લોકસભા ચૂંટણી માટે ભાજપ સમિતિની રચના કરશે, તેના સભ્યો નારાજ નેતાઓને મળીને મનાવશે
ભાજપ લોકસભા ચૂંટણી અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને વ્યૂહનીતિ ઘડશે
BJP Constituted Committee: દિલ્હીમાં આજે ભાજપે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને બેઠક યોજી હતી. જેમાં અસંતુષ્ટ નેતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને એક સમિતિની રચના કરી છે. જે નારાજ નેતાઓનો સંપર્ક કરીને તેમને મનાવવાનો પ્રયાસ કરશે.
સમિતિની મંજુરી વગર ભાજપમાં કોઈપણ નેતાનું સત્તાવાર જોડાવાનું શક્ય બનશે નહીં: સૂત્રો
સૂત્રોના જણાવ્યાનુસાર, આ બેઠકની અધ્યક્ષતા ભાજપ અધ્યક્ષ જેપી. નડ્ડાએ કરી હતી. જેમાં લોકસભા ચૂંટણી 2024 માટે સમિતિની રચના કરી છે, જેનું મુખ્ય કામ વિવિધ રાજકીય પક્ષોના અસંતુષ્ટ નેતાઓનો સંપર્ક કરીને તેમને પક્ષમાં સામેલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. એટલું જ નહીં આ સમિતિની મંજુરી મળે ત્યારે જ ભાજપમાં કોઈપણ નેતાનું સત્તાવાર જોડાવાનું શક્ય બનશે.
ભાજપ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને વ્યૂહનીતિ ઘડશે
આ ઉપરાંત ભાજપની બીજી બેઠક અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને કરવામાં આવશે. આ બેઠકમાં વ્યૂહનીતિ ઘડવામાં આવશે કે, આ કાર્યક્રમ દેશભરના લોકો સુધી કેવી રીતે પહોંચાડવો.
ભાજપની યોજના શું છે?
અહેવાલ અનુસાર, રામ મંદિર આંદોલન અને મંદિરના નિર્માણમાં પાર્ટીની ભૂમિકા સમજાવતી પુસ્તિકા પણ તૈયાર કરવામાં આવશે. સાથે લોકસભા ચૂંટણી પહેલા નવા મતદારો સાથે જોડવા માટે બૂથ સ્તરે કાર્યક્રમો પણ યોજવામાં આવશે. ભાજપ તેના ચૂંટણી પ્રચાર દરમિયાન એ પણ પ્રકાશિત કરશે કે કેવી રીતે વિરોધ પક્ષે મંદિરના નિર્માણમાં અવરોધ લાવવાનો પ્રયાસ કર્યો.