આતિશીને ખોટા કેસમાં ફસાવી ભાજપ ધરપકડ કરાવશે : કેજરીવાલ
- ભાજપે એજન્સીઓને આદેશ આપ્યાનો 'આપ'નો દાવો
- કેજરીવાલના મત વિસ્તારમાં મત માટે પ્રત્યેક મહિલાને ભાજપે 11,00 રૂપિયા આપ્યા : મુખ્યમંત્રી આતિશી
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની જુઠા કેસમાં ગમે ત્યારે ધરપકડ કરવામાં આવશે તેવો દાવો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલે કર્યો હતો. કેજરીવાલે જણાવ્યું હતું કે ભાજપના ઇશારે કેન્દ્રીય એજન્સીઓ મુખ્યમંત્રી આતિશીને જુઠા કેસમાં ફસાવવાની ફિરાકમાં છે. આ માહિતી અમને અમારા સુત્રોની પાસેથી મળી છે. આપને દિલ્હી વિધાનસભાની ચૂંટણીની દૂર રાખવા માટે ભાજપ આ કાવતરુ કરવા જઇ રહી છે.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરંસ કરીને આ આરોપો ભાજપ પર લગાવ્યા છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે આતિશીને દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગના એક જુઠા કેસમાં ફસાવવામાં આવી શકે છે. ભાજપ દિલ્હીમાં મહિલાઓને અપાતી મફત બસ મુસાફરીની સેવા રોકવા માગે છે. પરંતુ જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી આ સેવાને બંધ નહીં થવા દઉ. આગામી દિવસોમાં આતિશીની ધરપકડ થાય તે પહેલા આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને ત્યાં દરોડા પાડવા માટે એજન્સીને કહેવામાં આવ્યું છે. આ દરોડા મારા, સિસોદિયા પર, સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ, સત્યેન્દ્ર જૈન, આતિશીને ત્યાં પાડવામાં આવી શકે છે.
દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી હંમેશાથી પ્રામાણિકતાથી કામ કરતી આવી છે. મને પુરો વિશ્વાસ છે કે એજન્સીઓ મારી વિરુદ્ધમાં જુઠો કેસ દાખલ કરશે અને મારી ધરપકડ પણ કરશે. આ દેશની ન્યાય વ્યવસ્થા પર મને પુરો વિશ્વાસ છે. આતિશીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલના નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાં મતદારોને લલચાવવા માટે ભાજપ મહિલાઓને રૂપિયા વહેચી રહી છે. સ્વમ વિસ્તારની પ્રત્યેક મહિલાને ભાજપ દ્વારા મતના બદલામાં ૧૧૦૦ રૂપિયા આપવામાં આવ્યા છે. રૂપિયા આપ્યા બાદ તેમના ચૂંટણી કાર્ડની વિગતો નોંધવામાં આવી છે. આ આરોપો વચ્ચે દિલ્હીના ભાજપના સાંસદ મનોજ તિવારીએ દાવો કર્યો હતો કે દિલ્હીના લોકો આમ આદમી પાર્ટીથી સંતુષ્ટ નથી, તેઓ આ વખતે ભાજપને મત આપવા જઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીની સરકારમાં દિલ્હીના લોકોને પ્રદુષિત પાણી, પ્રદુષિત હવા મળી, વરીષ્ઠ લોકોની પેન્શન સ્કીમ અટકાવાઇ, જુઠા વચનો વગેરેથી લોકો કંટાળી ગયા છે.