રામમંદિરનું જીવંત પ્રસારણ રોકવા મુદ્દે ભાજપ-તમિલનાડુ સરકાર બાખડ્યા, મામલો હવે સુપ્રીમ કોર્ટમાં
રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ રોકવા મુદ્દે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર પાસે માગ્યો જવાબ
Ram Mandir News | તમિલનાડુ સરકાર દ્વારા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના લાઈવ ટેલિકાસ્ટ પર કથિતરૂપે પ્રતિબંધ મૂકવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. આ મામલે ભાજપે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતા સુનાવણી હાથ ધરાઈ છે.
ભાજપે અરજીમાં શું કર્યો દાવો?
સુપ્રીમ કોર્ટમાં ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તમિલનાડુ સરકારે સમગ્ર રાજ્યમાં અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે સાથે જ પૂજા, અર્ચના, અને અન્નદાનમ કરવા તથા ભજન કીર્તન કરવા સામે પણ પ્રતિબંધ મૂકી દીધાનો દાવો કરાયો હતો. ભાજપે તમિલનાડુ સરકારનો આ આદેશ મનસ્વી ગણાવતાં કહ્યું કે આ બંધારણ હેઠળ મળેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
સુપ્રીમ કોર્ટમાં શું થયું?
આ મામલે સુનાવણી હાથ ધરતાં સુપ્રીમકોર્ટે તમિલનાડુ સરકારને તેના આવા આદેશ પર જવાબ આપવા માટે નોટિસ ફટકારી હતી. જેના જવાબમાં તમિલનાડુ સરકારે કહ્યું કે અમે એવો કોઈ પ્રતિબંધ મૂક્યો નથી અને જીવંત પ્રસારણ પર પણ કોઈ પ્રતિબંધ મૂકાયો નથી. તમિલનાડુ સરકારે ભાજપની આ અરજીને રાજકારણથી પ્રેરિત ગણાવી હતી.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
આ મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ‘રાજ્ય (તમિલનાડુ)માં અન્ય સમુદાયના લોકો પણ રહે છે તેના આધારે સરકાર જીવંત પ્રસારણ રોકી ના શકે. ભારતમાં દરેક સમુદાયના લોકો રહે છે.’