ.’ એવું કહેવાય છે કે, ‘નડ્ડાના આ નિવેદને સંઘના કાર્યકરોને નારાજ કર્યા હતા. ઉત્તર પ્રદેશમાં ઓછા મતદાન પાછળ પણ આ નારાજગી હોવાનું મનાય છે.’ એટલું જ નહીં, નડ્ડાએ જ્યારે સંઘ વિશે આવું નિવેદન કર્યું ત્યારે વડાપ્રધાને તેમની વાતને રદિયો પણ નહોતો આપ્યો.


Google NewsGoogle News