Get The App

ત્રણ રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
ત્રણ રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો 1 - image


- રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અભૂતપૂર્વ સફળતા

- મોદીની ગેરંટી 

- રાજસ્થાનમાં સત્તા પરિવર્તનની પરંપરા જળવાઈ, છત્તીસગઢના પરિણામોએ કોંગ્રેસને આંચકો આપ્યો ઃ મધ્ય પ્રદેશમાં એન્ટી-ઈન્કમ્બન્સી ખાળવામાં ભાજપ સફળ

- હિન્દી પટ્ટાના રાજ્યોમાં કેન્દ્રીય મંત્રીઓને વિધાનસભા ચૂંટણીમાં ઉતારવાનો ભાજપનો પ્રયોગ સફળ રહ્યો

- ભાજપના હિન્દુત્વ સામે રાહુલ ગાંધીનું જાતિ આધારિત વસતી ગણતરીનું કાર્ડ ના ચાલ્યું

નવી દિલ્હી : દેશમાં હવે છ મહિનાથી ઓછા સમયમાં લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે આ પહેલાં સેમીફાઈનલ સમાન પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાંથી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણા એમ ચાર રાજ્યોના પરિણામ રવિવારે જાહેર થઈ ગયા છે, જેમાં હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં 'મોદીની ગેરેન્ટી' ચાલી જતાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. જોકે, દક્ષિણના રાજ્ય તેલંગણામાં કોંગ્રેસનો વિજય થતાં તેને આંશિક રાહત મળી છે. ચૂંટણીની આ સેમિફાઈનલમાં ભાજપ-કોંગ્રેસનો સ્કોર ૩-૧ થતાં વડાપ્રધાન મોદીએ રવિવારે જણાવ્યું હતું કે, આજના વિજયની હેટ્રિકે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપની હેટ્રિકની ગેરેન્ટી આપી દીધી છે. હવે મિઝોરમના પરિણામ સોમવારે જાહેર થશે. 

દક્ષિણના રાજ્યમાં ભાજપ માટે પ્રવેશદ્વાર સમાન કર્ણાટકનું રાજ્ય ગુમાવ્યાના કેટલાક મહિનામાં જ હિન્દી પટ્ટામાં એકસાથે ત્રણ રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીએ ભગવા પક્ષમાં ઉત્સાહનો સંચાર થયો છે. નવી દિલ્હીથી લઈને ભોપાલ, જયપુર, રાયપુર સહિતના ભાજપના કાર્યાલયો પર કાર્યકરોએ જય શ્રીરામના સૂત્રોચ્ચાર કરતાં 'મોદીની ગેરેન્ટી'નો વિજય થયોના નારા લગાવ્યા હતા.

મધ્ય પ્રદેશમાં ૧૮ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં ચાર વખતના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ એન્ટી-ઈન્કમ્બન્સીને ખાળવામાં ભગવો પક્ષ સફળ રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ૧૬૦ બેઠકો પર વિજય અને ત્રણ બેઠકો પર આગળ રહીને ભાજપે જંગી બહુમતી મેળવી છે જ્યારે કોંગ્રેસ ૬૬ બેઠકમાં સમેટાઈ ગઈ છે. જોકે, આ સાથે હવે મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે શિવરાજ સિંહ ચૌહાણ પાછા ફરે છે કે મોવડી મંડળ અન્ય કોઈ ચહેરાને તક આપે છે તેના પર બધાની નજર છે.

ચારેય રાજ્યોના ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસના ચૂંટણી વચનો સામે પીએમ મોદીએ પોતાને એવા નેતા તરીકે રજૂ કર્યા હતા, જેમણે સામાન્ય જનતાની મહેચ્છાઓ પૂરી કરવામાં મદદરૂપ થવા માટે તેમણે આપેલા વચનો પૂરા કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, 'મોદી યાની હર ગેરેન્ટી પૂરી હોને કી ગેરેન્ટી.'

આજના પરિણામોમાં સૌથી આંચકાજનક પરિણામ છત્તીસગઢના હતા, જ્યાં પીએમ મોદીએ મફત અનાજ, ખેડૂતોને આવકમાં મદદ, ગામોના ૧૦૦ ટકા વીજળીકરણ અને પ્રત્યેક ઘરમાં નળથી જળ જેવા વચનો આપ્યા હતા. છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ કદાચ મોદીના આ વચનોનું આકલન કરવામાં થાપ ખાઈ ગયા. છત્તીસગઢનો પરાજય કોંગ્રેસના નેતાઓ માટે આશ્ચર્યજનક રહ્યો. જોકે, છત્તીસગઢમાં ભૂપેશ બઘેલને મહાદેવ એપ કૌભાંડ નડી ગયું હોવાનું પણ માનવામાં આવે છે. ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસનો પરાજય સ્પષ્ટપણે ભાજપના હિન્દુત્વ સામે જાતિ આધારિત વસતી ગણતરીનું રાહુલ ગાંધીનું કાર્ડ નિષ્ફળ ગયું હોવાનું દર્શાવે છે. આ પરાજયના કારણે હવે લોકસભામાં ભાજપ સામે લડવા માટે રચાયેલા 'ઈન્ડિયા' ગઠબંધનમાં કોંગ્રેસની પોઝીશન નબળી થઈ જશે અને અન્ય વિપક્ષનું બળ વધશે.

રાજસ્થાનમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલતી સત્તા પરિવર્તનની પરંપરા આ વખતે પણ જળવાઈ રહી છે. અશોક ગેહલોતના શાસન સામે જનતામાં અસંતોષ નહીં હોવાના રાજકીય પંડિતોના દાવા કદાચ સાચા હોઈ શકે છે. પરંતુ ગેહલતો અને સચિન પાયલટ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી ચાલતો ગજગ્રાહ કોંગ્રેસને નડી ગયો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. જોકે, ભાજપે ચૂંટણી પહેલાં જ તેના કદાવર નેતા વસુંધરા રાજેને સાઈડ લાઈન કર્યા હોવાથી હવે સ્પષ્ટ બહુમતી મળતા રાજસ્થાનમાં મુખ્યમંત્રી કોને બનાવાશે તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. વસુંધરા રાજે ઉપરાંત દિયા કુમારી, રાજ્યવર્ધન રાઠોડ અને બાબા બાલકનાથ સીએમપદની રેસમાં હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રવિવારે સાંજે જણાવ્યું હતું કે, અમે જનતા જનાર્દનના આશીર્વાદને નમન કરીએ છીએ. આજના વિજયે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજયની હેટ્રિકની ગેરેન્ટી આપી દીધી છે. આ પરિણામોએ ભ્રષ્ટાચાર સામેની અમારી લડાઈને ટેકો આપ્યો છે. આ પરિણામોએ કોંગ્રેસ અને વિપક્ષ 'ઈન્ડિયા' ગઠબંધનને સંદેશ આપ્યો છે કે પરિવારવાદને પ્રોત્સાહન આપવાથી કેટલાક સારા ફોટોગ્રાફ મળી શકે પરંતુ લોકોના હૃદય અને વિશ્વાસ જીતી શકાય નહીં. મતદારોએ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા આ પક્ષોને ચેતવણી આપી છે કે તમારો રસ્તો બદલી નાંખો અથવા લોકો તમને ખતમ કરી દેશે.

તેમણે ઉમેર્યું હતું કે, આ ચૂંટણીમાં દેશને જાતીઓમાં વિભાજિત કરવાનો ખૂબ પ્રયત્ન થયો. હું સતત કહી રહ્યો હતો કે મારા માટે દેશમાં ચાર જાતી જ સૌથી મોટી છે. તે છે આપણી નારી શક્તિ, યુવા શક્તિ, ખેડૂતો અને આપણા ગરિબ પરિવાર. તેમના વિકાસ સાથે જ દેશનો વિકાસ થઈ શકે છે. આ ચાર જાતીઓને સશક્ત કરવાથી જ દેશ સશક્ત થશે.

વડાપ્રધાને કહ્યું કે, આજે મોટી સંખ્યામાં આપણા ઓબીસી, આદિવાસી સાથીઓ આ વર્ગમાંથી આવે છે. તેઓ ભાજપની યોજનાઓ અને ભાજપના રોડમેપ અંગે ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા છે. તેમને મોદીની ગેરેન્ટીમાં વિશ્વાસ છે. નારીશક્તિનો વિકાસ ભાજપના વિકાસ મોડેલનો મુખ્ય આધાર છે. હું આજે દેશની દરેક બહેન-બેટીને કહેવા માગું છું કે ભાજપે તમને જે વચનો આપ્યા છે તે ૧૦૦ ટકા પૂરા કરવામાં આવશે. આ મોદીની ગેરેન્ટી છે. તેમને વિશ્વાસ છે કે ભાજપે છેલ્લા ૧૦ વર્ષમાં તેમના સુધી ટોયલેટ, વીજળી, ગેસ, નળથી જળ અને બેન્ક ખાતા જેવી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે પ્રમાણિક્તાથી કામ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, આજે પ્રમાણિક્તા, પારદર્શિતા અને સુશાસનનો વિજય થયો છે. દેશના યુવાનોનો ભાજપમાં સતત વિશ્વાસ વધી રહ્યો છે. ભાજપ તેમની આકાંક્ષાઓ સમજે છે. ભારતનો મતદાતા જાણે છે કે સ્વાર્થ શું છે, જનહિત અને રાષ્ટ્રહિત શું છે.


Google NewsGoogle News