ભાજપ મફત પાણી-વીજળીની યોજના બંધ કરવાનું નથી : મોદી
દિલ્હીની રેલીમાં મોદીના આપ પર પ્રહાર
લોકો કોરોનાનો સામનો કરી રહ્યા હતા ત્યારે આપ શીશ મહેલ બનાવવામાં વ્યસ્ત હતું
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ દિલ્હીને આપ્યા હતા. નમો ભારત નેટવર્કના વિસ્તાર અને નવી મેટ્રો લાઇનના ઉદ્ઘાટન બાદ નરેન્દ્ર મોદીએ રોહિણીના જાપાની પાર્કમાં ભાજપની રેલીને સંબોધી હતી, જ્યાં તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્ર દિલ્હીમાં કામ નથી કરવા દેતી તેવા આપ જૂઠ્ઠા આરોપો લગાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક તરફ આપ સરકાર પર આકરા પ્રહારો કર્યા સાથે જ બીજી તરફ એવું વચન પણ આપ્યું કે દિલ્હીમાં ભાજપની સરકાર વર્તમાન સ્કીમોને બંધ નહીં કરે. દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તો મફત વીજળી પાણીની યોજનાઓને બંધ કરી દેવામાં આવશે તેવા કેજરીવાલના દાવાને નરેન્દ્ર મોદીએ જૂઠ્ઠા ગણાવ્યા હતા. તેમણે આશ્વાસન આપ્યું હતું કે દિલ્હીમાં મફત વીજળી-પાણીની યોજના બંધ નહીં થાય. આપ પાર્ટીને આપદા ગણાવીને મોદીએ ફરી એક વખત કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગરમીમાં પાણી માટે મારામારી, વરસાદમાં પાણી ભરાવવાની મુશ્કેલી, ઠંડીમાં પ્રદુષણની મુશ્કેલી, દિલ્હીમાં આ લોકોએ તમામ ઋતુને આપદાકાળ બનાવી દીધી છે. દિલ્હીના નાગરિકોની ઉર્જા આખું વર્ષ આપદામાંથી બહાર નીકળવામાં જ ખર્ચાઈ જાય છે.
તેથી દિલ્હીમાંથી આપદા જશે ત્યારે જ સુશાસનનું ડબલ એન્જિન આવશે. જ્યારે દિલ્હીના લોકો કોરોના મહામારીનો સામનો કરી રહ્યા હતા ત્યારે આપ શીશ મહેલ બનાવવામાં વ્યસ્ત હતું.