ઓડિશા બાદ હવે આ રાજ્યમાં પણ ભાજપને ઝટકો, ન થયું ગઠબંધન, એકલા હાથે લડશે ચૂંટણી
લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં જોતરાઈ ગયા છે
લોકસભાની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાશે
Image : IANS |
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. સાત તબક્કામાં મતદાન યોજાશે. જેને લઈને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં જોતરાઈ ગયા છે. ગઠબંધન અને બેઠકોની વહેંચણી પર ચર્ચાઓનો દોર ચાલું છે. પરંતુ આ દરમિયાન પંજાબમાં ભાજપની ગઠબંધનની વાતચીત નિષ્ફળ ગઈ છે. તે પછી ભાજપ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, હવે પાર્ટી આગામી લોકસભાની ચૂંટણી એકલા હાથે લડશે.
ભાજપના અધ્યક્ષે આ અંગેની માહિતી આપી હતી
ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીમાં પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. શિરોમણી અકાલી દળ (SAD) સાથે ગઠબંધનની કોઈ વાત બની ન હતી. પંજાબ ભાજપના અધ્યક્ષ સુનિલ જાખડ દ્વારા એક વીડિયો મેસેજથી આ અંગેની માહિતી આપી હતી. જાખડે કહ્યું હતું કે 'આ નિર્ણય રાજ્યમાં લોકો અને પાર્ટી કાર્યકર્તાઓના અભિપ્રાયના આધારે લેવામાં આવ્યો છે.' ઉલ્લેખનીય છે કે પંજાબમાં 13 લોકસભા બેઠકો માટે પહેલી જૂને મતદાન થશે. સૂત્રોનું માનીએ તો ભાજપ અને અકાલી દળ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને મતભેદો હતા, જેના કારણે બંને પક્ષો વચ્ચે ગઠબંધન પર વાતચીત થઈ શકી ન હતી. અકાલી દળે નવ બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને બાકીની ચાર બેઠકો ભાજપને આપવાની ઓફર કરી હતી. જો કે, ભાજપે વડાપ્રધાન મોદીની વ્યાપક લોકપ્રિયતાને પગલે વધારે બેઠકો માંગી હતી.
અગાઉ 2019માં SADએ ભાજપ સાથે લડી હતી
નોંધનીય છે કે અગાઉ SADએ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના ભાગરૂપે પંજાબમાં 2019ની લોકસભા ચૂંટણી ભાજપ સાથે લડી હતી. પરંતુ બંને પક્ષો વધુ કોઈ ખાસ પરિણામ હાંસલ કરવામાં અસમર્થ રહ્યા હતા. કોંગ્રેસે 13માંથી આઠ બેઠકો જીતી હતી. ગુરુદાસપુર અને હોશિયારપુર બેઠક ભાજપને ફાળે ગઈ હતી. અકાલી દળે ફિરોઝપુર અને ભટિંડા બેઠકો જીતી હતી. સંગરુર બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી.
અગાઉ ઓડિશામાં ગઠબંધન થયું ન હતું
અગાઉ ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજૂ જનતા દળની વચ્ચે ઘણા દિવસોથી ગઠબંધનને લઈને બેઠકો ચાલતી હતી. આ દરમિયાન એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે, બંને પક્ષો ગઠબંધન હેઠળ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડશે. પરંતુ આ મુદ્દે ભાજપ નિષ્ફળ ગઈ હતી અને ગઠબંધન થયું ન હતું. ઓડિશામાં પણ ભાજપે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.