ઓડિશામાં ભાજપ એકલા હાથે લડશે ચુંટણી, બીજુ પટનાયક સાથે ના જામ્યું ?
ચૂંટણી સમજૂતી થવાની રાહ જોવાતી હતી જે શકય બની નથી.
ઓડિશામાં લોકસભાની ૨૧ અને વિધાનસભાની ૧૪૭ બેઠકો છે
નવી દિલ્હી,૨૨ માર્ચ,૨૦૨૪,શુક્રવાર
લોકસભાની ચુંટણી જાહેર થઇ છે ત્યારે રાજકિય પક્ષોમાં જોડતોડ અને ગઠબંધનનું રાજકારણ જોવા મળી રહયું છે. ઓડિશામાં બીજેપી અને બીજેડીના ગઠબંધનની શકયતા ધૂંધળી બની છે. બીજેપીના અધ્યક્ષ મનમોહન સમાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટતા કરી હતી કે બીજેપી ઓડિશામાં એકલા હાથે લોકસભા વિધાનસભા ચુંટણી લડશે. બંને પક્ષો વચ્ચે ઘણા સમયથી ચૂંટણી સમજૂતી થવાની રાહ જોવાતી હતી જે શકય બની નથી.
બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અંગે નિર્ણય લેવાઇ શકયો ન હતો. બીજેડીએ થોડાક દિવસો પહેલા જ પોતાના ઉમેદવારો જાહેર કરવાની શરુઆત કરી દીધી હતી. બીજેપીના અધ્યક્ષે એકસ પોસ્ટમાં ટાંકયું હતું કે ઓડિશાની બીજેડી પાર્ટી કેન્દ્રમાં મોદી સરકારને અનેક મહત્વના રાષ્ટ્રીય મુદ્વાઓ પર સમર્થન આપતી હતી તે બદલ આભાર વ્યકત કરીએ છીએ. આ ઉપરાંત એવો આક્ષેપ પણ કર્યો હતો કે મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓને ઓડિશા સરકારે છેવાડાના માણસ સુધી પહોંચાડી નથી. આથી લોકો લાભ લેવાથી વંચિત રહી ગયા છે. બીજેપી લોકસભાની ૨૧ અને વિધાનસભાની ૧૪૭ બેઠકો પર એકલા ચુંટણી લડશે.