વક્ફ બિલથી નારાજ મુસ્લિમ સમાજને મનાવવા ભાજપે બનાવ્યો પ્લાન, દેશભરમાં શરૂ કરશે આ અભિયાન
BJP Waqf Reform Awareness Campaign : ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં 'વક્ફ સુધારણા જાગૃતિ અભિયાન' શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઝુંબેશ 20 એપ્રિલથી 5 મે સુધી ચાલશે. વક્ફ કાયદામાં ફેરફારોને લઈને કોંગ્રેસ અને તેમના સહયોગીયો દ્વારા ફેલાવવામાં આવેલા ભ્રમ દૂર કરવા અને મુસ્લિમ સમાજને આ સુધારાઓના ફાયદાઓ વિશે માહિતગાર કરવાનો ભાજપનો ઉદ્દેશ્ય છે.
દિલ્હીના ભાજપના મુખ્યાલય ખાતે એક વર્કશોપથી 'વક્ફ સુધારણા જાગૃતિ અભિયાન' ઝુંબેશની શરૂઆત થઈ હતી. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, 'વક્ફ મિલકતોનો યોગ્ય ઉપયોગ હવે સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ મુસ્લિમોના શિક્ષણ અને આરોગ્ય જેવી જરૂરિયાતો માટે થશે.'
જેપી નડ્ડાએ શું કહ્યું?
જેપી નડ્ડાએ કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો અને વક્ફ બિલ અંગે મુસ્લિમ સમુદાયને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, 'ભાજપના કાર્યકરો ગામડે ગામડે જશે અને મુસ્લિમ ભાઈ-બહેનોને સત્ય કહેશે અને તેમને કાયદાના વાસ્તવિક ઉદ્દેશ્યથી વાકેફ કરશે.'
આ પણ વાંચો: તહવ્વુર રાણાને કસાબની જેમ બિરયાની કેમ? તાત્કાલિક ફાંસી આપો... 26/11નો 'હીરો' ભડક્યો
આ વર્કશોપમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પણ ભાગ લીધો હતો. તેમણે વક્ફ સુધારાઓની ઝીણવટભરી બાબતો વિગતવાર સમજાવી હતી. ભાજપે આ તાલીમ કાર્યક્રમમાં દરેક રાજ્યમાંથી ત્રણ-ચાર નેતાઓને આમંત્રણ આપ્યું હતું, જેમાં રાજ્યના લઘુમતી મોરચાના પ્રમુખનો પણ સમાવેશ કર્યો હતો. હવે આ નેતાઓ પોતપોતાના રાજ્યોમાં સમાન વર્કશોપનું આયોજન કરશે અને જિલ્લા સ્તરના નેતાઓને તાલીમ આપશે.
મુસ્લિમ સમુદાય સુધી પહોંચવાની વ્યૂહરચના
ભાજપ આ ઝુંબેશને આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મુસ્લિમ સમુદાયમાં પોતાની પહોંચ મજબૂત કરવાની રણનીતિ તરીકે પણ જોઈ રહી છે. પાર્ટીનું માનવું છે કે, સાચી માહિતી આપીને વિપક્ષના ખોટા પ્રચારનો જવાબ આપી શકાય છે અને મુસ્લિમ મતદારોનો વિશ્વાસ જીતી શકાય છે.
આ પણ વાંચો: ‘દુષ્કર્મના કેસમાં મહિલા પોતે જ જવાબદાર’ અલ્હાબાદ હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં વક્ફ (સુધારા) બિલ, 2025 ને મંજૂરી આપી છે, ત્યારબાદ તે હવે કાયદો બની ગયો છે. ભાજપનો પ્રયાસ છે કે, આ કાયદાનું સત્ય દરેક મુસ્લિમ નાગરિક સુધી પહોંચે અને સમુદાયને એ સમજવામાં આવે કે આ ફેરફારો તેમને સશક્ત બનાવવા અને આગળ વધારવા માટે છે.