ભાજપના ભ્રષ્ટાચારીઓએ ભગવાન રામને પણ ન છોડયા, બે વરસાદમાં 10,000 કરોડ ધોવાઈ ગયા!

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
ભાજપના ભ્રષ્ટાચારીઓએ ભગવાન રામને પણ ન છોડયા, બે વરસાદમાં 10,000 કરોડ ધોવાઈ ગયા! 1 - image


Ayodhya Ram Temple News: ભગવાન રામની નગરી અયોધ્યાની હાલત અત્યારે અત્યંત દયનીય છે. ભ્રષ્ટાચારી અસુરો દ્વારા ભગવાનની પવિત્ર નગરીને ભીંસમાં લેવામાં આવી છે. પ્રજા લાચાર છે અને પીડામાં છે. ભગવાન રામની જન્મસ્થળી અને પવિત્ર યાત્રાધામ અયોધ્યામાં પહેલાં જ વરસાદે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. અહીંયા ચારે તરફ પાણી ભરાયા છે. ગંદકીના ઢગલા જામ્યા છે. અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોની જવા દઈએ ભગવાન રામ લલ્લા પોતે ભાજપના ભ્રષ્ટાચારીઓનો ભોગ બન્યા છે. ભગવાનના ગર્ભગૃહમાં જ વરસાદી પાણી ટપકી રહ્યું છે અને લોકોની આંખમાંથી આંસુ ટપકી રહ્યા છે પણ બની બેઠેલા રામભક્તો અને નેતાઓને આ દેખાવાનું નથી. 

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પહેલાં અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નરેન્દ્ર મોદીના હાથે ઉદઘાટન કરાયું ત્યારે અયોધ્યાની કાયાપલટ કરી દેવાની મોટી મોટી વાતો કરાઈ હતી. અયોધ્યામાં વિદેશનાં શહેરોમાં હોય એવા રોડ-રસ્તા સહિતની સગવડો ઉભી કરીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની ડંફાસ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના બીજા નેતાઓએ મારી હતી પણ અયોધ્યામાં પડેલા પહેલા વરસાદે આ ડંફાસોની પોલ ખોલી નાંખી છે. અયોધ્યા કાદવ-કીચડ અને ગંદકીનો અડ્ડો બની ગયું છે અને સરકાર કશું કરી નથી રહી તેથી ભગવાન શ્રી રામની નગરી સાચા અર્થમાં રામભરોસે થઈ ગઈ છે. અયોધ્યામાં પહેલા વરસાદમાં જ કરોડોનો ખર્ચે બનાવાયેલા રોડ રસ્તા તૂટી ગયા છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. અયોધ્યાનો કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં પાણી ના ભરાયાં હોય. અયોધ્યાના રેલવે સ્ટેશનની દીવાલ પણ તૂટીને ધરાશાયી થઈ ગઈ છે. રેલવે સ્ટેશનની બહાર પાણી ભરાઈ જતાં લોકો બહાર નીકળી ના શકે એવી હાલત છે.

ઈમર્જન્સી વોર્ડ અને એક્સ-રે રૂમમાં ગટરના પાણી ભરાયા

અયોધ્યામાં આવતા શ્રધ્ધાળુઓ માટે સરકારે શ્રી રામ હોસ્પિટલ બનાવી છે. હોસ્પિટલના બધા રૂમોમાં પાણી ભરાઈ ગયાં છે. ખુલ્લી ગટરોનાં ગંદાં પાણી ઈમર્જન્સી વોર્ડ અને એક્સ રે રૂમમાં ભરાઈ જતાં અસહ્ય ગંધ મારી રહી છે. મંદિર ટ્રસ્ટે હોસ્પિટલની દિવાલ પાસે માટીનો ઢગલો ખડકી દીધો હતો. વરસાદના પાણીમાં આ માટી ધોવાઈ તેમાં દિવાલ ધરાશાયી થઈ ગઈ. આ માટી હોસ્પિટલના સંકુલમાં આવી છે તેથી કળણ થઈ ગયું છે કે જ્યાં ચાલી શકાય તેમ જ નથી. આ માટીવાળું ગંદુ પાણી આખી હોસ્પિટલમાં ફરી વળ્યું છે. બહારનું પાણી પણ હોસ્પિટલમાં આવી રહ્યું છે તેથી હોસ્પિટલનું સંકુલ કાદવ-કીચડ ને ગંદકીનો અડ્ડો બની ગયું છે. 

રામપથ ઉપર મંગળના ક્રેટર જેવા ગાબડાં દેખાવા લાગ્યા

ભગવાન રામના મંદિર સુધી જતો રામપથ પણ વરસાદમાં ધોવાઈને તૂટી ગયો છે. થોડાક વરસાદમાં જ ધોવાઈ ગયેલા રામપથ પર મોટાં મોટાં ગાબડાં પડી ગયાં છે અને ચાલી શકાય એવી જ હાલત નથી. રોડ પર ભરાયેલાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી તેથી નજર નાંખો ત્યાં પાણી જ પાણી દેખાય છે.  સૌથી આઘાતજનક વાત એ છે કે, ભગવાન રામના મંદિરની છતમાંથી પાણી પડી રહ્યું છે.અયોધ્યામાં ભગવાન રામ લલ્લાનાં દર્શન કરવા બહારથી આવેલા હજારો શ્રધ્ધાળુઓ ફસાઈ ગયા છે કેમ કે ક્યાંય જઈ શકાય તેમ જ નથી. ટ્રેનો ચાલુ છે પણ સ્ટેશન સુધી પહોંચી શકાય તેમ જ નથી. અયોધ્યામાં એટલી બધી હોટલો નથી તેથી મોટા ભાગના લોકો હોમ-સ્ટેમાં રહે છે. હોમ-સ્ટે માટે ઘર આપનારાં પણ ફસાઈ ગયાં છે. આખી દુનિયામાં ઈજ્જતનો કચરો થઈ ગયા પછી સફાળી જાગેલી યોગી સરકારે ડેમેજ કંટ્રોલ કરવાની ક્વાયત આદરી છે પણ તેમાં પણ સરકાર સાવ નકામી સાબિત થઈ છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જ નથી. ઈલેક્ટ્રિક પંપથી પાણી કઢાઈ રહ્યું છે ને એ રીતે ક્યારે પાર આવશે એ ખબર નથી. 

કરોડોનો ખર્ચો બતાવાયો પણ ગયો ખિસ્સામાં

અયોધ્યાની અવદશા જોઈને આઘાત લાગે છે પણ વધારે આઘાત એ જોઈને લાગે છે કે, ભાજપના ભ્રષ્ટાચારીઓએ ભગવાન રામને પણ નથી છોડયા. અયોધ્યાને દેશનું ટોપ રીલિજીયસ ટુરિસ્ટ પ્લેસ બનાવવા માટે શ્રેષ્ઠ આયોજન અને બાંધકામ થવું જોઈતું હતું. તેના બદલે હલકી કક્ષાનો માલ વપરાયો તેમાં રોડ-રસ્તા તૂટી ગયા. અયોધ્યામાં બીજા નિર્માણ માટે આયોજનની જવાબદારી સારી કંપનીઓને આપવાની જરૂર હતી પણ તેના બદલે ભાજપના મળતિયાઓને આપી દેવાઈ. તેમના અણઘડ આયોજન અને ભ્રષ્ટાચારના કારણે ભગવાન શ્રી રામની નગરી આખી દુનિયામાં હાંસીને પાત્ર બની ગઈ છે. જાણકારોના મતે ગુજરાતની જ એક નિર્માણ કંપનીને અયોધ્યાના રામપથના નિર્માણની કામગીરી સાોંપવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે, અમદાવાદની આ કંપની સામે ભ્રષ્ટાચારના આરોપો મુકાયા છે અને તેને અયોધ્યાનું કામ આપી દેવાયું હતું. બીજી તરફ જે કાર્ય ૩૦ એપ્રિલ ૨૦૨૪ના રોજ પૂરું કરવાનું હતું તે ચાર મહિના વહેલું ૩૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પૂરું કરી દેવાયું હતું. તેના કારણે અયોધ્યાના રસ્તાઓની ગુણવત્તા સાથે સૌથી મોટું સમાધાન કરવામાં આવ્યું અને પ્રજા હવે હાલાકી ભોગવી રહી છે. 

નબળી સામગ્રી અને ભ્રષ્ટાચારે અયોધ્યાનો સોથ વાળ્યો

વધારે આઘાતની વાત એ છે કે, યોગી સરકાર આ ભ્રષ્ટાચારીઓને કશું કરી નથી રહી. યોગી સરકારે દેખાવ ખાતર પબ્લિક વર્ક્સ ડીપોર્ટમેન્ટ (પીડબલ્યુડી)ના છ અધિકારીને સસ્પેન્ડ કરીને બલિના બકરા બનાવી દીધા ને કંપનીઓને નોટિસ ફટકારી દીધી પણ બીજી કોઈ આકરી કાર્યવાહી કરી નથી. અયોધ્યામાં આ બધું ઉભું કરવા માટે 10 હજાર કરોડ રૂપિયાથી વધારેનું આંધણ કરાયું છે. 950 કરોડ રૂપિયાથી વધારે તો રામપથ બનાવવા જ અપાયા છે. યોગી આદિત્યનાથે પોતે કરેલા દાવા પ્રમાણે, અયોધ્યાના બ્યૂટિફિકેશન માટે જેમનાં ઘર, દુકાનો વગેરે દૂર કરાયાં તેમને 1400 કરોડ રૂપિયાની આસપાસ ચૂકવાયા છે. મંદિર નિર્માણ પાછળ 1800 કરોડ રૂપિયા ખર્ચાયા છે. આ બધા રૂપિયા બે વરસાદમાં ધોવાઈ ગયા પછી પણ છ અધિકારીઓ સિવાય બીજાંને કંઈ કરાતું નથી તેના કારણે ભાજપની નેતાગીરી પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાની શંકા પેદા થઈ રહી છે. રામનામ જપનારાંએ રામના નામે પોતાનાં ઘર ભરી દીધાં અને રામના ભક્તોને સાવ રામભરોસે છોડી દીધા એવી હાલત છે. 

સ્માર્ટ સિટીના નામે પ્રજાને મૂર્ખ બનાવવાનો ધંધો

આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે, આ ભવાડા પછી પણ યોગી સરકાર અયોધ્યાને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની ફિશિયારીઓમાંથી હાથ બહાર કાઢતી નથી. યોગી સરકારે 2031 સુધીમાં 85 હજાર કરોડ રૂપિયા ખર્ચીને અયોધ્યાને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા બનાવાયેલા માસ્ટર પ્લાનનો અમલ કરવાનું એલાન કર્યું છે. વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા માટે ઝીરો ક્રાઈમથી માંડીને નીટ-ક્લીન એર સુધીનાં ધારાધોરણો પાળવા પડે. વર્લ્ડ ક્લાસ હેલ્થકેર ને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉભી કરવી પડે. આર્ટ્સ-કલ્ચરનાં સેન્ટર ઉભાં કરવાં પડે, લોકોને રહેવા માટે સસ્તી સુવિધાઓ ઉભી કરવી પડે. અયોધ્યામાં અત્યારે જે હાલત છે એ જોતાં આ બધું તો નહીં થાય પણ ભાજપના નેતાઓ ને મળતિયાઓનાં ઘર ભરાશે. આ 85 હજાર કરોડમાંથી કેટલાંનાં ઘર ભરાશે એ રામ જાણે.

રામલલ્લાના 1800 કરોડના મંદિરમાં છતમાંથી પાણી પડે એ આઘાતજનક

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં છતમાંથી પાણી પડતાં ભ્રષ્ટાચારીઓએ ભગવાન રામને પણ ના છોડયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે આપેલી માહિતી પ્રમાણે, ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામની મૂર્તિ સામે બેસીને પૂજારી પૂજા કરે છે અને વીઆઈપી દર્શન કરાવાય છે ત્યાં જ છતમાંથી બહુ બધું પાણી પડી રહ્યું છે. 1800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ભવ્ય મંદિરમાં પાણી પડે એ શરમજનક કહેવાય પણ આ અંગે કોઈની સામે કશી કાર્યવાહી થઈ નથી. અયોધ્યામાં ગયા શનિવારે મધરાતે પહેલો વરસાદ પડયો પછી વહેલી સવારે આચાર્ય પૂજા કરવા ગયા ત્યારે રામ લલ્લાની મૂર્તિ સામે પાણી ભરાયેલું જોઈને આઘાત પામી ગયા હતા. આચાર્યે કટાક્ષ પણ કર્યો કે, દેશભરમાંથી આટલા બધા એન્જિનિયરને બોલાવાયા છતાં પાણી કેમ પડી રહ્યું છે એ સમજાતું નથી. પહેલા વરસાદમાં રામ લલ્લા મંદિર સંકુલમાં પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નહીં કરાઈ હોવાની ફરિયાદ પણ આચાર્યે કરી. આચાર્યે મીડિયાને બોલાવીને પાણી પડી રહ્યું હોવાની જાણ કરતાં નરેન્દ્ર મોદીના ખાસ એવા મંદિર નિર્માણ સમિતીના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રા સવારના પહોરમાં દોડતા થઈ ગયા. મિશ્રાએ તાત્કાલિક છતનું વોટર પ્રૂફિંગ કરાવવા સૂચના આપીને લૂલો બચાવ કર્યો કે, મંદિર પર હજુ ઘુમ્મટ બનાવવાનો બાકી છે એટલે પાણી પડી રહ્યું છે પણ જુલાઈ સુધીમાં બાકીનંહ કામ પૂરૂં થઈ જશે એટલે પાણી નહીં પડે.

અયોધ્યાના હિંદુઓને ગદ્દાર કહેનારા ભગવાનના નામે ભ્રષ્ટાચાર સામે ચૂપ

લોકસભાની ચૂંટણીમાં ફૈઝાબાદ-અયોધ્યા બેઠક પર સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદે ભાજપના લલ્લુસિંહને કારમી હાર આપી પછી સોશિયલ મીડિયા પર ભાજપના ભક્તોએ અયોધ્યાના હિંદુઓને ગદ્દાર ગણાવીને બહુ ગાળો આપી હતી. અત્યારે અયોધ્યાની અવદશા મુદ્દે આ બધા લોકો ચૂપ છે. અયોધ્યાના મતદારોને ગદ્દાર કહેનારા ભગવાન રામના નામે પોતાનાં ઘર બનાવનારા ગદ્દારો સામે એક હરફ નથી ઉચ્ચારી રહ્યા. અબજો રૂપિયાના ખર્ચ પછી માત્ર છ મહિનામાં જ અયોધ્યા ગંદકીનો અડ્ડો બની ગયું એ મુદ્દે સૌની બોલતી બંધ છે. ભગવાનના નામે સરકારના ને રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ ક્ષેત્રના કરોડો રૂપિયા લઈ જનારી કંપનીઓ, આ કરોડો આપી દેનારા ટ્રસ્ટના સંચાલકો કે બીજા ભ્રષ્ટાચારીઓ સામે કોઈ કશું નથી બોલી રહ્યું.


Google NewsGoogle News