Get The App

બંગાળમાં ગુનેગારોને બચાવવામાં આવી રહ્યા છે..: મહિલા ડોક્ટરના દુષ્કર્મ અને હત્યા મામલે ભાજપના મમતા સરકાર પર પ્રહાર

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
બંગાળમાં ગુનેગારોને બચાવવામાં આવી રહ્યા છે..: મહિલા ડોક્ટરના દુષ્કર્મ અને હત્યા મામલે ભાજપના મમતા સરકાર પર પ્રહાર 1 - image


Image Source: Twitter

Doctor Murder Rape Case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા મામલે ભાજપે બંગાળની મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપે આરોપ લગાવ્યો કે, બંગાળમાં ગુનેગારોને બચાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ ઘટનાસ્થળ પાસે જ સમારકામ શરૂ થવા પર પણ રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે, પુરાવાનો નાશ કરવા અને તેની સાથે છેડછાડ કરવાના હેતુથી સમારકામ શરૂ કરાવવામાં આવ્યું છે. 

CBI તપાસમાં વિલંબ પર ઉઠાવ્યો સવાલ

ભાજપે CBIને તપાસ સોંપવામાં વિલંબને લઈને પણ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, મીડિયા રિપોર્ટ્સ અને હાઈકોર્ટના નિર્ણયને વાંચ્યા પછી એવું લાગે છે કે, મમતા બેનર્જી કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ આનો જવાબ આપવો પડશે... પુરાવા એકત્ર કરવા માટે શરૂઆતના 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ હતા અને મમતા બેનર્જીએ નિવેદન આપ્યું હતું કે તેઓ થોડા દિવસો પછી આ કેસ CBIને સોંપશે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આવું કેમ કરવામાં આવ્યું? જો આ કેસ તાત્કાલિક જ CBIને સોંપવામાં આવ્યો હોત, તો તેઓએ નિષ્પક્ષ તપાસ કરી હોત અને ક્રાઈમ સીનને પણ સુરક્ષિત રાખ્યું હોત.

ગૌરવ ભાટિયાએ કહ્યું કે, હત્યાકાંડ બાદ 48 કલાક તપાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતા પરંતુ મમતા બેનર્જીએ CBIને તપાસ સોંપવામાં વિલંબ કર્યો. ભાજપે ઘટના સ્થળની નજીક સમારકામની કામગીરી શરૂ કરવા પર પણ નિશાન સાધ્યું અને રાજ્ય સરકાર પર ગુનેગારોને બચાવવાનો આરોપ લગાવ્યો. ભાજપે કોલકાતામાં મહિલા ડોક્ટરની હત્યા અને દુષ્કર્મની ઘટનાની તુલના દિલ્હીના નિર્ભયા કાંડ સાથે કરી અને તેને નિર્ભયા કાંડ 2 ગણાવ્યો છે. ભાજપે આ હત્યાકાંડને લઈને સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી અને કહ્યું કે જ્યાં સુધી મમતા બેનર્જી સીએમ પદ પર રહેશે ત્યાં સુધી રાજ્યની કોઈપણ મહિલા પોતાને સુરક્ષિત નહીં અનુભવશે.

પ્રિન્સિપાલના રાજીનામાં પર પણ ઉઠાવ્યા સવાલ

ભાજપના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પીડિતા પર ગેંગરેપની આશંકા છે પરંતુ કોલકાતા પોલીસે ગેંગરેપની આશંકાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે અને માત્ર એક આરોપીની ધરપકડ કરી છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે તો શું માની લેવું જોઈએ કે, કેસની તપાસ ખતમ થઈ ગઈ છે? ભાજપે આરજી કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલના રાજીનામા પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું હતું કે શું તેમણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સમર્થન ન આપવું જોઈએ. તેમના રાજીનામા બાદ સરકારે તેમને નવી નિમણૂક આપી છે પરંતુ હાઈકોર્ટે આ માટે સરકારને ફટકાર લગાવી છે અને તેમને રજા પર મોકલી દેવાનો આદેશ આપ્યો છે.


Google NewsGoogle News