શિંદે અને પવારને ફરી ઝટકો! એકલા હાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવવાની ભાજપની તૈયારી
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 133 બેઠક જીતી છે. માત્ર 148 બેઠકો પર લડેલી ભાજપે લગભગ 90 ટકા બેઠકો જીતી છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપની આ સૌથી મોટી સફળતા છે. તેની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું આયોજન અને મહેનત પણ એક કારણ માનવામાં આવે છે. આ દરમિયાન આરએસએસ અને ભાજપે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે.
આ મુદ્દે આરએસએસ પણ સહમત
પક્ષના વ્યૂહનીતિકારોનું માનવું છે કે, સ્થાનિક સ્વરાજ ચૂંટણી એકલા હાથે લડવી જોઈએ. જેથી કરીને શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજિત પવાર જૂથ) સામે તેની તાકાત બતાવી શકાય. આરએસએસના લોકોનો પણ મત છે કે ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકલા જ ઉતરવું જોઈએ.
વ્યૂહનીતિકારોનું અનુસાર, સ્થાનિક ચૂંટણી એકલા હાથે લડીને ભાજપને પાયાના સ્તર સુધી પહોંચવામાં મદદ મળશે. આ ઉપરાંત તે મુંબઈ, પૂણે, નાગપુર સહિત વિવિધ શહેરોમાં તેની તાકાતનું આકલન પણ કરી શકશે. ભાજપ ઉપરાંત અન્ય પક્ષો પણ એકલા હાથે લડવાના પક્ષમાં છે.
શિવસેના (ઉદ્ધવ જૂથ) સ્થાનિક સ્વરાજ ચૂંટણી એકલા હાથે લડશે!
મહાવિકાસ એઘાડીમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) ઘણી વખત જાહેરાત કરી ચૂકી છે કે, તે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં એકલા હાથે લડશે. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું, 'મહારાષ્ટ્રમાંથી શિવસૈનિકોનો અભિપ્રાય ઉભરી રહ્યો છે કે જેથી એકલા ચૂંટણી લડવી જોઈએ. આનાથી અમને બે ફાયદા થશે. પ્રથમ તે રાજ્યભરના કાર્યકરોને ઉત્સાહિત થશે. બીજું પાર્ટીમાંથી વધુને વધુ લોકોને ચૂંટણી લડવાની તક મળશે.'
ઉલ્લેખનીય છે કે, BMC સહિત દેશની 27 સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લાંબા સમયથી પેન્ડિંગ છે. પરંતુ હવે વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જોરદાર સફળતા બાદ તમામ સત્તાધારી પક્ષો ચૂંટણી યોજવાના પક્ષમાં છે.