Get The App

ભાજપ તેલંગાણાને બીઆરએસના સકંજામાંથી મૂક્ત કરાવશે : મોદી

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
ભાજપ તેલંગાણાને બીઆરએસના સકંજામાંથી મૂક્ત કરાવશે : મોદી 1 - image


- બીઆરએસના ભ્રષ્ટાચારીઓ જેલમાં જશે : વડાપ્રધાન

- તેલંગાણામાં બીઆરએસને ફરી સત્તા સોંપવામાં આવશે તો કેસીઆર ફાર્મહાઉસમાંથી સરકાર ચલાવશે : પ્રિયંકા

હૈદરાબાદ : ૩૦મી તારીખે તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન થશે, એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજા દિવસે રેલીને સંબોધી હતી, અને તંલાગાણાની બીઆરએસ સરકાર અને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ પણ પ્રચાર રેલીને સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભાજપ તેલંગાણાને બીઆરએસના સકંજામાંથી મૂક્ત કરાવશે. 

તેલંગાણાના મહબુબાબાદમાં રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેલંગાણાને બીઆરએસના સકંજામાંથી મૂક્ત કરવાને ભાજપ પોતાની જવાબદારી માને છે. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે ભાજપ સત્તામાં આવશે તો રાજ્યના ગરીબો અને યુવાઓ સાથે વિશ્વાસઘાત કરનારાઓને છોડવામાં નહીં આવે. અમે બીઆરએસના ભ્રષ્ટાચારીઓને જેલમાં ધકેલીશું. ત્રણ દિવસના પોતાના પ્રચાર પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીએ કેસીઆર અને કોંગ્રેસ બન્ને પર આકરા પ્રહારો કર્યા હતા, સાથે જ બન્ને એકબીજા સાથે ભળેલા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. અને જનતાને અપીલ કરી હતી કે તેઓ કોંગ્રેસ અને બીઆરએસ બેમાંથી એક પણ પર વિશ્વાસ ના કરે. 

જ્યારે બીજી તરફ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ પણ તેલંગાણામાં રેલીને સંબોધી હતી, અને તેમણે પણ કેસીઆર પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રિયંકાએ હૈદરાબાદથી ૫૦ કિમી દૂર ભોંગીરમાં રેલીને સંબોધતા કહ્યું હતું કે જો તેલંગાણામાં ફરી કેસીઆરની બીઆરએસ પાર્ટીને સત્તા આપવામાં આવશે તો તેઓ ફાર્મહાઉસમાંથી સરકાર ચલાવશે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે કેસીઆરની છત્રછાયામાં દારુ માફિયાઓ જ રાજ્યની સત્તા ચલાવશે. કેસીઆર પર પ્રહારો કરતા પ્રિયંકાએ દાવો કર્યો હતો કે તેઓ ફાર્મહાઉસમાં જ રહે છે અને ત્યાંથી જ સરકાર ચલાવે છે. જે પણ નીતિઓ તેઓ ઘડી રહ્યા છે તે આમ નાગરિકો અને ગરીબો માટે છે જ નહીં, તેઓ માત્ર મોટા ઉધ્યોગપતિઓ માટે જ સરકાર ચલાવી રહ્યા છે. તેલંગાણામાં ૩૦મીએ મતદાન થશે.


Google NewsGoogle News